(દ્બિતીય પુરસ્કાર, સાધના સામયિક આયોજીત લઘુકથા સ્પર્ધા -૨૦૦૬)
અચાનક એણે કંઈક જોયું. સજ્જડ બ્રેક મરાઈ ગઈ. દ્રશ્ય ભયાનક હતું. ઢાળ પર સરકતી બસ ધડાકાભેર ખડક સાથે અથડાઈ હતી. મુસાફરોની રડારોળ સાંભળીને એ મૂંઝાઈ ગયો. ક્ષણભર એ આ ભયાનક દ્રશ્ય ફટી આંખે જોવા લાગ્યો, પછી અચાનક બૅગમાંથી કૅમેરા કાઢીને ‘ક્લિક, ક્લિક’ કરતા અકસ્માતના ફોટા પાડી લીધા. બીજી બાજુએ જઈને ફરીથી ફોટા પાડયા. ત્યાં એક બૂમ સંભળાઈ, ‘‘થોડી મદદ કરો, તો આને બચાવી શકાય…’’
ડ્રાઇવર બસના બારણામાંથી ઘવાયેલા પેસેન્જરને બહાર કાઢવાની કોશિશ કરતો હતો.
કૅમેરા ઝટપટ ખભે ભરાવી, એ મદદે લાગ્યો. કેટલાક પેસેન્જરને બાદ કરતા બધાં હેમખેમ હતાં. ઘવાયેલા પેસેન્જરનું માથું લોહીથી લથબથ હતું. બંનેએ મળીને એને મહામહેનતે બહાર કાઢીને રોડની બાજુએ સુવડાવ્યો.
‘‘તમારી મોટરસાયકલ પર આને હૉસ્પિટલમાં પહોંચાડો, તો બચી જાય,’’ ડ્રાઇવરે આજીજી કરી. ઘડીભર એનું મન પીગળી ગયું, પણ પછી યાદ આવ્યું, કે હજુ આ અકસ્માતના ફોટા ધોવડાવીને પ્રેસ પર પહોંચાડવાના હતા. એણે આજુબાજુ નજર કરી,‘‘જુઓ, હું અત્યારે બહુ ઉતાવળમાં છું. આમ પણ બાઈક પર આને લઈ જવું નહીં ફાવે. એક કામ કરો, બીજું મોટું વાહન આવે એમાં આની વ્યવસ્થા કરો. ત્યાં સુધીમાં હું એમ્બ્યુલન્સ મોકલું છું’’ કહીને એ રવાના થઈ
ગયો. જતા પહેલાં ઘવાયેલા પેસેન્જરના ફોટા લેવાનું એ ન ચૂક્યો.
તાજા ધોવડાવેલા ફોટા લઈને એ ઝડપથી પ્રેસ પહોંચ્યો. પ્રેસમાં ધમાલ હતી. એડિટર ફોન પર મોટે-મોટેથી વાતો કરતો હતો. એને એટલું સમજાયું, કે અકસ્માતની જ વાત હતી.
એડિટરે ફોન મૂકીને એની સામે જોયું. એણે ફટાફટ ફોટા ટેબલ પર પાથર્યા. ઊંચા શ્વાસે વિગતો આપી. છેલ્લે ઘવાયેલા પેસેન્જરનો ફોટો બતાવીને કહ્યું, ‘‘આને બહુ વાગ્યું છે. હૉસ્પિટલમાં દાખલ કરવો પડશે… ઉતાવળમાં હું એમ્બ્યુલન્સ મોકલવાનું ભૂલી ગયો…’’ એનો અવાજ સહેજ ધ્રૂજ્યો. કપાળે પરસેવાના બિંદુઓ ઊપસી આવ્યાં.
એડિટરે ફોટો ઉંચકયો. ચશ્માં ઉતારીને એની સામે જોયું. ‘‘યંગમેન, હૉસ્પિટલના ડૉકટર સાથે મારી વાત થઈ. સમયસર સારવાર ન મળવાને કારણે આના માથામાંથી બહુ લોહી વહી ગયું. ખાનગી વાહનમાં હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ… તું મોડો પડયો.’’ એડિટરે હળવેથી ફોટો ટેબલ પર મૂકી દીધો.
*
Posted by readsetu on ઓગસ્ટ 19, 2011 at 5:42 પી એમ(pm)
nice discreption of human’s selfishness….
Posted by ashutosh shukla ,nand on સપ્ટેમ્બર 17, 2011 at 9:56 પી એમ(pm)
really very touching one….
Posted by rajulbhanushali on માર્ચ 25, 2015 at 10:01 પી એમ(pm)
ant vanchine sadak thai javayu!
Chotdar..