Archive for the ‘અશ્વિન’ Category

હાથ ભાંગ્યો

અશ્વિન ચંદારાણા

હમણાં અમારાં સૌનાં સદ્‌નસીબે અમારો હાથ ભાંગ્યો.

કોઈને એમ તો જરૂર થાય, કે હાથ ભાંગવા માટે વળી સદ્‍નસીબની શું જરૂર પડી આને વળી? પણ એવું છે ને કે મારા જેવા નસીબના બળિયાને કંઈક ખોટું કે ખરાબ થવા માટે પણ સદ્‍નસીબની જરૂર પડે!

આમ તો અમારી નોકરી બહુ સારી. પણ સવારે આઠ વાગ્યે નોકરીએ જઈને સાંજે પાંચ વાગ્યે ઘેર આવવાની તૈયારી કરતા હોઈએ ત્યાં જ બોસ કામના ને નક્કામા કાગળોની થોકડી લઈને અમારા ટેબલ ઉપર (!) ઊભા રહી જાય!

અમસ્તાં વળી દિવસ આખો કામ હોય તો ટેલિફોન રણકાવીને અમને એમની ઑફિસમાં તેડું મોકલનાર બોસ સાંજે અચૂક ટેબલ પર જાત્તે આવીને ઊભા રહી જાય, અમે ક્યાંક છટકી ન જઈએ એ ડરથી!!

એમને વળી એમના બોસ તેડું મોકલતા હશે બરાબર સાંજ પડ્યે! તે એ એમના બૉસની કૅબિનમાં જતા પહેલાં અમારા રસ્તામાં રોડાં વેરતા જાય! ‘જરા આ જોઈ લેજોને, સાંજે સાહેબ સાથે મિટિંગ છે. એમાં આ એક્સ્પ્લેઇન કરવા તમને બોલાવીશ’ પત્યું? સાંજ એમની, સાહેબ એમના, મિટિંગ એમની, ને પત્તર આપણી રગડાય!

એમણે આપેલાં કાગળો જોઈને જવાબ આપવા એમની કૅબિનમાં ડોકિયું કરું ત્યારે ખબર પડે કે બાપુ તો ક્યારનાય છૂ થઈ ગયા છે કૅબિનમાંથી!

એ…યને એ તો ફરતા ફરતા છેક સાતેક વાગ્યે પાછા ફરશે, ને કહેશે કે ‘જવા દો’ને, આજની મિટિંગ કૅન્સલ થઈ ગઈ. હવે કાલે જઈશું સાહેબ પાસે…’

એલા કૅન્સલ થ્યું’તું, તો ફોન કરીને કહી ન દેવાય? હું ઘરભેગો તો થઈ જાઉં!! પણ તો પછી ઑફિસને તાળું મારવાની જવાબદારી… સમજ્યા કે નહી? સાંજ એમની, સાહેબ એમના, મિટિંગ એમની, ને પત્તર આપણી રગડાય!

એમાં અમે મકાનનું જરા રીનોવેશન શરુ કરવાનું વિચાર્યું. જરા એટલે… બાથરૂમ પાસે એકાદ વોશબેઝિન મૂકાવવાના વિચારથી શરુ થાય તે બેંક બેલેન્સમાંથી એક દોકડોય ન બચે ત્યાં સુધીની સાફસૂફી કરવાની જ વાત હોય!

એમાં કામ શરુ કરતા પહેલાના આંટાઓ એટલે બાપ રે… ને એમાં વળી આપણે પાછા ટેકનિકલ, એટલે ટાઇલ્સ ચકાસીએ એટલી જ ચીકણાશ ઈંટમાંયે કરીએ. આમાં બેહિસાબ ટાઈમ વપરાય, ને મારો બોસ સાંજે ટાઈમસર ઘેર આવવા જ ન દે!

અમારે ઘરેથી સતત કહ્યા કરે, ‘આ બાજુવાળા શાહભાઈ જુઓ, કામ શરુ કર્યું ત્યારથી રોજ કામ પર નજર રાખવા નાઈટશિફ્ટ કરે છે, તમેય તે…’

હવે એને કેમ સમજાવું, કે બાજુવાળા શાહભાઈનું નવું વોશબેઝિન જોવા ગયાં એમાં તો અહીં સુધી લાંબા થઈ ગયાં!  હવે એમની વાદે ચડાય એટલી હિંમત અમારામાં રહી ન હતી! ને મારા બોસ આટલી રજાઓ મંજૂર કરે એવાં કોઈ લક્ષણો એ દેખાડતા ન હતા.

એટલે અમે છેવટે પત્ની સામે ગૂગલી નાખવાની હિંમત કરી. ‘જુઓ, તમે મારા કરતાં વધારે ભણેલાં! એમાંય તમે પાછા મેથ્સ ગ્રૅજ્યુએટ. મકાનના કામમાં છેવટે થોડું મેથ્સ તો આવે જ. તમે બૅન્કના કેશિયરની નોકરી મૂકી દીધે ઘણાં વર્ષો થયાં, માન્યું. પણ શીખેલું એમ કંઈ ભૂલી થોડું જવાય કે? તમે ભણેલાં-ગણેલાં… ભણેલ-ગણેલ પત્ની હોવાનો અમને થોડો તો ફાયદો થવો જોઈએને!!!

હવે સંજોગો જ એવા હતા કે અમે બચી ગયા. બાકી ગમે એવા ગૂગલીને ચોક્કા-છગ્ગામાં ફેરવી નાખવાની આ લોકોમાં આવડત હોય જ!

પણ થયું એવું કે તોયે સાજે સાત વાગ્યે ઘેર પાછા ફર્યા પછીયે ટાઇલ્સવાળાની મુલાકાત લેવી જ પડે! કોઈ ને કોઈ કારણસર આંટાફેરા રહ્યા જ કરે. આજે ટાઇલ્સ, ને કાલે નળ, ને પરમદી વળી બીજું જ કંઈ હોય!

એમાં અમારા સૌનાં સદ્‍નસીબે અમારો હાથ ભાંગ્યો.

હવે બદ્ધું કીલિયર?

પડ્યા ત્યારે તો આટલું બધું નીકળશે એવું નો’તું લાગ્યું, પણ હાથના એક્સ-રેમાં દેખાતી આડી-અવળી લીટીઓમાંની એક લીટી બતાવીને ડોક્ટરે જ્યારે કહી દીધું કે ”આને ક્રેક કહેવાય, ને એને જોડવા માટે પ્લાસ્ટર લગાવવું પડશે એકવીસ દિવસનું”, ત્યારે આપણે તો એકવીસ દિવસના પ્લાસ્ટરના ભારથી પહેલેથી જ ઝૂકી ગયા.

‘પેલો સાદો પાટો નહી ચાલે?’ અમારા મનનો ભય ડોક્ટર પાસે રજૂ કરતાંવેંત એ ભડક્યા, ‘ભલા માણસ, પાડ માનોને ડાબો લાવ્યા છો. જમણો ભાંગીને આવ્યા હોત તો શું કરત?’

હવે કેમ જાણે ડાબાને બદલે જમણો કે જમણાને બદલે ડાબો હાથ ભાંગવાની અમને એ સ્પ્લિટ સેકન્ડમાં તક મળી હોય! અને અમે જમણાને બદલે ડાબી બાજુ ઉપર ભાર દેવાનું મુનાસિબ માનીને ડાબા હાથનો ભોગ આપવો ઉચિત માન્યું હોય! ત્યારે તો હેલ્મેટ આમ, બૂટ આમ, ઘડિયાળ આમ અને મોબાઈલ આમ… બધું જ ચારે બાજું ઊડી ગયું હતું જેને એકઠું કરવાની ભાન કોને હતી?

ત્યારે તો… રસ્તાની કોરે એક કાચું-પાકું મકાન હતું એમાંથી એક બાપા ને એક માડી ને બે જુવાનિયાઓ દોડતા આવ્યા’તા. એકે બાઈક ઊભી કરી’તી, બીજાએ વેરવિખેર સામાન વીણી દીધો’તો. હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવેલા માડીનો કકળાટ હવે સમજાતો હતો, ‘હું તો રોજ કહું છું કે આ કુતરાંવને પેડો ખવડાવીને મારી નાખો. માળાંવ રોજ કો’કને ને કો’કને પછાડે છે…’

દુખતા હાથ-પગની પીડા વચ્ચેય અમારે કહેવું પડેલું, ‘ના માડી ના. આમાં એમનોય શું વાંક? રોજ અમે બાઇકુવાળાવ આમ મારફાડ જતાં હોઈએ, ત્યારે ઠંડી-તાપ-વરસાદ-પાણી જેવી કુદરતી પરિસ્થિતિઓ સામે સાવ લાચાર, સુમસામ રસ્તો ભાળી આડા પડ્યાં હોય એવા આ પશુઓને ટેં…ટેં… કરીને આડા જ આવીએ છીએને!

પેલું કૂતરું જે અમને આડું ઊતર્યું હતું એને પણ બીચારાને ક્યાં કોઈ ચોઈસ મળી હતી…!

એક્સ-રેવાળાની દુકાનેય તે વળી એ જ રામાયણ…

“હાથ જરાક સીધો કરો… ફોટો પાડવાનો છે…”

“તે ખબર છે ફોટો પાડવાનો છે તે… એટલે તો આંયાં ગુડાણાં છીએ… અને હાથ સીધો નથી થાતો, એટલે તો ફોટો પડાવવાનો થ્યો છે. સીધો થાતો હોત તો થોડા આમ લંગડાતા-લંગડાતા તારી દુકાનના ઓટલા ભાંગવા…

હવે ભાંગલા હાથની ઉપાધીયે કાંઈ ઓછી હોય છે?

પહેલી તો શરુ થાય ફોનની વણઝાર… બદ્ધાંને એકની એક વાત સમજાવવાની! “પે’લાં આમ થ્યું, ‘ને પછી આમ થ્યું!”થી શરુ થયેલ ફોન, “સારું ત્યારે, આવી જઈશ એક-બે દી’માં ટાઈમ મઇલે…”થી જ પૂરો થવાનો હોય એ બેય પાર્ટીને ખબર હોય.

પછી મુલાકાતીઓ ચાલુ થાય! ‘ને આંયાં બહુ જ મજા પડે.

ફોનમાં આપણે જેને-જેને સારો રિસ્પૉન્સ આપ્યો હોય એ બધાં આવે જ આવે? ‘ને આવે એટલે પેલી ફોનવાળી આપણી રેકડ જ આપણે તો ફરીથી ચડાવવાની હોય! ફસાઈ જાય પેલો સામેવાળો! આપણે તો આમાંથી પસાર થઈ ગ્યા હોય એટલે આપણને કાંય નવેસરથી દુખવાનું તો હોય નહીં, એટલે આપણે તો એ…યને મલાવી-મલાવીને… આમેય તે નવરાધુપ બેસી-બેસીને કંટાળી ગયેલા આપણને માંડ કોઈ સાંભળવાવાળું મળ્યું હોય!

બાકી ઘરનાઓને તો ફરી-ફરીને રેકડ સંભળાવવા બેસીએ તો તો પાછી એમની રેકડ સામેથી ફરી-ફરીથી સાંભળવી પડે… “કાં… અમે નો’તા કે’તા? કે ધીમે હાંકો, ધીમે હાંકો… પણ અમારું તો ક્યાં કોઈ માનતા જ ‘તા… લ્યો લેતા જાવ હવે… પંદર દી’નો ખાટલો થ્યો ત્યારે હવે શું આમ પાંયજો ઊંચો કરીને બતાવતા ફરો છો બધાયને…’

એટલે… આ પાંયજો ઊંચો કરીને છોલાયેલો પગ બતાવવાનો સીન અમારે મુલાકાતીઓ પૂરતો સીમિત રાખવો પડે. પણ એમાંયે પાછો કોઈ દોઢડાહ્યો મિત્ર આવી ચડે, તો પાછો એ જ સીન ભજવાઈ જાય…

“એ ભાભી…. આ તમે અમારા ભાઈબંધનું ધ્યાન રાખો હોં જરીક. આમ ને આમ ક્યારેક…”

“એં… હું તો કે’દી’ની કઉં છું, પણ મારું તો માને કોણ આ ઘરમાં… એનું જોઈને તો આ છોડીએ ચગી’તી બાઈક ફેરવવાના રવાડે… નો’તી માનતી એ…ય. ‘ને એય તે ટાંટિયો છોલીને ઘરમાં સંતાતી-સંતાતી આયવી તે દી’થી એનેય બાઈક છોડાવી દીધી’તી એમ આનેય બાઈક છોડાવવી પડશે… ઘરમાં ગાડી છે તોય આ ઉંમરે બાઈક છૂટતી નથી આ વરણાગિયાથી… ‘ને આ ગાડીએ ભઈશાબ… પેટ્રોલ ક્યાં પોસાય…”

એ… આપણી ઘાત ગઈ પેટ્રોલના ભાવ ઉપર… એટલે હવે બાઈક તો લઈ જવાશે! પેટ્રોલના ભાવ તો સાલા… બાકી આ ઉંમરે આપણે કાંઈ…

તો… વાત-વાતમાં મુલાકાતીઓને વળી પાંયજો ઊંચો કરીને ઢીંચણ બતાવતા જવાનું. આપણને તો ખબર જ હોય, કે પારકા ઘાની  કોઈને તે વળી શું પડી હોય!? આપણને પડી’તી કોઈના ઘાની કોઈ દી’? પણ શું છે કે… મજા આવે, નહીં?

‘ને સામેવાળોયે પાછો કાંય ગાંજ્યો જાય એમ ન હોય!  એય તે પાછો… ‘અરે… તમને તો કાંય નથી વાયગું… મારો એક ભાઈબંધ હતોને… એની હાયરે બસમાં જાતો’તોને… તે એં, બસમાં બારી પાંહે બેઠા’તાને… તે એં, સામી બીજી એક બસ આયવીને… તે એં… ફચ્ચા…ક… હાથના છોડિયા ઊડી ગ્યા’તા… કાંડેથી હાથ છૂટ્ટો જ થઈ ગ્યો’તો… તે છેક આણંદથી નડિયાદ સુધી ખોળામાં એક નાડીથી લટકી રીયેલો હાથ લઈને બેઠા રીયા’તા…”

એલા… આંયાં ખબર કાઢવા આયવો છો કે ખબર લઈ નાખવા…! છોલાયેલા ઢીંચણને બે શબ્દ આશ્વાસનના કહેવાને બદલે આમ રંધો લઈને મંડી પડ્યો છે તે…

જોકે… આવા હોરર સીનને તો રસોડા તરફથી જ ઝટ-ઝટ કટ મળી જાય, “એ બસ હવે, બવ બિવડાવો મા એને હવે… પાછો બાઈક ફેરવવાનું બંધ કરી દેશે બહુ બી જાશે તો… લ્યો ચા પીવો…”

આમ કવિ કલાપી અવળા કામે આવતા… જે મારતું તે પોષતું…

પ…ણ, શું છે કે… મજા પડે!

અને એમાંયે નવરાત્રી જેવો તહેવાર હોય, અને આપણા ભાંગેલા હાથ અને છોલાયેલા પગને કારણે આખા ઘરને ઘરમાં રહેવાની સજા થઈ હોય એવા ટાણે પણ, આપણું દુખ ઓછું કરવાના ઇરાદે રોજેરોજના નોરતાને “આજે લંગડાત્રીજ છે…” કે પછી “આજે લંગડાષ્ટમીનો હવન થવાનો છે” જેવી ઉક્તિ બોલી-બોલીને આપણને પ્રસન્ન રાખવાના રોજના પ્રયત્નો જોવા મળતા હોય ત્યારે… મજા તો આવે હો!!!

***

એ હા…!

અશ્વિન ચંદારાણા     કવિલોક (માર્ચ-એપ્રિલ ૨૦૧૫)

 

સ્મરણની વાદળી હતી, કમોસમી ચડી હતી;
એ હા, મને ખબર પડી, કે તું યે ત્યાં રડી હતી.

ઉપર-ઉપરથી આમ તો બધું યે ઠીકઠાક હતું,
ભીતર-ભીતર જરાક નાની યાદની ઝડી હતી.

બધીયે મૂંઝવણના કંઈ ઉકેલ હાથવેંત, પણ…
સદીથી વણઊકેલી એક રૂમાલની ગડી હતી,

ને તેં તો બસ કહી દીધું, સમય બધું ભરી દેશે,
ખબર પડે છે, છેલ્લે કેવી આકરી ઘડી હતી?

તને દીધેલ બદ્ધુંયે પરત કરી દીધું છે તે?
હેં, પ્રેમગ્રંથ નામની એકેય ચોપડી હતી?

તને જવાને કેટલી સરળ ધરા ધરી હતી,
વિદાયની વેળ એક પણ શું કાંકરી નડી હતી?

તને તો ખોળવા પછી જરીયે ના મથ્યો હતો,
ખોવાઈ એ પછી તો તું તને જ ક્યાં જડી હતી.

તું આવ તો ખબર પડે

અશ્વિન ચંદારાણા     અખંડઆનંદ (મે, ૨૦૧૫)

તને મળ્યો એ હું કે નંઈ, તું આવ તો ખબર પડે!
કંઈ આપણે હતું કે નંઈ, તું આવ તો ખબર પડે!

ટગર-ટગર નિહાળતી, શરાબી તારી આંખથી,
નશીલું કંઈ કહ્યું કે નંઈ, તું આવ તો ખબર પડે!

હથેળીમાં ધરી હતી તને સુંવાળી રેતશી!
સરી ગઈ એ તું કે નંઈ, તું આવ તો ખબર પડે!

જરીક શ્વાસ ચાલતો, જરા હૃદય ધડક-ધડક,
હજી હું જીવું છું કે નંઈ, તું આવ તો ખબર પડે!

વજીર તું, તું રાજવી, તું હાથી-ઘોડા-ઊંટ તું!
રમત શરૂં કરું કે નંઈ, તું આવ તો ખબર પડે!

શ્રી શિવકુમાર આચાર્યને જન્મદિવસે પાયલાગણ

શ્રી શિવકુમાર આચાર્યના જન્મ દિવસે પાયલાગણ

શ્રી શિવકુમાર આચાર્યના જન્મ દિવસે પાયલાગણ

સરાઈ હરાની એક સવાર __________ બિસ્મિલ્લાહખાનના ૧૦૨મા જન્મદિવસે

ફેબ્રુઆરી ૨૦૧૧માં ભારતના ખરેખરા રત્ન બિસ્મિલ્લાહખાનની મઝારની મુલાકાતે ગયા પછી…

પ્રથમ પ્રકાશનઃ ઉદ્દેશ સામયિક એપ્રિલ ૨૦૧૧

૯ મે ૨૦૧૧ના દિવસે સ્વ. શ્રી મૃગેશ શાહના રીડગુજરાતી બ્લોગ (http://www.readgujarati.com) પર
૨૮ જુલાઈ ૨૦૧૧ના દિવસે શ્રી કિન્નર આચાર્યના બ્લોગ (http://kinner-aacharya.blogspot.in) પર
૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે શ્રી જીગ્નેશ અધ્યારુના બ્લોગ (http://aksharnaad.com) પર પુનઃપ્રકાશન

આજે ૨૧ માર્ચ ૨૦૧૫ – શ્રી બિસ્મિલ્લાહખાનના ૧૦૨મા જન્મદિવસે અમારા બ્લોગ પર પુનઃપ્રકાશન
-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x

BK2રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’ વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો…. બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ એ ક્યાં સંભળાયા હતા! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય, ઊઠ… ઊઠ… ઊઠ…

આઠ વાગ્યાને બદલે સવારે પોણા છએ તો હૉટેલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ. ‘બેનિયા બાગ મસ્જિદ’. સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય! ચહલપહલ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ હોય! કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતું હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયનાં દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્યું, અજાણ્યા લોકો, રસ્તા પણ તદ્દન અજાણ્યા! અને મુસ્લિમ વિસ્તાર!

પગરિક્ષા થોડું ચાલી… ગોદોલિયા ગયું… અને બેનિયા બાગ શરૂ થયું. મુસ્લિમ નામોવાળી દુકાનોનાં પાટિયાં આવવા લાગ્યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્તાઓ…. આવા સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે! સામેની બાજુ એક મસ્જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્તો ક્રોસ કરી મસ્જિદ પાસે પગરિક્ષા લીધી. મસ્જિદમાંથી બે ભાઈઓ નીકળ્યા, તેમને પૂછ્યું: ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાનજી કી મઝાર….?’ વાક્ય અધૂરું હતું અને તેમના ચહેરા પર અહોભાવ ફરી વળ્યો. તેમણે પગરિક્ષાવાળાને ‘ઈધર સે દાંયે, ઊધર સે બાંયે’ કરતાં-કરતાં બરાબર જગ્યા બતાવી હશે એવું લાગ્યું. હવે તો આ રિક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે-સાથે ચાલતા હતા.

પગરિક્ષા મેઈનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી તો ગલી… કેટલાક રસ્તા તો એટલા સાંકડા કે પગરિક્ષા ચાલતી હોય તો સામેથી સ્કૂટર પણ ન આવી શકે! ક્યાંક જરા પહોળા રસ્તા હોય તો ત્યાં લારીઓ ઊભી હોય અને એક લારીમાં એકસાથે પાંચ-પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને ઓટલો હોય, તો ત્યાં પણ ખીલે બકરી બાંધેલી હોય! કોઈક નાના ઓટલા પર પાન-પડીકીવાળા, અને ચોક પડે ત્યાં મરઘા-બતકાંનાં પીજરાં… બિસ્મિલ્લાખાનના વિચારો એક તરફ રહ્યા અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્યારની આ દશામાં બાંધેલી બેઠી હશે, બિચારી બેં-બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે…! અમસ્તું કહ્યું હશે, કે ‘બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી…?’ બધું વળોટતાં-વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું ન હતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્યાં બીજા એક મદદગાર મળી ગયા. ફરીથી પૂછ્યું, ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાનજી કી મઝાર…’BK1

‘આઈયે, યહીં હૈ’ તેમણે દરવાજો ખોલી આપ્યો. અંદર સાથે આવ્યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઈંચ ઊંચે ત્રણ બાય છની જગ્યા પર જરા ગારમાટી થતાં હોય એવું લાગ્યું. દીવાલના ટેકે ઉસ્તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા. પેલા મુસ્લિમ બિરાદરને પૂછ્યું, ‘મુસ્લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે? મારે એ રીતે પગે લાગવું છે.’ એમણે હસીને કહ્યું, ‘આપ ઈધર કી તો નહીં લગતી… ઈતની દૂર સે આઈ હૈ, તો આપ કી પ્રાર્થના, પ્રણામ સબ કુછ… કબૂલ હો હી ગયા હોગા…!’

બસ, પ્રણામ કરીને બહાર નીકળી. અંદર કંઈક છલકાતું હતું. એટલે તો ફોટો પાડવાનું પણ યાદ ન આવ્યું! પગરિક્ષામાં બેસતાં-બેસતાં પાછા વળીને ફરી ત્યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્યું, ‘બિસ્મીલ્લાખાનજીનાં સંતાનો…’ જવાબ મળ્યો, ‘બેનિયા બાગ.’ ફરી બેનિયા બાગ. પછી ફરી ત્યાંથી ગલી, ગલી, ગલી… સરાઈ હરા પહોંચી. પંદર-સત્તર વર્ષના ચાર-પાંચ છોકરાઓ ત્યાં ઊભા હતા. તેમને પૂછ્યું, ‘ખાન સાહેબ બિસ્મીલ્લાહખાન…’ છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.

સવારના સાડાસાત થયા હતા. અજાણ્યાને ઘેર અત્યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો. ત્યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝુર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું: ‘ઉસ્તાદજી કા નામ લે રહે થૈ…’

‘આઈયે… આઈયે…’ ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફા, જમણી બાજુએ ડબલબેડ. બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરશી અને સામેની બાજુએથી ઘરમાં આગળ જવા માટે બીજો દરવાજો. મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાંને ઉઠાડવાં પડ્યાં. નમસ્કાર કરીને હું સામે પડેલી બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
‘ફરમાઈયે…’
BK3
મેં કહ્યું : ‘જીસ પાક ભૂમિ પર ઉસ્તાદજીને જીવનભર શહેનાઈ કી સાધના કી ઉસ ભૂમિ કા દર્શન કરને આઈ હું.’

‘વહ તો દશાશ્વમેધ ઘાટ પર બજાતે થે… કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ?’

‘જી, અભી નહીં. પહેલે ખાનસા’બ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ-સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉન કે પરિવાર સે ભી મિલને કી ઉમ્મિદ થી, તો ચલી આઈ હૂં. અબ જાઉંગી મંદિર ભી…’ એમની આંખમાં એક ચમક અને એક ગ્લાનિ એકસાથે ઊભરી આવ્યાં હોય એવું લાગ્યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દીવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.

‘સબ ઉનકા કરમ હૈ, કિ કોઈ હમેં યાદ કર કે ઈતની દૂર મિલને આતા હૈ.’ એક તસવીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.

‘આપ ઉન કે…’

‘મૈં બડા બેટા ઉનકા. મહેતાબહુસેન…’

‘ખાનસાહબ કે બાદ ઉનકી શહનાઈ કા વારિસ….’

‘બજાતા હૂં મૈં… શહનાઈ… લેકિન ઉનકી શહનાઈ કે અસલી વારિસ તો થે નૈયરહુસેન. હમારે છોટે ભાઈ થે. ગુજર ગયે અભી એક-દો સાલ પહેલે… ઉનસે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈં. જામિલહુસેન ઔર કાલિમહુસેન… હમ પાંચ ભાઈ…’ મહેતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્સારહુસેનનો પરિચય કરાવે છે. ‘નિસ્સારહુસેન હમારે નૈય્યરહુસેન કે બેટે હૈં.’ ‘એ પણ શરણાઈ વગાડે છે…?’ એમણે હકારમાં ડોકું હલાવ્યું.

આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે એકાદ નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો, ‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ….’

‘નહીં.’ રુઢિચુસ્ત મુસ્લિમ કુટુંબના વડા મહેતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતા, ‘હમ હમારી ઔરતોં કો સંગીત કી તાલીમ નહીં દેતે હૈ. હમારી તીન બહેનેં હૈં. તીનોં કી આવાઝ મધુર હૈ, લેકિન હમારેં ઘરોં કે હી શાદી-બ્યાહ કે અલાવા…’

‘આટલી રુઢિચુસ્ત માન્યતા…’ હું બેધડક પૂછી લઉં છું. ‘…અને ઈસ્લામ તો સંગીતની મનાઈ ફરમાવે છે ત્યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું…’
BK4
‘કિતને મુસલમાનોંને ગાયા-બજાયા, ઔર ઉસ્તાદ હો ગયે! અબ્બા કે મામા ઉસ્તાદ અલિબક્ષસાહબ ગ્વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્બા કે નાના ભી વહીં પર ગ્વાલિયર સ્ટેટ કી ઔર સે નોબત બજાતે થે. અબ્બા કે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસુલબક્ષખાન, ઔર ઉન કે અબ્બા પયગંબરબક્ષખાન… સબ શહનાઈ બજાતે થે. ઈસ્લામ રોજી કે લિયે સંગીત કી છૂટ દેતા હૈ. ખાનસાહબ કે લિયે શહનાઈ ઉન કી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈં. આપ ભી કભી શાદી-બ્યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને કે લિયે આ જાયેંગે…’

મારા માટે દિગ્મૂઢ થઈને સાંભળવાનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન… અને શરણાઈ એમની રોજી માત્ર…!? ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ… કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપને મોટાં થયાં છીએ? મેં સાંભળેલું ખોટું ન હોય તો… અમેરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્યાં સ્થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે, ‘મેરી ગંગા કહાં સે લાઓગે તુમ વહાં…?’ અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી માત્ર હતી!? સરસ્વતીની પૂજા કરતાં-કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્તાદો અમેરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ પોતે તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા…!

‘ખાંસાબ તો કહતે થે કિ…’ મેહતાબહુસેન વાત આગળ ચલાવે છે, ‘લક્ષ્મીજી તો હર તરીકે સે આ સકતી હૈ. સૂર સિર્ફ સરસ્વતી સે મિલતે હૈં… સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઈજ્જતી હો ગઈ…’

વાતનો દોર હું પકડી રાખું છું. ‘ઈસ્લામે તો… માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી પરંતુ…. અહીંના મુસ્લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા?’

‘ક્યા બાત કરતીં હૈ આપ! શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ! સબ ઉનકા નામ બડી ઈજ્જત સે લેતેં હૈં. ભારતરત્ન યા કિસી ભી ઈલકાબ-અકરામ કે લિયે ઉન્હોંને કભી ભી કિસી કા અહેસાન નહીં લિયા થા.’

‘ઉનકી શહનાઈ કોઈ ખાસ તરહ સે…’

‘એમની શહેનાઈ એક સામાન્ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફેરફારો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજ્જો અપાવ્યો હતો.’

‘ક્યારેક હુલ્લડ થાય હિંદુ-મુસ્લિમ વચ્ચે, ત્યારે…’

‘દંગે તો હો જાતે થે કભી-કભી. ઉસ વક્ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કિ ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં…. લેકિન હમારે અબ્બા થે કિ… કહતે… બનારસ મેં હૂં તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને… એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા…’

મને ફરી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’

‘એમના આખરી દિવસોમાં ડૉક્ટરે કૅન્સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ…’

‘કોઈ કૅન્સર-વૅન્સર નહીં થા ઉનકો. ગુજર જાને કે તીન-ચાર મહિને પહલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા…’

‘ખાનસાહેબે થોડી ફિલ્મો માટે વગાડેલું, પછી અળગા રહ્યા. ફિલ્મોમાં એમની પસંદ…’

‘અબ્બાને ગીતાબાલીની ફિલ્મ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા… ગુંજ ઊઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.’

ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી હતી. ‘હમ કો તો માર-માર કે સિખાયા થા. લેકિન હમારે બચ્ચોં કે લિયે ઉન્હોંને હમ પર છોડ દિયા થા…’

વિદાય લેતાં પહેલાં મેં એમને બે-ચાર શેરો કહ્યા:

હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્મિલ્લા,
સુરોં કા દિવ્યઅંશી જામ બિસ્મિલ્લા.

બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરોં કી જાહ્નવી કા ધામ બિસ્મિલ્લા.

મુસલમાં કે ફકીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્મિલ્લા.

ઓ ભારતરત્ન! આલોકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્કૃતિ પૈગામ બિસ્મિલ્લા.

બીજો શેર સાંભળતાં મહેતાબહુસેનખાનથી એક ડૂસકું મુકાઈ ગયું અને પછીનાં ડૂસકાંઓ એ ગળી ગયા.
BK5
દસ દિવસના બનારસના રોકાણ પછી વલતાં આવવા માટે રેલવે સ્ટેશને ગાડીની રાહ જોતાં અમે બેઠાં હતાં, ત્યાં નિસ્સારહુસેન હાથમાં ફળો અને મીઠાઈ લઈને આવી ચડ્યા. ‘આપ કિતની દૂર સે આઈ થી હમ સે મિલને! હમ તો ખૈર, યહીં સે આયે હૈં… ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉનકી અંતિમયાત્રા મેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્કિલ થા. ભારતરત્ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી. આમ જનતા ઉનસે ઈતના પ્યાર કરતી થી, વહ તો ઉનકે જાને કે બાદ હી પતા ચલા!’

હું મારી ચિંતા વ્યક્ત કરું છું, ‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્થામાં છે!’

‘ક્યા કરેં? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાદા કિયા થા મઝાર કે લિયે…’ ફરી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી…

વડોદરા પહોંચીને નિસ્સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્યારે ફોન પર તેઓ કહે છે: ‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં. કિસીકી શાદી હો, કિસીકા જન્મદિન હો…’

તો એમનું સરનામું આપું ? K-46/62, સરાઈ હરા, વારાણસી-221001. (ઉ.પ્ર.) ફોન : +91 542 2412836. નિસારહુસેન : (મો) : +91 9616043169.

બાળસાહિત્યમાં પ્રકાશનના પડકારો

બાળસાહિત્ય અકાદમીના પંદરમા અધિવેશન વેળાએ વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે આપેલું વક્તવ્ય (તા. ૧૧.૦૧.૨૦૧૫)
(બાળસાહિત્ય અકાદમીની પુસ્તિકા ૪૨-૪૩-૪૪માં પ્રકાશિત)

બાળસાહિત્ય અકાદમી દ્વારા મને આ વિષય સોંપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તો મને એ સમજાયું ન હતું, કે આ વિષયમાં હું કેટલુંક અને કેવુંક બોલી શકીશ! પરંતુ ઈન્દોર ખાતે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં બાળસાહિત્યનું સરવૈયું રજુ કરવા માટે હું તૈયારી કરી રહી હતી, ત્યારે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંથી પસાર થવાનો અવસર, કહો કે સદ્ભાગ્ય મને મળ્યું. એ પુસ્તકોના વાચન દરમ્યાન મારા આજના આ વક્તવ્યની ભૂમિકા પણ સમાંતરે જ તૈયાર થતી ગઈ. બાળસાહિત્યના પ્રકાશનની સામેના પડકારો અંગેના મોટાભાગના મુદ્દાઓ બાબતે મારા મનમાં જે અવઢવ હતી, તે આ પુસ્તકોમાંથી પસાર થતી વેળાએ દૂર થતી ગઈ, અને તેની સાથે બીજો એક અન્ય મુદ્દો જોડતાં, મને લાગે છે કે આ મુદ્દે વાત કરવા માટે હું કદાચ યોગ્ય વ્યક્તિ જ છું! અને આ બીજો મુદ્દો તે એ, કે અમારાં આજ સુધીનાં બધાં જ પુસ્તકોનું પ્રકાશનકાર્ય અમે જાતે, અને તે પણ વીના વિઘ્ને પૂરું કર્યું છે.

અમારાં અને અન્ય મિત્રો સહિત કુલ દસેક પુસ્તકોની પ્રકાશન વ્યવસ્થા જાતે સંભાળ્યા પછી, પુસ્તક પ્રકાશનના અનેક મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા હતા, જે અમને સમસ્યારૂપ લાગ્યા હતા. પરંતુ તે પછી બાળસાહિત્યનું સરવૈયું લખતી વેળાએ મળેલાં પુસ્તકો વાંચવાના અનુભવે મને લાગ્યું છે, બાળસાહિત્યના પ્રકાશન ક્ષેત્રે ખરેખર તો કોઈ પડકાર છે જ નહીં. ખરેખર, કોઈ જ પડકાર નથી આ ક્ષેત્રે! બહુ જ સ્વાયત્ત ક્ષેત્ર છે આ તો! મને મળેલી યાદી મૂજબ, ૨૦૧૨-૧૩ના બે વર્ષ દરમ્યાનમાં જ આ વિષયનાં લગભગ ૩૫૦ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં અને તે પણ ૩૨ જેટલા વ્યાવસાયિક અને ૩૦ જેટલાં અંગત પ્રકાશકો દ્વારા, (અંગત પ્રકાશકો, એટલે કે જેમાં પ્રકાશક તરીકે લેખકનું ખૂદનું નામ હોય). હવે વિચાર કરો, બાળવાર્તાનાં ૧૮૪, બાળગીતોનાં ૫૦, સંદર્ભ સાહિત્યનાં ૪૭, નાટકનાં ૧૧, નવલકથાનાં ૩ અને જીવનચરિત્રનાં ૫૩, એમ બાળસાહિત્યનાં કુલ ૩૪૮ પુસ્તકો આ ૬૧ પ્રકાશકોએ મળીને બે વર્ષમાં પ્રકાશિત કર્યાં હોય એ શિષ્ટસમાજમાં, અને ખાસ કરીને એમાંનાં જ બાળસાહિત્યકારોની હાજરીમાં, બાળસાહિત્યના પ્રકાશનની સામે કોઈ પડકાર હોવાની વાત હું કયા મોઢે કહી શકું, અને તમે કયા કાને સાંભળી શકો! કોઈ પડકાર હોત, તો આટલાં પુસ્તકો પ્રકાશિત થયાં કઈ રીતે હોત?

ઉલટું, હું તો ગણાવવા માગું છું, કે બાળસાહિત્યનું પ્રકાશન કેટલું સરળ બની ગયું છે આજકાલ! એક સમય હતો કે જ્યારે, ગીજુભાઈ બધેકા કે જગદીપ વીરાણી જેવી બાળકોની નાડ પારખી શકતી કલમોને જ, કે પછી આખી જિંદગી બાળસાહિત્યની સેવા માટે ખરચી નાખનારા યશવંતભાઈ જેવા આજીવન ભેખધારીઓને જ પ્રકાશકો ભાવ આપતા હતા. પરિસ્થિતિ આજે સાવ એવી નથી રહી! આજે તો એક નવોદિત લેખક કે ગીતકાર, કોઈ સ્થાપિત સાહિત્યકાર જેટલા જ હક્ક સાથે પ્રકાશકનો સંપર્ક કરીને પોતાના બાળસાહિત્યનું પ્રકાશન કરાવી શકે છે! હા, પ્રકાશક પાસે જતી વેળાએ આપણી પાસે થોડી ત્રેવડ જરૂર હોવી જોઈએ. આપણે નવોદિત હોઈએ, તો આપણી પાસે પૂરતાં કાવડિયાં હોવા જોઈએ, જે લઈને પ્રકાશક આપણી કલમને પુસ્તકનું સ્વરૂપ આપી દેતો હોય છે. આપણે સ્થાપિત સાહિત્યકાર હોઈએ, તો આપણી પાસે આવનાર નવોદિતોને આપણે કોઈને કોઈ પ્રકાશક પાસે લઈ જઈને આંગળી ચિંધ્યાનું ‘પુણ્ય’ કમાવાનું રહે છે. કેટલા નવોદિતોને લઈ જવાથી સ્થાપિત લેખકનું એક પુસ્તક પ્રકાશિત થઈ શકે, એ ગણતરી અમારા જેવા નવોદિતોને જાણવા મળતી નથી. તેના માટે અમૂક નવોદિતોને પાંખમાં લઈને ‘સ્થાપિતો’ની યાદીમાં જોડાવું પડે, તો ખબર પડે! આમ, ગજવામાં પૂરતાં કાવડિયાં, કે પછી પાંખમાં થોડા નવોદિત લેખકો, આટલી મૂડી ધરાવતા હોય એવા લેખકોના બે વર્ગને આસાનીથી પ્રકાશક મળી રહે છે. રહી વાત સિદ્ધહસ્ત લેખકોની! તો ભાઈ, તમારી કલમ નીવડેલી હોય, કોલેજોમાં તમારા પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે ચાલતાં હોય, પ્રકાશકોને તમારા નામે સિક્કા પડતા હોય, તમારાં ફોટાવાળાં, ગલીપચી કરાવતાં પુસ્તકો યુવકોમાં ચણીબોરની માફક ઊપડતાં હોય, તો-તો તમને ભાઈ રોયલ્ટી પણ મળી રહેવાની!

કોને નડી રહ્યા છે બાળસાહિત્યના પ્રકાશનના પડકારો એ તો જણાવો ભાઈ? અને સવાલ એ થાય છે, કે બાળસાહિત્યના પ્રકાશનની સામેનો પડકાર આપણે કોને ગણીશું?

પ્રકાશકોની ફરમાઈશ મુજબ (લખીને કે સંપાદન કરીને) પુસ્તકોના ઢગલા ખડકી દેનારા વર્ગને તો પ્રકાશનનો કોઈ પ્રશ્ન કે પડકાર નથી નડી રહ્યો! દાખલા આપું? ભુપેન્દ્ર વ્યાસ ‘રંજ’, ‘ગીધ’ નામના બાળકાવ્યમાં “શોધી કાઢી મડદાં, સંપીજંપી સાથે ઉજાણી જાણી કીધ, અમે ગીધ.” જેવું ચીતરી ચડે તેવું “બાળકાવ્ય” લખે, કે પછી સાકળચંદ પટેલ ‘મારી બચુકથાઓ’ પુસ્તકને શીશુકથાઓ ગણાવીને, નાનાભાઈને લેવા માટે દવાખાને જતાં, અને ગરીબીને કારણે ગર્ભપાત કરાવીને પાછા આવતાં મા-બાપની વાર્તા બાળકના મોઢે આલેખે, સેંધાભાઈ રબારી ‘રમ રમ રમ બાલુડા રમ’માં ‘નિરોગી વર્ષની સફળતા’, ‘પ્રજ્ઞા નિશાળે ભણવા દે’, ‘ખેલ મહાકુંભ’, ‘પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, ‘વાંચે ગુજરાત’, ‘સ્વર્ણિમ ગુજરાત’ જેવા કાવ્યો લખીને બાળકાવ્યને સરકારી પ્રચારનો મંચ બનાવે, કે તથાગત પટેલ ‘અમારું છે કોઈ?’ પુસ્તકમાં, મા-બાપને ઘરડાઘરમાં મૂકવાની, ગુટખા-સિગારેટ સામેની કે પિતા દુધના પૈસામાંથી દારુ ખરીદતા હોવાની ફરિયાદો બાળ-કિશોર વાર્તાઓમાં આપે, પરંતુ એમનાં પુસ્તકો પ્રકાશકો દ્વારા પ્રકાશિત થાય જ છે! આપણે માનીએ, કે આપણી સાહિત્ય અકાદમી ગુણવત્તાના આધારે જ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપતી હશે. પણ આવાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ સાહિત્ય અકાદમી આર્થિક સહાય આપે છે, એ કેવી કરૂણતા કહેવાય?

છે કોઈ પ્રકાશનના પડકારો અહીં?

આ લેખકો અને તેમના પ્રકાશકો, આવું બધું આપીને કઈ રીતે બાળકોનું મનોરંજન અને મનોઘડતર કરે છે? અને મને ખાતરી છે, કે આ લેખકોને પ્રકાશનના કોઈ જ પડકારો નડતા નહીં હોય! ઉલટાં, સાહિત્યની ગુણવત્તાને બદલે પુસ્તકોની સંખ્યાના આધારે આવા લેખકોને અને પ્રકાશકોને નવા-નવા મંચ મળતા રહે છે, અને પ્રતિષ્ઠિત મંચો દ્વારા તેમને પુરસ્કૃત પણ કરાતાં જોવામાં આવે છે.

કોને નડે છે આ પડકાર એ તો કહો?

હા એક વર્ગને આ પડકાર નડી રહ્યો હશે. જેમણે પોતાના પુસ્તકોની સંખ્યા નહીં, માત્ર અને માત્ર બાળકોને ધ્યાનમાં રાખીને ગુણવત્તાભર્યું બાળસાહિત્ય રચવું છે, જેને પોતાનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે પ્રકાશકને એક પણ રૂપિયો નથી આપવો, અને સામી રોયલ્ટી માગવી છે, એ વર્ગને પ્રકાશનના પ્રશ્નો જરૂર નડતા હોઈ શકે! એક દાખલો આપું. મારા બાળકાવ્યોના પુસ્તકને અકાદમીનું પારીતોષિક પ્રાપ્ત થયું, ત્યારે એક જાણીતા પ્રકાશકે ફોન કરીને આ પુસ્તકની બીજી આવૃત્તિ કરવા માટે ઑફર આપેલી. અને ફોન પર જ મેં તેમને પૂછેલું કે મને રોયલ્ટી કેટલી આપશો, ત્યારે એમણે બેશરમીથી નન્નો ભણી દીધો હતો. વર્ષ ૨૦૦૭માં અશ્વિનની એક લઘુકથાને, સાહિત્ય પરિષદના જ હોલમાં ‘સાધના’ પારિતોષિક આપતી વેળાએ શ્રી હર્ષદ ત્રિવેદીએ કરેલી ટકોર મને યાદ આવે છે. એમણે કહેલું, કે “આપણે આશા રાખીએ, કે આવનારા વર્ષોમાં લઘુકથાઓનું ચયન બહાર પડે, અને આ વિજેતા લઘુકથાઓને તેમાં સ્થાન મળે”. સાત વર્ષ વીતી થયાં એ વાતને, પણ કોઈ પ્રકાશકે એ પારીતોષિક વિજેતા લઘુકથાઓને કોઈ ચયનમાં સ્થાન ન આપ્યું. વર્ષ ૨૦૦૮માં પ્રકાશિત થયેલા મારા પુસ્તક “વારતા રે વારતા” પુસ્તકને અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૨-૧૩માં પ્રકાશિત “મનપસંદ બાળવાર્તાઓ”ના ત્રીસ પુસ્તકોના સંપાદન સમયે સંપાદક કે પ્રકાશકના ધ્યાનમાં મારી એક પણ બાળવાર્તા ધ્યાનમાં નહીં આવી હોય? એ જ રીતે અશ્વિનના પુસ્તક ‘રખડપટ્ટી’ને પણ ૨૦૦૭માં બાળસાહિત્ય અકાદમી દ્વારા વિજ્ઞાન વિષયક શ્રેષ્ઠ બાળવાર્તાઓનું પારિતોષિક અપાયું હતું. પરંતુ આટલાં વર્ષોમાં આ પ્રકાશકોનું ધ્યાન અમારાં પુસ્તકો તરફ ગયું જ નહીં હોય? કોઈ પ્રકાશક કે સંપાદક, પોતાના સંકલન કે પ્રકાશન કરવાના સમયે અકાદમી, પરિષદ કે બાળ સાહિત્ય અકાદમી દ્વારા નવાજવામાં આવતાં પુસ્તકની યાદી તરફ નજર નાખતા હશે કે નહીં એ જ સમજાતું નથી.

એટલે, કોઈ લેખક મને એમ કહે, કે એણે પોતાના પુસ્તક માટે પ્રકાશકને એક પણ પૈસો નહોતો આપ્યો, તો મારું મન તો તેમની વાત માનવાની ના જ પાડતું હોય છે. પારીતોષિક વિજેતા કૃતિઓના પણ જો આ હાલ હોય, તો પછી અન્ય લેખકોને પ્રકાશકો કઈ રીતે લાભ આપે? હા, લેખક પાસેથી કોપીરાઈટ પડાવી લઈને મામુલી રકમ પકડાવી દેવાના કિસ્સાઓ ઘણા જોયા છે, જેમાં લેખકને આત્મસંતોષ થાય, કે આપણને તો પ્રકાશકે સામેથી રોયલ્ટી આપી છે. પરંતુ કોપીરાઈટના ભોગે મળતી રકમને રોયલ્ટી ગણાવી શકાય નહીં.

એટલે, પ્રકાશનનો પ્રશ્ન કે પડકાર નડે છે પ્રકાશકની ચુંગાલમાં ફસાવા માગતા ન હોય, એવા લેખકોને.

અગાઉ બાળસાહિત્યના મંચ પરથી અને તેની માસિક પુસ્તિકા દ્વારા પણ, ઘણી વખત આ પ્રકારની ચર્ચા છેડવામાં આવી છે, અને મોટા ભાગે કંઈ નક્કર કાર્યવાહી, સચોટ માર્ગદર્શન કે પરીણામોની જાહેર જાણકારી વગર એ ચર્ચાઓ અધૂરી રહીને શમી જવા પામી છે. ત્યારે આ તબક્કે હું પ્રકાશનના અમારા અનુભવો અને રસ્તાઓની વાત ટૂંકમાં અહીંથી કરવા ઇચ્છું છું. હા, એવું બને, કે જુદા-જુદા સમયના અનુભવો દરેક તબક્કે કામ લાગે જ એવું નથી બનતું. જેમ કે, અમારા બંનેનાં પહેલાં પુસ્તક ૬૪ પાનાનાં હતાં. બંને પુસ્તકોને ૨૦૦૭માં અકાદમી તરફથી પાંચ-પાંચ હજારની સહાય મળી હતી. અમારા ગામના હિતેચ્છુઓએ અમને સલાહ આપી હતી, કે “આવો, ફલાણા કે ઢૂંકણા પ્રકાશ પાસે જઈએ, પાંચ હજાર એમને આપી દેવાના, તમારા નામે પુસ્તક એ કરી આપશે.” પહેલા પચીસ અને પછી પચાસેક કોપીની લાલચ, અકાદમીની ૧૫ કોપી પણ પ્રકાશ જ મોકલી આપે… વળી પ્રકાશકને કારણે તમારાં પુસ્તકોનો ફેલાવો પણ બહુ થાય… વગેરે, વગેરે…

પરંતુ અમે એ જાળમાં ન આવ્યાં. ઘરના કોમ્પ્યુટર પર જ અમે એ પુસ્તકો જાતે ટાઈપ કરીને તૈયાર કર્યાં, ઇન્ટરનેટ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થઈ શકે તેવાં, અને બજારમાંથી થોડા પૈસા ખરચીને ચિત્રોની સીડી ખરીદીને ચિત્રો એકઠાં કર્યાં, અને અકાદમીની પાંચ હજારની સહાય સામે બીજા પાંચ હજાર ખરચ્યા. બદલામાં એક ઓફસેટ પ્રિન્ટરે અમારા બંને પુસ્તકોની પાંચસો-પાંચસો નકલો અમારા હાથમાં મૂકી. માત્ર દસ રૂપિયામાં એક નકલ પડી હતી અમને! આજે ગણવા જઈએ તો કાગળ અને પ્રિંટિંગના ભાવો વધ્યા હોવાને કારણે નકલ થોડી મોંઘી પડે. નકલ દીઠ ટપાલટીકીટના બીજા પાંચ રૂપિયા ખરચીને અમે એ પાંચસોએ પાંચસો નકલો એવા હાથમાં મૂકી જેઓ એ પુસ્તકોનાં ખરા હકદાર હતા! અને એ હાથ હતા બાળકોના! એમાં ઝૂંપડપટ્ટીની શાળાનાં એવાં બાળકો પણ સામેલ હતાં જેમનાં મા-બાપ ક્યારેય પૈસા ખરચીને પોતાના બાળકોને બાળસાહિત્યનું પુસ્તક અપાવવાનાં ન હતાં. આ હતી અમારી ખરી કમાઈ અમારા પ્રકાશનના ધંધામાં! અને તો પણ અમે ખોટમાં નહોતા ગયા. પાંચ હજાર રૂપિયા પ્રકાશકને આપીને પચીસ-પચાસ નકલો લઈને અમે કરવાના શું હતાં એ નકલોનું?

એ પછી પણ અમે અમારાં ત્રણ પુસ્તકો જાતે પ્રકાશિત કર્યાં, અને અમારા અન્ય લેખક મિત્રોનાં પણ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરવામાં મદદ કરી. એકંદરે પ્રકાશક તરીકેનો અમારો અનુભવ એકદમ સુખદ અને સંતોષપ્રદ રહ્યો છે. અને અનુભવે આજે અમે એટલાં સમૃદ્ધ થયાં છીએ, કે આજે આ મંચ પરથી અહીં બેઠેલા લેખક મિત્રો વચ્ચે એ અનુભવ ટાંકીને સ્વપ્રકાશનનું બીડું ઝડપવા માટે આગ્રહ કરી શકીએ તેમ છીએ. લેખક મંડળમાં ફોન કરશો એટલે અમારો ફોન નંબર તમને મળી રહેશે, અને અમને ફોન કરશો, એટલે તમારું પુસ્તક તમે કઈ રીતે જાતે, સરળતાથી, પ્રકાશિત કરી શકો તેની વિગતો અમે તમને જણાવીશું અને અમારાથી શક્ય એટલી સહાય પણ કરીશું.

બાળસાહિત્યના પ્રકાશનના માર્ગ બહુ જ સરળ છે. એક, કાં તો પચીસ-પચાસ હજાર રૂપિયા ગુંજામાં રાખો. બે, પાંચ-દસ નવોદિતોને પાંખમાં લઈને એમના પચીસ-પચાસ હજાર રૂપિયા કોઈ પ્રકાશકને અપાવો, અને ત્રણ, સ્વપ્રકાશનનો માર્ગ અપનાવો.

બોલો, છે કોઈ પડકાર બાળસાહિત્યના પ્રકાશનની સામે? મંચ હજી ખૂલ્લો જ છે.

*

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી

-અશ્વિન ચંદારાણા

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી,
તું મને ત્યાં કેમ ના લઈ જાય બેલી!

બાગ હું તારો, ને તું મારી હવેલી,
છેલ હું તારો, ને તું મારી સહેલી!

હું નીકળતો, બંધ કરતી’તી તું ડેલી,
હોઠ કરડી, હાય તું કેવી હસેલી!

ભાગ્યશાળી ઝાલશે તારી હથેલી!
રેશમી, પોપટ ભરેલી એક થેલી!

કેળ જેવી કેડ લઈ ઊભી અઢેલી!
આમ્રવૃક્ષ ઊપર વિંટાતી એક વેલી!

આમ જો, સામી ચડી આવે છે હેલી,
આટલી તું કાં રહે શરમાઈ, એલી!

મેં તને ઓઢી, હુંફાળી શાલ ઠેલી,
બેશરમ, પહો ફાટતી કાં આમ વ્હેલી?

એકલો હું આઠઆની, તું અધેલી,
બે મળીને ચાલ, શીખી લઈએ કેલી.

અહીંથી ગયા એ રણ તરફ (એક મલંગનાં મરશિયાં)

એક ફીનીક્સ
નામે શિવકુમાર,

એની આ રાખ
અમે એકઠી કરીને મૂકી છે તમારી સામે,

જો ન કરત અમે એવું,
તો પણ
રાખમાંથી શિવકુમાર ઊભા થવાના જ હતા.

પરંતુ,

આપ સહુ જોઈ શકો,
જોઈને આપની શ્રદ્ધા બંધાય,
કે ભૂતકાળની રાખમાંથી ઊભું થયેલું પંખી
ભવિષ્યમાં અદ્‌ભૂત ઊડાનો કરશે,
એટલા ખાતર…

અને કાલે એ પંખીમાં આપને,
શિવકુમારની ઝલક દેખાય,
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

શ્રી શિવકુમાર આચાર્યનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રકાશિત અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.

શ્રી શિવકુમાર આચાર્ય એક મોટા ગજાના પત્રકાર, એક પ્રખર નાટ્યવિદ, અચ્છા વાર્તાકાર, સૌરાષ્ટ્રનાં ગામેગામના ઇતિહાસના, ગામેગામની ભૂગોળના અને ગામેગામનાં આર્થિક-વાણિજ્યિક પાસાંના પૂરેપૂરા માહિતગાર, ઇતિહાસ અને પૂરાતત્ત્વ બાબતે અનેક તર્ક અને તારતમ્યનો ભંડાર, લોકબોલી, બોલીની લઢણો, કહેવતો, રૂઢિપ્રયોગો અને લોકકથાઓનો ખજાનો!!!

અને આ બધાંને વટી જાય એવી વાત એ કે તેઓ એક પ્રતિબદ્ધ માનવી! તળના-છેવાડાના લોકો હોય કે પશુ-પંખી, શોષિતો અને વંચિતો તરફ એમનો કાયમ પક્ષપાત, જેણે તેમને વારંવાર કલમ પકડવા મજબૂર કર્યા. માત્ર વાગવિલાસિતામાં પડી રહેવાને બદલે ચોથી જાગીરના એક અદના સૈનીક બની જાનના જોખમે પણ કલમની આન સાચવવી એ તેમનો જીવન મંત્ર હતો!

અને એટલે જ, જ્યારે-જ્યારે તેમને બે રસ્તાના વિકલ્પો મળ્યા, એક નદી તરફ જતો ભર્યો-ભર્યો, છલોછલ, સુંવાળો, જાજમ પાથરેલી હોય એવો, અને સામે પક્ષે રેતી અને ગરમ પવનો મળીને ક્ષીર્ણ-વિક્ષીર્ણ કરી નાખવા આતુર હોય, તરસથી મો-કંઠ અને આત્મા પણ સુકાવા લાગ્યા હોય, ત્યારે આત્માનો અવાજ સાંભળીને એમણે રણનો વિકલ્પ ખૂબ પ્રેમથી ગળે લગાડ્યો, અને પૂરી વફાદારીથી, પાગલપનની હદ સુધી નિભાવ્યો.

શ્રી શિવકુમાર આચાર્યનાં પત્રકારત્વ, નાટક, ટૂંકીવાર્તા, ફિલ્મ, લોકસાહિત્ય જેવાં એકાધિક કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા તેમના મિત્રો અને સાથીઓએ, તેમની સાથેનાં સંસ્મરણોને આ ગ્રંથમાં વાચા આપીને તેમની બહુમુખી પ્રતિભાને અને આ સઘળાં ક્ષેત્રોમાં તેમની પ્રતિબદ્ધતા તેમજ પ્રદાનને લોકાભિમુખ કરી આપ્યું છે. તેમની પર ઓળઘોળ સ્વજનોની સાથોસાથ, તેમની સાથે મતભેદો ધરાવનાર, અને ક્યારેક માઠું પણ લગાડનાર મિત્રોએ પણ મન મૂકીને, પોતાની વ્યસ્તતાઓ અને વિષમ સંજોગો વચ્ચે પણ, પોતાની સ્મૃતિમંજૂષાને ફંફોસી-ફંફોસીને, દીલ દઈને લખ્યું છે. આ સર્વેના સહૃદય સહકાર બદલ અમે તેમનાં ઓશિંગણ છીએ.

આ સર્વેની નિસબત વડે જ આ ગ્રંથ, કેવળ એક સ્મૃતિગ્રંથ બની રહેવાને બદલે, કંઈક અંશે ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, પત્રકારત્વ અને સામાજિક ચેતનાનો દસ્તાવેજ બની શક્યો છે. આશા છે, કે પત્રકારત્વ, નાટ્યજગત, લોકજીવન અને સિનેમામાં રસ ધરાવતાં ગુણીજનો સહિત લોકશાહીના સર્વે ખેતરપાળોને આ ગ્રંથ ઉપયોગી થશે.

શ્રી શિવકુમાર આચાર્યનાં લખાણોમાંથી આપની પાસે કંઈ હોય, તો અમને જાણ કરવા મહેરબાની કરશો, જેથી અમારા આગામી સંકલનમાં તેનો સમાવેશ કરી શકાય.

વિરામ પૂરો થઈ ગયો છે.

ઠીક-ઠીક લાંબા વિરામ બાદ અમારું ‘સાયુજ્ય’ ફરીથી સજ્જ થઈ રહ્યું છે.

અમારા નવા પુસ્તકના પ્રકાશનની તૈયારીઓને કારણે થોડો સમય આ વિરામ લેવો પડ્યો હતો. પુસ્તક પ્રકાશનનું એ કાર્ય સુપેરે પૂરુ થઈ ચૂક્યું છે, અને એ પુસ્તકની જાહેરાતથી જ ફરીથી અમે ‘સાયુજ્ય’ના સથવારે ફરીથી પ્રવૃત્ત થઈ રહ્યાં છીએ.

પુસ્તકની જાહેરાત બાદ, ફરીથી એ જ ઉત્સાહ સાથે અમારાં સર્જનો અમે અહીંથી વહેતાં કરીશું. આભાર.

એ જામ ક્યાં મળે છે?

અશ્વિન ચંદારાણા

સપનાઓ સળવળે જ્યાં એ જામ ક્યાં મળે છે?
જખ્મોને કળ વળે જ્યાં એ જામ ક્યાં મળે છે?

પત્થર પણ ઓગળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?
ઝરણાંઓ ખળખળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

મદિરાની છોળ વચ્ચે, તત્પર સુરાહી છે, પણ…
સાકીયે ટળવળે જ્યાં એ જામ ક્યાં મળે છે?

વિજ્ઞાન ‘ને ધરમની પ્રાચીન પરંપરાની,
ધારાઓ જઈ મળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

સામર્થ્ય છોડી આળસ, ઇચ્છાનો સાથ લઈને,
નીતિમાં જઈ ભળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

બુધ્ધિપ્રકાશ ડિસે. ૧૩ અંકમાં પ્રકાશિત

%d bloggers like this: