Archive for the ‘અશ્વિન’ Category

અહીંથી ગયા એ રણ તરફ (એક મલંગનાં મરશિયાં)

એક ફીનીક્સ
નામે શિવકુમાર,

એની આ રાખ
અમે એકઠી કરીને મૂકી છે તમારી સામે,

જો ન કરત અમે એવું,
તો પણ
રાખમાંથી શિવકુમાર ઊભા થવાના જ હતા.

પરંતુ,

આપ સહુ જોઈ શકો,
જોઈને આપની શ્રદ્ધા બંધાય,
કે ભૂતકાળની રાખમાંથી ઊભું થયેલું પંખી
ભવિષ્યમાં અદ્‌ભૂત ઊડાનો કરશે,
એટલા ખાતર…

અને કાલે એ પંખીમાં આપને,
શિવકુમારની ઝલક દેખાય,
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

શ્રી શિવકુમાર આચાર્યનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રકાશિત અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.

શ્રી શિવકુમાર આચાર્ય એક મોટા ગજાના પત્રકાર, એક પ્રખર નાટ્યવિદ, અચ્છા વાર્તાકાર, સૌરાષ્ટ્રનાં ગામેગામના ઇતિહાસના, ગામેગામની ભૂગોળના અને ગામેગામનાં આર્થિક-વાણિજ્યિક પાસાંના પૂરેપૂરા માહિતગાર, ઇતિહાસ અને પૂરાતત્ત્વ બાબતે અનેક તર્ક અને તારતમ્યનો ભંડાર, લોકબોલી, બોલીની લઢણો, કહેવતો, રૂઢિપ્રયોગો અને લોકકથાઓનો ખજાનો!!!

અને આ બધાંને વટી જાય એવી વાત એ કે તેઓ એક પ્રતિબદ્ધ માનવી! તળના-છેવાડાના લોકો હોય કે પશુ-પંખી, શોષિતો અને વંચિતો તરફ એમનો કાયમ પક્ષપાત, જેણે તેમને વારંવાર કલમ પકડવા મજબૂર કર્યા. માત્ર વાગવિલાસિતામાં પડી રહેવાને બદલે ચોથી જાગીરના એક અદના સૈનીક બની જાનના જોખમે પણ કલમની આન સાચવવી એ તેમનો જીવન મંત્ર હતો!

અને એટલે જ, જ્યારે-જ્યારે તેમને બે રસ્તાના વિકલ્પો મળ્યા, એક નદી તરફ જતો ભર્યો-ભર્યો, છલોછલ, સુંવાળો, જાજમ પાથરેલી હોય એવો, અને સામે પક્ષે રેતી અને ગરમ પવનો મળીને ક્ષીર્ણ-વિક્ષીર્ણ કરી નાખવા આતુર હોય, તરસથી મો-કંઠ અને આત્મા પણ સુકાવા લાગ્યા હોય, ત્યારે આત્માનો અવાજ સાંભળીને એમણે રણનો વિકલ્પ ખૂબ પ્રેમથી ગળે લગાડ્યો, અને પૂરી વફાદારીથી, પાગલપનની હદ સુધી નિભાવ્યો.

શ્રી શિવકુમાર આચાર્યનાં પત્રકારત્વ, નાટક, ટૂંકીવાર્તા, ફિલ્મ, લોકસાહિત્ય જેવાં એકાધિક કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા તેમના મિત્રો અને સાથીઓએ, તેમની સાથેનાં સંસ્મરણોને આ ગ્રંથમાં વાચા આપીને તેમની બહુમુખી પ્રતિભાને અને આ સઘળાં ક્ષેત્રોમાં તેમની પ્રતિબદ્ધતા તેમજ પ્રદાનને લોકાભિમુખ કરી આપ્યું છે. તેમની પર ઓળઘોળ સ્વજનોની સાથોસાથ, તેમની સાથે મતભેદો ધરાવનાર, અને ક્યારેક માઠું પણ લગાડનાર મિત્રોએ પણ મન મૂકીને, પોતાની વ્યસ્તતાઓ અને વિષમ સંજોગો વચ્ચે પણ, પોતાની સ્મૃતિમંજૂષાને ફંફોસી-ફંફોસીને, દીલ દઈને લખ્યું છે. આ સર્વેના સહૃદય સહકાર બદલ અમે તેમનાં ઓશિંગણ છીએ.

આ સર્વેની નિસબત વડે જ આ ગ્રંથ, કેવળ એક સ્મૃતિગ્રંથ બની રહેવાને બદલે, કંઈક અંશે ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, પત્રકારત્વ અને સામાજિક ચેતનાનો દસ્તાવેજ બની શક્યો છે. આશા છે, કે પત્રકારત્વ, નાટ્યજગત, લોકજીવન અને સિનેમામાં રસ ધરાવતાં ગુણીજનો સહિત લોકશાહીના સર્વે ખેતરપાળોને આ ગ્રંથ ઉપયોગી થશે.

શ્રી શિવકુમાર આચાર્યનાં લખાણોમાંથી આપની પાસે કંઈ હોય, તો અમને જાણ કરવા મહેરબાની કરશો, જેથી અમારા આગામી સંકલનમાં તેનો સમાવેશ કરી શકાય.

વિરામ પૂરો થઈ ગયો છે.

ઠીક-ઠીક લાંબા વિરામ બાદ અમારું ‘સાયુજ્ય’ ફરીથી સજ્જ થઈ રહ્યું છે.

અમારા નવા પુસ્તકના પ્રકાશનની તૈયારીઓને કારણે થોડો સમય આ વિરામ લેવો પડ્યો હતો. પુસ્તક પ્રકાશનનું એ કાર્ય સુપેરે પૂરુ થઈ ચૂક્યું છે, અને એ પુસ્તકની જાહેરાતથી જ ફરીથી અમે ‘સાયુજ્ય’ના સથવારે ફરીથી પ્રવૃત્ત થઈ રહ્યાં છીએ.

પુસ્તકની જાહેરાત બાદ, ફરીથી એ જ ઉત્સાહ સાથે અમારાં સર્જનો અમે અહીંથી વહેતાં કરીશું. આભાર.

એ જામ ક્યાં મળે છે?

અશ્વિન ચંદારાણા

સપનાઓ સળવળે જ્યાં એ જામ ક્યાં મળે છે?
જખ્મોને કળ વળે જ્યાં એ જામ ક્યાં મળે છે?

પત્થર પણ ઓગળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?
ઝરણાંઓ ખળખળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

મદિરાની છોળ વચ્ચે, તત્પર સુરાહી છે, પણ…
સાકીયે ટળવળે જ્યાં એ જામ ક્યાં મળે છે?

વિજ્ઞાન ‘ને ધરમની પ્રાચીન પરંપરાની,
ધારાઓ જઈ મળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

સામર્થ્ય છોડી આળસ, ઇચ્છાનો સાથ લઈને,
નીતિમાં જઈ ભળે જ્યાં, એ જામ ક્યાં મળે છે?

બુધ્ધિપ્રકાશ ડિસે. ૧૩ અંકમાં પ્રકાશિત

વીંધાય છે – અશ્વિન ચંદારાણા

કાલના સોનેરી સ્વપ્નો છૂટથી વહેંચાય છે,
રેંટિયા કંતાઈ ચૂક્યા, જાત હજુ કંતાય છે.

ચીર પૂરાતા નથી પણ લક્ષ્ય હજુ વીંધાય છે,
કૌરવો ને પાંડવોના સંબંધો સમવાય છે.

વીંટીઓને ઓળખીને સેતુઓ બંધાય છે,
રામ સાથે રાવણોનાં તંત્ર સંબંધાય છે.

ધોતિયાં બંધાય છે, ને ટોપીઓ પહેરાય છે,
લોકતંત્રી માંડવામાં લાપસી રંધાય છે.

તંત્ર જેને કારણે છે, એ જ અહીં અટવાય છે!
બાગ જો વાવ્યો હતો, તો શ્વાસ કાં રૂંધાય છે?

સંબંધોનાં વાદળો ગોરંભતાં મોસમ વગર,
માવઠે ફાટ્યાં ગગન, એ એમ ક્યાં સંધાય છે?

-૧ ઓગસ્ટ, નિરીક્ષકના અંક્માં પ્રકાશિત

બોલાવે મને

— અશ્વિન ચંદારાણા

શબ્દસૃષ્ટિ – માર્ચ ૨૦૦૮

કોણ સમજાવે મને, ને કોણ ધમકાવે મને?
સાદ પાડી શૈશવેથી કોણ બોલાવે મને!

સ્‍મૃતિઓના રાફડાને ખોતરે છે ફૂંકથી,
મોરલી રૂડી વગાડી કોણ ડોલાવે મને!

યાદ તારી કામના ઢગલા નીચે ધરબી હતી,
રાત આખી પાંગતે પથરાઈ હિબકાવે મને!

તું રમતમાં દઈને તાળી, હાથથી છટકી ગયો!
આટલાં વરસે હથેળી લાલ, પ્રજળાવે મને!

નાવ જે ડૂબી હતી મારી તમારા ઘાટ પર,
કિસ્‍મતે એ આપના એક્‌દંડિયે લાવે મને!

સ્‍પર્શના સર્પો સરકતા જાય છે નાભિ સુધી,
વજર્ય જે, એની તમન્ના આજ બહેલાવે મને!

नेताजी का बयान

शहीद दिन के अवसर पर…

अश्विन चंदाराणा

———————————————————————–

गीताजी की क़समें खा कर सत्य कई झुठलाए हमने,
उन कर्तब की बात करूँ जो संसद में दिखलाएँ हमने।

जनता ने तो वॉट दीये थे करने उनकी सेवा दिल से,
बंदर के हम वंशज, अपने दिल कहीं लटकाएँ हमने।

संत्री हो या मंत्रीमुखिया, यूँ ही बनता है कोई क्या?
गाजरमूली को दिखलाकर तुम जैसे ललचाएँ हमने।

माँ का दूध न बेचा तो क्या? गाय हमारी माता भी है,
गोहत्या के नारे गा कर, गो के चारे खाए हमने।

अपने देश की करने रक्षा, सैनिक भेजें थे परदेस में,
उनकी विधवाओं की आँखों में आँसू छलकाए हमने।

तुम क्या जानो, हमने क्या क्या खेल किए है देश की ख़ातिर,
छोड़ा दोषी को, निर्दोषों पर कोडें बरसाएँ हमने।

गांधी को गोली से मारा, क्राइस्ट को सूली लटकाया,
सुखदेव भगत शेखर जैसे तख़्ते पर लटकाएँ हमने।

શ્વાસ ઊનો હતો

—અશ્વિન ચંદારાણા (ઉદ્દેશ માર્ચ ૨૦૦૭)

હું હતો, એ હતી, શ્વાસ ઊનો હતો,
જિંદગીનો પ્રથમવાર ગૂનો હતો.

મયકદાની મઝા બેવડી થઈ હતી,
ત્યાં સુરાહી નવી, જામ જૂનો હતો.

શાંત પાણી મળ્યાં, હાશકારો થયો,
ક્યાં ખબર, અધવચાળ એક ધૂનો હતો!

શાહના પણ સગા ભીખ માગે અહીં,
કુદરતી ન્યાયનો એ નમૂનો હતો.

જિંદગીની સવારો ઊગી એકલી,
પાછલી રાતનો માર્ગ સૂનો હતો.

%d bloggers like this: