Archive for the ‘કવિતા’ Category

આપી દઉં

મીનાક્ષી ચંદારાણા     કવિલોક (માર્ચ-એપ્રિલ ૨૦૧૫)

 

છે મારા ખાલી ખિસ્સામાં તમારો ભાગ, આપી દઉં,
પ્રફુલ્લિત ભાસતો, અંદર ઊકળતો બાગ આપી દઉં.

ઉદાસીન ક્ષુબ્ધ હોઠો પર ફરકશે વાવટા કાળા,
સુદર્શન હાથમાં, કંઠેય દીપક રાગ આપી દઉં.

જગાડું સુપ્ત ઝંઝાવાત, જાગો વીંઝતી સ્ફૂર્તિ,
ઝીણી ચિનગારીની ઓથે ભભૂકતી આગ આપી દઉં.

કહો તો ટોપલી અકબંધ દઉં બાંધ્યા ભરમ જેવી,
કહો તો ખોલી દઉં, ફુત્કાર કરતા નાગ આપી દઉં.

ઠૂંઠવતા પોષની ઘટનાઓમાંથી બહાર તો નીકળો,
ધીખેલા લોહીના તેજે દમકતા દાગ આપી દઉં.

Advertisements

એ હા…!

અશ્વિન ચંદારાણા     કવિલોક (માર્ચ-એપ્રિલ ૨૦૧૫)

 

સ્મરણની વાદળી હતી, કમોસમી ચડી હતી;
એ હા, મને ખબર પડી, કે તું યે ત્યાં રડી હતી.

ઉપર-ઉપરથી આમ તો બધું યે ઠીકઠાક હતું,
ભીતર-ભીતર જરાક નાની યાદની ઝડી હતી.

બધીયે મૂંઝવણના કંઈ ઉકેલ હાથવેંત, પણ…
સદીથી વણઊકેલી એક રૂમાલની ગડી હતી,

ને તેં તો બસ કહી દીધું, સમય બધું ભરી દેશે,
ખબર પડે છે, છેલ્લે કેવી આકરી ઘડી હતી?

તને દીધેલ બદ્ધુંયે પરત કરી દીધું છે તે?
હેં, પ્રેમગ્રંથ નામની એકેય ચોપડી હતી?

તને જવાને કેટલી સરળ ધરા ધરી હતી,
વિદાયની વેળ એક પણ શું કાંકરી નડી હતી?

તને તો ખોળવા પછી જરીયે ના મથ્યો હતો,
ખોવાઈ એ પછી તો તું તને જ ક્યાં જડી હતી.

તું આવ તો ખબર પડે

અશ્વિન ચંદારાણા     અખંડઆનંદ (મે, ૨૦૧૫)

તને મળ્યો એ હું કે નંઈ, તું આવ તો ખબર પડે!
કંઈ આપણે હતું કે નંઈ, તું આવ તો ખબર પડે!

ટગર-ટગર નિહાળતી, શરાબી તારી આંખથી,
નશીલું કંઈ કહ્યું કે નંઈ, તું આવ તો ખબર પડે!

હથેળીમાં ધરી હતી તને સુંવાળી રેતશી!
સરી ગઈ એ તું કે નંઈ, તું આવ તો ખબર પડે!

જરીક શ્વાસ ચાલતો, જરા હૃદય ધડક-ધડક,
હજી હું જીવું છું કે નંઈ, તું આવ તો ખબર પડે!

વજીર તું, તું રાજવી, તું હાથી-ઘોડા-ઊંટ તું!
રમત શરૂં કરું કે નંઈ, તું આવ તો ખબર પડે!

શારદા!

અખંડાનંદ મે-૨૦૧૫ * * * મીનાક્ષી ચંદારાણા

શારદા! ટાઢકભર્યા ખોળે સમાવે છે મને!
આકરા પરિબળ, ભલા! ક્યાં ઓછું તાવે છે મને!

સોરવાવે જેમ લયલેલૂંબ છાકમછોળમાં,
રાનમાં ભાષા, ભીના મિસરા ધરાવે છે મને

લોળલીલા લાલિમા લખતી હશે કંઈ લોહીમાં!
લેખણે લીલી લીલમવરણું લખાવે છે મને!

આકલન-વિકલનની કળ-કૂંચી દઈ, હે કળાપ્રદા!
તું અકળ સાથે કળામય સંકળાવે છે મને!

તું જ મારું મૌન-ઘન ઘાટ્ટું કરે, હે ભારતી!
સાધિકારે શબ્દમાં તું સંચરાવે છે મને!

હંસવાહિની! સહજ લઈ જાય અ-ક્ષર લોકમાં,
અક્ષરોના દિગ્દિગંતોમાં ઘુમાવે છે મને!

તું જ ભાષાંતર મલયના સ્પર્શના દે નિત નૂતન!
માત શુભવાણી! તું લયમય સરસરાવે છે મને!

કેવડી કિરપા કીધી છે સુવાસિની! મારી ઉપર,
કેવડાં ફૂલોની સંગે મઘમઘાવે છે મને!

અક્ષમાલાઅક્ષરાકારાક્ષરાક્ષરફલપ્રદા!
શબ્દ-ક્ષિપ્રાના કિનારે લાંગરાવે છે મને!

વ્યક્ત ગાયત્રી થતી સંસ્કૃતવરણા છંદમાં,
‘ને વળી ગુર્જરગિરામાં આછરાવે છે મને!

‘ને વળી અનુગ્રહ વિશેષે મા! કિધો છે એટલો!
ગુણ જ્યાં-જ્યાં જોઉં ત્યાં સાદર નમાવે છે મને!

************************************

રાત વરસાદી હશે!

-મીનાક્ષી ચંદારાણા (ઉદ્દેશ)

વાત બહુ સીધી હશે, સાદી હશે,
કાં હશે ખુરશી, નકર ગાદી હશે.

સાદગીના બે જ લક્ષણ રહી જશે,
ટ્રસ્‍ટની ગાડી હશે… ખાદી હશે.

શાસ્ત્રના શસ્ત્રોથી શારી નાખશે,
છાવણી આખીયે મરજાદી હશે.

આંસુ તો બિનસાંપ્રદાયિક થઈ જશે.
આંખ કટ્ટર ભાગલાવાદી હશે.

એ ભલા હોતા હશે દોષીત કદી?
એ બને, કે રાત વરસાદી હશે!

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી

-અશ્વિન ચંદારાણા

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી,
તું મને ત્યાં કેમ ના લઈ જાય બેલી!

બાગ હું તારો, ને તું મારી હવેલી,
છેલ હું તારો, ને તું મારી સહેલી!

હું નીકળતો, બંધ કરતી’તી તું ડેલી,
હોઠ કરડી, હાય તું કેવી હસેલી!

ભાગ્યશાળી ઝાલશે તારી હથેલી!
રેશમી, પોપટ ભરેલી એક થેલી!

કેળ જેવી કેડ લઈ ઊભી અઢેલી!
આમ્રવૃક્ષ ઊપર વિંટાતી એક વેલી!

આમ જો, સામી ચડી આવે છે હેલી,
આટલી તું કાં રહે શરમાઈ, એલી!

મેં તને ઓઢી, હુંફાળી શાલ ઠેલી,
બેશરમ, પહો ફાટતી કાં આમ વ્હેલી?

એકલો હું આઠઆની, તું અધેલી,
બે મળીને ચાલ, શીખી લઈએ કેલી.

વાત સાંભળ મીનાક્ષી ચંદારાણા

ધાન જાડાં ફવતા’તાં એ સમયની વાત સાંભળ,
છાસ-ખિચડી ભાવતા’તાં એ સમયની વાત સાંભળ.

નીતર્યાં સુખ લાવતા’તાં એ સમયની વાત સાંભળ,
ઘેર અતિથી આવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગાર-માટી, ઓકળી, પિત્તળના બેડાંશાં જતન દઈ,
જાતને મંજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ભાત લઈ નીકળે ગવન તો વાયરા ઝૂમી-ઝૂમીને
સીમને લહેરાવતા’તા એ સમયની વાત સાંભળ.

કંકુ-ચોખા-છાંટણાં ને સાથિયા ઉંબર ઉપરનાં,
સૂર્યને લલચાવતા’તાં એ સમયની વાત સાંભળ.

મીંદડી, બકરી, કબૂતર, વાંદરા, કાગા, ચકી, સૌ…
ચિત્તને બહેલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ફેફ‍સા મજબૂત, હૃદય સાબૂત અને ઉન્નત ઇરાદા,
ચીપિયા ખખડાવતા’તાં એ સમયની વાત સાંભળ.

એકતારો, ને મંજીરાના મધુર અસબાબ લઈને,
કાળને હંફવતા’તાં એ સમયની વાત સાંભળ.

ખાસ ઝાઝું નહીં ભણેલા… મેલા-ઘેલા, કાલા-ઘેલા,
લોક આંબા વાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હો ઝળ્‍યું પહેરણ ભલે એમાં ખુશીથી લઈને ટેભા,
આભને સંધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગળતી રાતે ઓટલા પર કંઠને વહેતો મૂકીને,
ચાંદને ઝુલાવતા’તાં એ સમયની વાત સાંભળ

લાડ કરતા, ખૂંદતા ખોળો, ગબડતાં, મુક્‍ત હસતા,
પ્રકૃતિને ધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હળ, વળી ધીંગા બળદની જોડ, ‘ને પ્રસ્‍વેદ નરવા,
મોતીડાં નિપજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

સાવ સોનાના દુઃખો, સુખોય ખાલીપા વગરના,
શ્‍લોકશું સરજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

સાતતાળી, આંબલી-પીપળી કબડ્‍ડી, સંતાકૂકડી,
જોમ બહુ ઉપજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ઉલ્લસિત ઉષા, વળી કૃતકૃત્‍ય સાયંકાલ ગરવાં,
જિંદગી વરસાવતા’તાં એ સમયની વાત સાંભળ.

દુઃખ સ્‍વજનના, પારકી પીડા કે નિશ્વાસો સમયના,
આંખને છલકાવતા’તાં એ સમયની વાત સાંભળ.

કષ્ટ વેઠી-વેઠીને પમરાવતા’તા પ્રાણને,
સત્ત્વથી ચમકાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ઉદ્દેશ ૨૦૧૦માં પ્રકાશિત

%d bloggers like this: