Archive for the ‘ટૂંકી વાર્તા’ Category

ધુમ્મસનો જવાબ

મીનાક્ષી ચંદારાણા
(પ્રગતિ મિત્ર મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તા સ્પર્ધા-૨૦૦૭નું દ્વિતીય પારિતોષિક)
——————————————————————————

તા. ૧૨.૦૧.૯૫

પ્રિય કિરણ,

બહુ વખતે તારો પત્ર મળ્યો. એ પણ સાવ ટચૂકડો! ખેર! તારો મહાનિબંધ પી.એચ.ડી. માટે યોગ્ય ઠર્યો એ જાણીને ખૂબ ખુશી થઈ. ડોક્ટરેટ કરતાં હોય એવાં વ્યસ્ત લોકોને સમય ક્યાંથી હોય અમારાં જેવાને પત્ર લખવા માટે, ખરૂંને?

ખેર, જવા દે. વાંધાવચકાં તારી સાથેય પાડીશ તો-તો પછી આ દુનિયામાં મારું રહેશે કોણ? તારી દોસ્તી ગુમાવવી હવે મને બિલકુલ પાલવે તેમ નથી! ખરું કહું તો એ મજાના દિવસોનાં સ્મરણો પકડી-પકડીને જ આ અંધારગલીમાં મારો રસ્તો શોધવા મથું છું. એ તાજગીભર્યા દિવસોનાં સ્મરણો જ મારા માટે ઈશ્વરે મને આપેલ ‘પ્રેમળ જયોતિ’ છે, જેનાથી મારી કાજળઘેરી રાતમાં મને કાંઈક અજવાળું દેખાય છે.

ક્યારેક તો એવું લાગે છે કે આત્મહત્યા સિવાય મારા માટે કોઈ રસ્તો જ નથી. પણ શું આત્મહત્યાથી ખરેખર આત્મા હણાય છે ખરો? પુનર્જન્મ જેવું કશુંક હશે તો? તો-તો બાકીની લેણદેણ – અંજળ પૂરાં કર્યાં વિના ક્યાંથી છટકાશે? ફરી એની જોડે જ… કોઈ જુદા રૂપમાં પણ ભલે… પણ પનારો પાડવાનો નહીં થાય એની શી ખાત્રી? મરવાનું ગંભીરતાથી વિચારું છું ત્યારે મને ભૂત-પ્રેતનાં અસ્તિત્વની વાત પણ વધારે ને વધારે સાચી લાગતી જાય છે. જો હું જાતે જ, આપઘાત કરીને મરું… તો એક જરા-સરખા, જીવનજોગા સન્માનની ઇચ્છા શું આ હવાઓમાં તરવર્યા નહીં કરે? અને એ હાથ-પગ-મોં-માથા વગરની ભટકતી ઇચ્છાનું રણી-ધણી ત્યારે કોણ હોય! કોણ હશે?

કાશ! દેહના અવસાન સાથે બધા હિસાબો સરભર થઈ જતા હોત…!

કિરણ, મને લાગે છે કે તું મને અત્યારે કોઈક ગળેપડું પાગલ ગણતી હોઈશ. પણ હું તારા ગળે ન પડત… જો મને મરવાનું ગમતું હોત તો! મને તો જીવવું ગમે છે. જીવતા જીવને મરવાનું તે ગમતું હશે? મને તો ખાવું-પીવું-પહેરવું-ઓઢવું-હરવું-ફ‍રવું-પીક્ચર જોવાં-સંગીત સાંભળવું-પ્રવાસે જવું… બધું જ ખૂબ ગમે છે. પણ જાણું છું કે આ કંકાસ એક દિવસ મારો જીવ લઈને જ રહેશે…

તારી અતિશય મૂંઝાયેલી બહેનપણી નીતા

તા.ક.: આ પત્રના જવાબમાં મેં તને લખેલી આ બધી વાતોનો ઉલ્લેખ કરીશ નહીં. જરૂર પડશે તો હું તારી પાસે આવીશ પણ ખરી. અત્યારે તો તને લખવા માત્રથી મન હળવું થઈ ગયું છે. ________________________________________

તા. ૧૩.૧.૯૫

વહાલી મમ્મી

કેમ છે? આજે બસ મનમાં ઊગ્યું કે તને પત્ર લખું. ક્યારેક તું અને પપ્પા મને આમ જ બહુ યાદ આવી જાવ છો. અમે સહુ અહીં મજામાં છીએ. પણ મમ્મી-પપ્પાની હૂંફ થોડી છે અહીં? ખેર, કામવાળી બાઈ હમણાં ઘણી સારી મળી ગઈ છે. કામ ચોખ્ખું કરે છે. બહુ રજા પણ નથી પાડતી. ડીંકુ-પીંકુની સ્કુલ રેગ્યુલર ચાલે છે. અનિલને ઑફિસમાં હમણાં વર્કલોડ બહુ રહે છે, પણ ચાલ્યા કરે છે.

બોલ, ત્યાં શું ચાલે છે? પપ્પાને નિયમિત શુગર ચેક કરાવતાં રહેજો, જેથી તકલીફ પડવાનો વારો જ ન આવે. ચંદ્રામાસી મળે છે કે નહીં? અને તું? મને ખબર છે, તારો તો દરેક દિવસ તારા ટાઇમટેબલ અને તારા ધાર્યા મુજબ જ ઊગતો હશે. તબિયત સાચવજે.

તારી દીકરી નીતાના પ્રણામ

________________________________________

તા. ૨૨.૧૧.૯૫

પ્રિય કિરણ,

તારું દીવાળી કાર્ડ મળ્યું. બહુ ગમ્યું. તું પરણી નથી એટલે તને સમયનો અવકાશ મળે અને તારા મનને પણ અવકાશ મળે. ચિત્રો દોરવાં, કાર્ડ લખવાં… એ બધાંમાંથી મળતો આનંદ તો જાણે ગયા જનમની વાત હોય એવું મને લાગે છે. કેવા સુંદર એ દિવસો હતા… નહીં! શ્રાવણ બેસતાંની સાથે જ જાણે આપણા જલસા શરૂ થઈ જતા. અને તેની પહેલાં મોળાંવ્રત અને જયાપાર્વતીની મજાઓ… વાહ! શું મજા હતી લાઈફમાં! રોજ હોંશે-હોંશે વહેલાં ઊઠી, તૈયાર થઈને આપણે મંદિરે પૂજા કરવા જતાં… દોડા-દોડ ઘેર આવીને કપડાં બદલીને કૉલેજ જતાં. અને… જાગરણમાં કલાકો સુધી ચોપાટ લઈને બેસતાં… રાત ક્યાં વીતી જતી… ખડખડાટ હસવામાં… ખબર જ ન પડતી! પછી, શ્રાવણના સોમવાર કરતાં… સાજે બગીચે જતાં… બળેવ પર કૉલેજના એક-એક રોમિયોને શોધી-શોધીને રાખડી બાંધતાં… એ સાતમ-આઠમની તૈયારી… વાતો કરતાં જઈએ અને નાસ્તા બનાવતાં જઈએ… અને હા, નવરાત્રીમાં તો ચણીયાચોળીની અદલાબદલી જ કરતાં રહેતાં… રોજ નવાં-નવાં ચણીયાચોળી અને નવી રીતે તૈયાર થવું… કેવી મજા આવતી ત્યારે, નહીં? ત્યારે મનમાં ઘણીવાર વિચાર આવતો, કે ‘‘છોકરીઓને કેવી મજા! અને છોકરાઓને કેવી સજા! નહીં બંગડી, નહીં બુટ્ટી, નહીં તહેવાર, નહીં ગાયન કે નહીં નાચવાનું…”.

પણ હવે તો બધી જ મજા છોકરાઓને પણ મળતી થઈ ગઈ છે. બધા અત્યારે તો ખૂબ વરણાગિયા થઈ ગયા છે. અને છોકરીઓને તો… કમ સે કમ નોકરી ન કરતી છોકરીઓને તો સજા છે, છે અને છે જ…!

હવે તો રોજ ઊઠીને આજનો દિવસ કેવો જશે એની જ ચિંતા હોય છે. કાલે એ આવ્યો ત્યારે દરવાજો ખોલતાં જરીક વાર લાગી તો આવતાંવેંત બારણાના બહાને મને ધક્કો જ માર્યો. કંઈક વરામણું વાગ્યું હોત તો સારું થાત! દીવાળી-બેસતું વર્ષ ઉજવવાના ખોટેખોટા દેખાવ તો ન કરવા પડત! બહુ અઘરું લાગે છે મને આ… માર ખાતાં જવું ને રંગોળી પૂરતાં જવું!? માર ખાતાં જવું અને ઘૂઘરા તળતાં જવું!? માર ખાતાં જવું અને બાળકો સાથે હસી-હસીને ફટાકડાં ફોડતાં જવું!? બસ… એનું નામ રોશન કરો…! એનાં ઘરની રંગોળી વખણાવી જોઈએ, એની વ્યવસ્થા વખણાવી જોઈએ, એનાં બાળકો વખણાવાં જોઈએ. પણ… ભૂલેચૂકેય એની પત્નીને જો યશ મળ્યો… તો પત્નીનું આવી જ બન્યું છાને ખૂણે! તક મળે તો સાધીને એકાદ લપાટ પણ મારતો જશે. અને અદેખાઈ વધી જાય તો અજાણ્યો થઈને થૂંકતો પણ જશે…!

ખેર, જવા દે એ બધી વાતો…

બાય ધ વે, તારું દિવાળી-કાર્ડ ખૂબ જ ગમ્યું અને તારો પત્ર આવે એ તો ગમે જ છે. શું ચાલે છે બીજું એ તો લખ! પહેલાં તને જાતે ભરેલી સાડી પહેરવાનો બહુ શોખ હતો. હવે સમય રહે છે કે?

તારી નીતા

________________________________________

તા.૨૨.૧૧.૯૫

વહાલાં મમ્મી-પપ્પા,

કેમ છો? તમારું સરસ મજાનું દીવાળી-કાર્ડ અને એથીયે સરસ એવા આશીર્વાદ મળ્યાં. તમારા અક્ષરો જોઉં છું ત્યારે ઊડીને તમારી પાસે આવી જવાનું મન થાય છે. પણ આટલે દૂર આવવાનું! કેટલું પ્લાનિંગ કરવું પડે! અને આમેય ક્યાં સહેલું છે નીકળવું…!

અમે બધાં અહીં મજામાં છીએ. અનિલ કહેતો’તો કે એ બધાંને કાર્ડ લખી નાખશે. તમને પણ કદાચ મળ્યું હશે. તમારી તબિયત સાચવશો.

તમારી દીકરી નીતાના પ્રણામ.

________________________________________

તા. ૩.૫.૯૭

પ્રિય કિરણ,

ખરું કહું તો તારા ત્રણેય પત્રો મળી ગયા હતા. પણ અહીં મારે ત્યાં વાતાવરણ એવું તંગ હોય છે, કે હું જો પત્ર લખવા બેસું, તો મારી રામાયણ શરૂ થઈ જ જાય. તેથી ફોનમાં પણ મારે ખોટું બોલવું પડયું, કે ‘પત્રો નથી મળ્યા’!

તને મારી ચિંતા છે એ જાણું છું, પણ મેં મારા મનની શાંતિ કેળવી લીધી છે. અનિલ પાસેથી હવે મારા મનને કોઈ અપેક્ષા છે જ નહીં, જેથી નિરાશ થવાનો કે હેરાન થવાનો વારો જ ન આવે. એના સ્વભાવ અને એની ‘ડિમાન્ડ’ પ્રમાણે વર્તું છું, જેથી એને પણ ગુસ્સો ન આવે. અને છતાં, એને છટકવું હોય છે ત્યારે એ અર્થના અનર્થ કરે છે અને છટકે છે. એ વખતે મનમાં ‘ઓમ, શાંતિ’ના જાપ સાથે જે ભોગવવું પડે તે ભોગવી લઉં છું. મેં હવે સમયના બે ભાગ કરી નાખ્યા છે. એના ઘરમાં હોવાનો સમય, અને એના ઘરમાં ન હોવાનો સમય!

એ ન હોય ત્યારે ખુશ થઈ લઉં છું… હસી લઉં છું… ગાઈ લઉં છું… અને ક્યારેક રડી પણ લઉં છું, જેથી હળવા થવાય. અને એ આવે પછી તો રોજ ‘પડશે એવા દેવાશે’ના મહામંત્ર સાથે ખુશ રહું છું. બાકી… પૈસો એ મન ફવે તેમ વાપરે છે, ઉડાડે છે… હું ધ્યાન નથી આપતી. હમણાં પીવાનું પણ શરું કર્યું છે. એને એમ છે કે હું નથી જાણતી. પણ વાસ તો છાપરે ચડીને બોલે જને!

એ પણ દિવસો હતા, જયારે એના પાનની સુગંધની મોહિની મને મદહોશ કરી દેતી હતી અને હું ઝીણું-ઝીણું ગણગણ્યા કરતી હતી…‘પાન ખાય સૈંયા હમારો…’! આજે એ મલમલના કુરતા, લાલ છીંટ, સાંવરી સુરત કે લાલ હોઠ… કશું જ… સ્પર્ષતું તો નથી જ, પણ ક્યારેક ઉબાઈ જવાય છે. એનો ઊંચો પગાર, હોદ્દો અને એના કારણે અમને બધાંને મળતું સ્ટેટસ… સ્ટેટસના કારણે મળતી સગવડો… કશાંનું હવે મને મહત્ત્વ જ નથી રહ્યું. દેખાય છે, તો બસ એની બદમિજાજી…

ક્યારેક વિચાર આવે છે કે મારા મમ્મી-પપ્પા બધું કહી દઉં. પણ એથી વાત કદાચ વધારે બગડે તો? મને લાગે છે કે મમ્મી તો ઘણું બધું જાણે છે જ. કદાચ અમારા પડોશી કે પછી બીજું કોઈ માહિતી આપતું હોય. મમ્મીને ‘બીટવીન ધ લાઈન્સ’ વંચાતું હશે?

ચાલ, છોડ આ બધું. તને એક ખુશખબર આપું? હું ફરીથી મા બનવાની છું! બે દીકરા તો છે. હવે એક દીકરીની આશા છે. કહે છે કે દીકરી આવતાં બાપ બહુ બદલાય છે, પીગળે છે. કદાચ અમારી વચ્ચે મેળ કરાવવા જ એક મજાની દીકરી આવી જાય… કાશ!

________________________________________

તા. ૧૩.૩.૦૫

પ્રિય કિરણ,

એક ખૂબ જ લાંબા ગાળા પછી તને પત્ર લખું છું. કદાચ છ… કે સાત વર્ષો પછી, નહીં? એ સમય એવો હતો કે મારી પાસે બિલકુલ અવકાશ જ ન હતો. અને આજે? આજે નર્યો અવકાશ જ અવકાશ છે, બધ્ધે જ… અને માત્ર અવકાશ જ છે… બીજું કશું જ રહ્યું નથી! નાકમાં ચૂની નથી, હાથમાં કંકણ નથી, કપાળે ચાંદલો નથી, ગળામાં મંગળસૂત્ર નથી, મનમાં કોઈ ધાક નથી, હૃદયમાં ફફ‍ડાટ નથી… અનિલ… રાતની કાળી ભીંતે શ્વેત બગલા જેવો, લિસોટા જેવો, સફેદ ઓછાયો થઈને આખ્ખે-આખ્ખો પથરાય છે… બસ, એ સિવાય નર્યો અવકાશ જ છે. અનિલના અવસાનને, એના આપઘાતને આજે ત્રણ મહીના થયા.

જુલીના જન્મ પછી એના જીવને ક્યાંયે ચેન ન હતું. એનું કહેવું હતું કે એના કુટુંબમાં ત્રણ પેઢીથી કોઈ છોકરી જન્મી નથી… એને મન જુલી કોઈક બીજાનું જ ફ‍રજંદ હતી. એના વહેમને કારણે અમારું જીવન બરાબર ખોરંભે ચડયું હતું.

આમ જુઓ તો એના બરછટ સ્વભાવને કારણે એ સગાંવહાલાંમાં અળખામણો હતો જ. અને આ વખતના અમારા ઝગડાને કારણે એ બધાંમાં વધારે અળખામણો થઈ પડયો. ધીમેધીમે બધાં એનાથી દૂર રહેવા લાગ્યાં. જુલી ત્રણેક વરસની હતી ત્યારે એ ખૂબ રડતી હતી, ત્યારે એણે જુલીને ઢોરમાર માર્યો હતો. જુલીને માથે સાત ટાંકા લેવા પડયા. એ પછી પસ્તાવામાં દારુ ઢીંચ્યે રાખતો. પણ એનો વહેમ કેમે કરીને ટળતો ન હતો. એક વખત તો મેં જ કંટાળીને ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનું કહી દીધું. પણ એણે બૂમો પાડવાનું શરુ કરી દીધું, કે જો ટેસ્ટનું રીઝલ્ટ એણે ધારેલું આવશે તો અમને મા-દીકરીને મારી નાખશે. મારે તો આ પાર કે ઓપાર કરવું હતું, એટલે મેં પણ એને કહી દીધું કે મારી નાખજે, મને કોઈ વાંધો નથી… ત્યારે એ પોક મૂકીને રડવા લાગ્યો. ઘરની આજુબાજુ ટોળું એકઠું થઈ ગયું હતું. તમાશાને તેડું હોય છે કંઈ!?

એ પછી તો એણે મારાં મમ્મી-પપ્પાને બોલાવ્યાં. મારા પપ્પા હાર્ટ પેશન્ટ હોવા છતાં એમની સાથે એણે તોછડું વર્તન કર્યું. બેફામ ગાળો બોલીને એણે કહી દીધું, કે જુલી જયાં સુધી ઘરમાં હશે ત્યાં સુધી એને ચેન નહીં પડે…! બિચ્ચારી જુલી…!

બીજે દિવસે મારા મમ્મી-પપ્પા જુલીને પોતાની સાથે લઈને જવા નીકળ્યાં, તો હિંમત કરીને સ્ટેશન મૂકવા પણ ગયો! મારી તો એ દૃશ્ય જોવાની ઇચ્છા કે હિંમત જ ન ચાલી. મેં તો અનિલને કેટલીએ વખત કહેલું, કે જુલી થોડી મોટી થશે ત્યારે આ બધું જ સમજી શકશે. અને ત્યારે એના કુમળા મન પર શી અસર થશે…! પણ એના ગુસ્સા કે ગેરવર્તન સામે લાચાર થઈને મેં જુલીને મમ્મી-પપ્પા સાથે જવા તૈયાર કરી હતી.

મારી લાગણીઓનું તો જાણે કોઈ અસ્તિત્વ જ ન હતું! ‘જેવાં મારાં નસીબ…’ માનીને એ લોકો રવાના થયાં પછી હું તો કામે વળગી ગઈ હતી; તો બે કલાક પછી મમ્મી-પપ્પા બસમાં બેસાડીને જુલીને લઈને પાછો આવ્યો! જુલીનો હાથ પકડીને મારા તરફ ધકેલતાં બોલ્યો, ‘મારા નસીબ હું જ ભોગવીશ. તારે કે જુલીએ શું કામ ભોગવવું પડે…’ મેં જમવા કહ્યું, તો પણ સડસડાટ દાદરો ચડીને બારણું પછાડીને બંધ કરી દીધું.

અડધીએક કલાક પછી હું કંઈક કામનું બહાનું કાઢીને ઉપર ગઈ. બેડરૂમનું બારણું હડસેલ્યું, તો રૂમમાં પંખા સાથે એ લટકતો હતો…! ઝગડા-અણગમા અલગ વાત છે, પણ એનાથી આ રીતે છુટ્ટા પડવું…

અને એ આઘાતની કળ વળે એ પહેલાં જ બીજો ઘા આવી પડયો. મારા પરની એની શંકાની વાત મેં તો મારા મમ્મી-પપ્પાથી પણ છુપાવી હતી. પણ એના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠીએ મારાં બારે વહાણ ડુબાડી દીધાં છે. એની શંકા, એની હતાશા, એની લાચારી… અમારી વચ્ચે ધૂંધળું રહેલું કેટલું બધું, એ ચિઠ્ઠીમાં સ્પષ્ટ થઈને ઊઘડી આવ્યું છે. પોલીસ અને એનાં સગાંવહાલાં… કોઈ મને છોડવા માગતાં નથી. અનિલને આપઘાતની પ્રેરણા આપવાનો કેસ ચાલી રહ્યો છે મારા પર! ખબર નથી અનિલથી છૂટયા પછી પણ હજુ કેવી-કેવી વિટંબણાંઓમાંથી પસાર થવાનું રહેશે…! વકીલ તો કહે છે, કે પુરાવાઓ જોતાં મને સજા થવાના કોઈ ચાન્સ જ નથી! ધારો કે મને સજા ન પણ થાય, તોયે… તોયે જીવવું કેવી રીતે? આવડો મોટો ભૂતકાળ ભેગો બાંધીને? કેટલાક માણસોના જન્મ કે મરણ આપણને હેરાન કરવા માટેના નિમિત્ત જ હોય છે! કાશ, આ બધું જ એક દૂઃસ્વપ્ન પુરવાર થાય…!

તારી નીતા

________________________________________

૨૨.૮.૦૭

પ્રિય કિરણ,

ખબર નથી આ કેસનું શું પરિણામ આવશે! આ યાતનાનો ક્યારે અને કેવી રીતે અંત આવશે! પણ હું હારી ગઈ છું આ જીવનથી, જીવનના આ વળાંકોથી, આ ખેલથી, આ બદનામીથી. અને આ ગુસ્સાથી… અને… અને… સ્ત્રી જીવનની આ લાચારીથી. કિરણ… કિરણ, મારે બળ જોઈએ છે… કોની પાસે માગું!? આકાશ પાસે? સીતાને માર્ગ આપતી ધરતી પાસે…?

— નીતા

________________________________________

૧૫.૯.૦૭

પ્રિય કિરણ,

ખારા સમંદરમાં મીઠી વીરડી જેવો તારો પત્ર મળ્યો. તારી વાત સાચી છે. મારે જલદીમાં જલદી આ બધાંમાંથી બહાર નીકળી જવું જોઈએ. અને હું જલદીથી નીકળીશ જ. હવે ડીંકુ-પીંકુ અને જુલીની જવાબદારી મારા એક પર જ છે. અને આ કોર્ટના ખરચા…!

જો કે પૈસાનું આયોજન અનિલે બહુ કરેલું છે, એટલી રાહત છે. પણ અનિલે મારા નામે મૂકેલા પૈસા જ આજે, મેં એને આપઘાતની પ્રેરણા આપવાના કેસમાં હું વાપરી રહી છું. જીવનની કરુણતા જુએ છે ને તું! આ વાત તને બહુ સરળતાથી કહી શકાય છે, કારણ કે અત્યારે મને સમજી શકે તેવું કોઈ હોય, તો એ એક તું જ છે. મમ્મી મને સમજી શકે છે, પણ હું એને મારી મુશ્કેલીઓ કહી શકતી નથી. અમારી વચ્ચેનો ‘મને કંઈ ખબર નથી’નો પરદો હજુ આટલાં વર્ષે પણ અકબંધ છે! એની આંખમાં, એના વર્તનમાં હું મારી પરિસ્થિતિ પ્રતિબિંબિત થતી જોઉં છું, તો મમ્મીની ચિંતા થાય છે. તારી વાત જુદી છે. તું આટલી દૂર હોવા છતાં મારી અત્‍યંત નજીક છે, અને આમાં સીધી રીતે સંડોવાયેલી ન હોવાથી જ તું કદાચ મને સારી રીતે સમજી શકે છે, સમભાવપૂર્ણ દૃષ્ટાભાવથી બધું જોઈ શકે છે.

અને આટલા વખત પછી ઘણું બધું સ્પષ્ટપણે હું પણ જોઈ શકું છું. સ્વીકારું છું, કે અનિલમાં પણ ઘણાં ગુણો હતા. અમારી વચ્ચેના ટેન્શન વચ્ચે પણ, ડીંકુ-પીંકુ અભ્યાસ કે ઈતર પ્રવૃત્તિઓમાં પાછળ ન રહ્યા, એ એને જ આભારી! શોર્ટકટથી અને ભાર વગર ભણાવતાં એને બહુ સરસ આવડતું હતું. ઘરમાં ઝીણી-ઝીણી વ્યવસ્થા ઊભી કરવામાં પણ એ બહુ જ રસ દાખવતો. મિત્રોને-સગાંમાં કોઈને પણ પૈસાની જરૂરિયાત હોય તો એ આસાનીથી હાથ છુટ્ટો રાખી શકતો. હું માનતી હતી કે એ પૈસા ઉડાડે છે, એ વખતે ખરેખર તો એણે એ પૈસાથી બે-ત્રણ ગરીબ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી…! આવી વાતો છેક હમણાં જાણવા મળે છે મને…! પણ કાશ… આમાંનું કંઈ પણ મને સ્પર્શી શકે એટલો મૃદુ વ્યવહાર એણે મારી અને જુલી સાથે રાખ્યો હોત તો…!

તારી એ વાત પણ સાચી છે, કે કોઈના સાથમાં નઠારો નીવડેલો આદમી, કોઈક બીજાની સંગતમાં ઝળહળી પણ ઊઠે. જે કંઈ વાત છે, તેનો ફક્ત ‘મેળ મળવા’ પર આધાર છે…

ખેર! અમારો મેળ તો ન ખાધો. અમે સુખી તો ન જ થયાં, પણ એક પાત્રે પોતાની જીવનલીલા સંકેલી લેવી પડી એનું આજે બહુ દૂઃખ લાગે છે!

હું એનાથી ત્રાસી ગઈ હતી. અને એ મારાથી ઉબાઈ ગયો હતો. અનિલનો વહેમ… હું કોઈ અન્ય પુરુષ સાથે સંકળાઈ હોવાનો વહેમ… કિરણ…. કિરણ, આજે એક કબુલાત કરવી છે…! તને થશે કે મેં આટલાં વરસો સુધી બનાવટ કરી? પણ મારી વાત પૂરે-પૂરી જાણી લેતા પહેલાં મારા વિષે કોઈ અભિપ્રાય ન બાંધી બેસતી.

સાંભળ. અનિલનો વહેમ સાવ વહેમ પણ ન હતો; હું કબૂલું છું. મારા જીવનમાં અનિલ સિવાય પણ એક પુરુષ હતો, કિરણ… હા, એક પુરુષ હતો જ. હું એ પણ કબૂલું છું, કે મારા મનોવિશ્વમાં અનિલનું કોઈ સ્થાન જ ન હતું. અનિલનું રૂક્ષ વર્તન જયારે પણ મને વધારે પડતી ચોટ પહોંચાડતું, ત્યારે હું મનોમન એને જ યાદ કરતી રહેતી. અને અનિલની ગેરહાજરીમાં એને ઘરમાં બોલાવતી…

અને… અને અનિલ કદાચ આ બધું જ જાણતો હતો… બધું જ સમજતો હતો… એ એને, એની હાજરીને, અમારા પ્રેમને જાણતો હતો! પણ અનિલ ક્યાંય એ પુરુષને પકડી શકે એમ ન હતો, કે કોઈને આંગળી ચીંધીને બતાવી શકે તેમ ન હતો… કારણ કે એ પુરુષનું અમારા બેનાં મનોજગત સિવાય કોઈ અસ્તિત્વ જ ન હતું…!

હા કિરણ, એ મારો સ્વપ્નપુરુષ માત્ર હતો. એનું વાસ્તવિક દુનિયા માટે કોઈ અસ્તિત્વ જ ન હતું. ખરેખર તો અનિલ માટે પણ એનું અસ્તિત્વ ન હતું, પણ અનિલ… અનિલ મારા અસ્તિત્વ સાથે યેનકેન પ્રકારે જોડાતો રહેતો હોવાથી એને મારા એ સ્વપ્નપુરુષની હાજરીનો શરૂઆતમાં વહેમ પડતો. પછી અણસાર, અને પછી ખાતરી… અમારી વચ્ચે જુલીના જન્મ સુધી તો આ બાબતે ખૂલીને કોઈ વાત થઈ ન હતી. પણ જુલીના જન્મ સાથે જ એના મનોજગતમાં એ પુરુષે પ્રવેશ લીધો અને બહુ થોડા જ સમયમાં બેડરૂમમાં અમારી વચ્ચે દીવાલ બનીને એ રહેવા લાગ્યો. અનિલના પુરુષાતન પર આ બહુ મોટો ઘા બની ગયો હતો. એ બળજબરીથી એ પુરુષના અસ્તિત્વ સામે લડી લેવા મથતો, ક્યારેક હારી જતો. ક્યારેક જીતી પણ જતો… પણ છેવટે મારા હોઠ પર છલકતો પરિતોષ એના વહેમને બમણો કરી મૂકતો. એ બેડરૂમની દીવાલો પર એને શોધવા મથતો, ફાંફાં મારતો… અને આ આખી પ્રક્રિયા દરમ્યાન મારો સ્વપ્નપુરુષ તો મારી સાથે ને સાથે, મારી સામે ને સામે… મારી અંદર જ સમાયેલો રહેતો… અનિલ જીતીને પણ હારી જતો, અને હું હારીને પણ જીતી જતી…

એ મારી દરેક જરૂરિયાતના સમયે મારી સામે, મારી સાથે, મારી અંદર રહેતો. મને જીવવાનું બળ પૂરું પાડતો. ક્યારેક એ એક લાંબી કારમાંથી ઊતરતો અને કોઈ ફ્રેંચમેનની અદાથી કારનો દરવાજો ખોલી, હાથ લંબાવી મારો હાથ એના હાથમાં ગ્રહી માનભેર કારમાંથી ઉતારતો. તો ક્યારેક એ હળવેથી પોતાના માથામાંથી મોરપીંછું કાઢીને મારી આંખો પર, મારા ચહેરા પર ફેરવીને મને જગાડતો. ઝાડની ડાળીઓ વચ્ચે ઝૂલો બાંધીને મને ઝુલાવતો… ક્યારેક મારા વિરહમાં વાયોલિનના તીણા સુરો બજાવી એ મને પાસે બોલાવતો…

કદાચ એક ઉપેક્ષા, જીવનભરની અને તદ્દન ગરજ વગરની ઉપેક્ષાથી અનિલનું અંતરમન કડવું ઝેર થયું હોય. જીવતર કદાચ એને એટલે જ અગરાજ થયું હોય! કદાચ…! કદાચ એ ન કહેવાય-ન સહેવાય એવી પરિસ્થિતિમાં પિસાતો રહ્યો હોય…!

કોર્ટમાંથી તો હું નિર્દોષ છૂટી ગઈ. પણ અનિલનો આરોપ કદાચ સાવ ખોટો ન હતો… મેં પરપુરુષને સેવ્યો હતો… છે… પળેપળ… અને વર્ષોથી. અનિલ સાથેના સાંનિધ્યની ચરમક્ષણોમાં પણ મેં તો મારા એ અનામી, નિરાકાર સ્વપ્નપુરુષના આશ્લેષને જ પીધા કર્યો છે. અને હું, મારું સમગ્ર વ્યક્તિત્વ, એ અદૃશ્ય સ્વપ્નપુરુષના અસ્તિત્વની સાક્ષીએ પોષણ પામતાં રહ્યાં. કિરણ… જુલી ભલે અનિલનું જ શરીર-સંતાન હોય, એ મારા સ્વપ્નપુરુષનું પણ માનસસંતાન હતી જ, છે જ…!

કાલે રાત્રે અગાસીમાં ગઈ, તો અનપેક્ષીતપણે. સપ્ટેંબરના આ મધ્યમાં પણ આકાશ ચોખ્ખું હતું. તારા ચમકતા હતા. ત્રીજ…? કે પછી ચોથનો ચાંદો…? ઝીણું-ઝીણું અજવાળું પથરાયેલું હતું. અને ફ‍રી મારી આંખ સામે અચાનક, સાવ અચાનક, ધુમ્મસ છવાયું. વાદળ હોય તો ક્યારેક વરસેય ખરાં! આ ધુમ્મસનો કોઈ જવાબ ખરો?

* * *

નવલા યુગે

શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૦૯ –મીનાક્ષી ચંદારાણા

Mother Daughter_m

કહેને મને, અંધારાના અવાજો સાંભળ્યા છે કદી તેં! આ નિબિડ, ઘન અંધકાર હંમેશા એક પ્રકારનો સાઉન્ડ પેદા કરે છે. મને સંભળાય છે આ ઘોર અંધારાનો એ સાઉન્ડ. તબડક… તબડક… તબડક… ઘોડાની ખરીઓના અવાજ… અને એ અવાજને સૂંઘતી-સૂંઘતી આગળ વધુ છું તો દેખાય છે ઘોડા પર અસવાર ઘોડેસવારોના ઝનૂનભર્યા ચહેરા, અને લાગે છે કે હમણાં વીંધી નાખશે મને એમના હાથના ભાલાની અણિઓ!

ક્યારેક આ અંધકાર દંશ દેતા વિષધારી સાપની જેમ એક ઝીણી-તીણી સી…સ કરતી સીટી વગાડે છે.

ક્યારેક-ક્યારેક ઘૂઘવતા સમુદ્રના અને ખડક પર પછડાતાં મોજાંના સંયોજિત અવાજ પોકારે છે મને કૂદી પડવા માટે. અને મને સંભળાય છે ખારવાઓના ઉલ્લાસ ભર્યા હેઇસો-હેઇસો અવાજ… ખારવણોનાં મીઠાં ગીતો, મજાક, લાવણી, કલબલ, કલરવ, ઉત્સાહ…

હા, ક્યારેક તો વળી એકદમ ચોખ્ખી રણકતી ઘંટડીઓ સાંભળી છે મેં, નહીં શું વળી! દીદી રિસાણી હોય અને ધબ-ધબ કરતી ચાલતી હોય, ત્યારે કેવા સરસ અવાજ આવે છે… ધબ… છનન… ધબ… છનન… ધબ… છનન…! બહુ ગમ્મત પડે છે મને હોં!

પણ એક ખાસ અવાજ છે, જે મને સૌથી વધારે ગમે છે. એ અવાજ છે તારી ધડકનનો અવાજ… તારા ધબકતા હદયના ધબકારાનો અવાજ… વાહ!

અને એક બીજી વાત કહું તને, સૂનકારના અજવાળાની! ચોતરફ, દસે દિશામાં… ઉપર-નીચે… ચારે ખૂણે… બધે સૂનકાર છવાયેલો ભાસતો હોય ત્યારે… રંગો કેવા ચટકીલા બની જાય છે, નહીં!

આ સૂનકારની આરપાર વર્તાય છે મને! પેલા પોપટનું લીલું-લીલું સીતારામ, પતંગિયાં અને ફલોની લાલ-પીળી-કેસરી-ભૂરી-ભાતીલી રોશની… સૂરજના ફૂટતાં કિરણોનો ઝળહળાટ… ચાંદાએ ઉમંગથી ઢોળેલા દૂધમાં ન્હાતા-ન્હાતા મનમાં જાગતો દૃઢ, શ્વેત, ધવલ વિશ્વાસ…

કહેને મા, કેમ નથી વર્તાતો મને તારા હૈયાના હેતનો એ ઉજમાળો રંગ…! કેમ નથી હું પામી શકતી તારા ઉલ્લાસની એ મીઠી સુખડી જેવી સુગંધ…! કેમ તારા હોઠ ગણગણતા નથી એ ઘેનગૂંથ્યાં હાલરડાં…!

તને ખબર છે… હું તો તારા પર નિમાયેલી જાસૂસ છું! તારા એક-એક દુઃખ-સુખની, તારા આંસુની, તારા સ્મિતની; તારા મુક્ત હાસ્યની, તારા ઉદ્વેગની; તારા જીવ બાળવાની, તારી ચિંતાઓની; તારા ઝીણામાં ઝીણા હલનચલનની; તારી કાચની બંગડીઓના રણકારની, તારા ઝાંઝરના ઝનકારની; તારા સેંથાના સિંદૂરના ટહુકારની, તારા લલાટે શોભતા લાલ ચાંદલાના તેજની; અને… તારી કેડે લટકતા મોંઘા-રૂપાના, ચાવીના એ જુઠ્ઠા ઝૂડાની ઘૂઘરીઓના બોદા, દબાયેલા અવાજની… બધ્ધાંની મૂક સાક્ષી હું!

બોલ, છે ઝૂડામાં એક પણ ચાવી, કે જેનાથી તું તારા કોયડાઘરના તાળાને ખોલી શકે? તારી સાચવીને મૂકેલી લગ્નની સાડીઓની ગંધમાં છે એ તાકાત, કે જડ હૃદયોને જરા… ભીનાં કરી શકે?

બોલ મા બોલ! નથી સહેવાતો મારાથી તારો આ મ્લાન, મૂરઝાયેલો ચહેરો! નથી સહેવાતું તારું આ રીતે ઘરકામને વેંઢારવું-નિપટાવવું! નથી તારા પગમાં જોમ, નથી તારા હાથમાં હૂંફ!

પહેલાં તો તું પેટ પર હાથ મૂકતી’તી, તો મારા ડિલે કેવી હૂંફ વરતાતી’તી! ગર્ભજળના ઘટ્ટ પડળને વીંધીને તારા હાથની એ ઉષ્મા મારા અસીમ એકાંતને આવકારાથી ઝળહળાં કરી દેતી’તી!

મને સાચવી-સાચવીને તું નવરાત્રિમાં ગરબે ઘૂમતી’તી. તને શું એમ છે કે તું એકલી પગેથી ઠેસ આપતી’તી! તને એમ છે કે તું એકલી ચપટી વગાડતી’તી! તને એમ છે કે તું એકલી તાળી આપતી’તી! મા, મારું રોમ-રોમ તારા હરખે હરખાતું’તું. તારી તાળીએ તાલ આપતું’તું. તારા મીઠા-ભીના રાગના પડછંદા આપતું’તું. તારી સાથે મેં ત્રણ તાળીના ગરબા ગાયા, બે તાળીના ગરબા ગાયા. ચલતી પણ લીધી. તું તો ખૂબ થાકી ગઈ, પણ સાચું કહું? મને બહુ મજા આવી ગઈ! તને ગરબે ઘૂમતી જોઈને પપ્પા ખુશ થઈ ગયા હતા, અને ઘરે આવીને તને વળગી પડયા હતાને! ત્યારે એ બધું જ મને દેખાતું હતું. શું મજા પડી’તી મને! ત્યારે તો થયેલું, કે બસ અત્યારે જ હાથ-પગ ધુમાવીને બહાર નીકળી જઉં! આવી જઉં તારી છાતીએ વળગવા! પણ ત્યારે ક્યાં તાકાત હતી હાથ-પગમાં! અરે હજુ પણ ક્યાં છે?

બાકી તું ભલે વ્હેમમાં હોય, કે મને કશી ખબર નથી! મને તો બધી જ ખબર છે! તને તો એમ છે કે એકલો અભિમન્યુ જ અંદર બેઠો બધું ઝીલતો હશે! પણ એ તારો વ્હેમ છે મા!

પૂછ મને, તો હમણાં જ કહી દઉં, છેલ્લે આપણે… એટલે કે તું, તમે બધાં, તું, પપ્પા, દાદા-દાદી, બધાં… અને હું પણ… ડૉક્ટર પાસે ગયેલાં, ત્યારે ડૉકટરે શું કહેલું તે…! ‘હવે પાડવામાં જોખમ છે. તમારા જીવનું જોખમ… તમે બહુ સમય લગાડી દીધો નક્કી કરવામાં. ઘરવાળાની વાત પહેલાં માની ગયાં હોત… હવે કશું ન થઈ શકે…”

એ પછી આપણે ઘરે પહોંચ્યાં, કે તરત જ પપ્પાએ તને ગાલ પર જોરદાર લપડાક લગાવી દીધી. તારા સોળ ઊઠેલા ચહેરા પર હાથ પસવારવાવાળું તો કોણ હોય ત્યાં! પણ તું રડતી-રડતી જેવી અંદરના રૂમમાં ગઈ, કે તરત મારી બંને દીદી તને વળગીને ખૂબ રડી. તેં પણ એમની જોડે હૈયું ઠલવી લીધું. દાદા-દાદી મોં ચડાવી બેસી રહ્યાં. તેં રડતાં હૃદયે રસોઈ બનાવી બધાંને જમાડયાં. તેં કશું ન ખાધું. મા, ખબર છે, હુંય ભૂખથી કેવી ચોડવાઈ ગઈ હતી!? મને યાદ છે મા! ને મને એ પણ યાદ છે કે એ વખતે તેં તારી બે આંસુ ભરેલી આંખ અને ત્રીજી અમિયલ આંખથી, એમ ત્રણ આંખે મારી સામે જોયું. પેટ પર તેં તારા બે હૂંફાળા હાથ ઘડીભર મૂક્યા… અને દૂધ રોટલી ખાઈને થાકી-પાકી રડતી-રડતી તું સૂઈ ગઈ. મા, તને તો તરત જ ઊંઘ આવી ગઈ હતી! પણ મારી મા, હું તો એ રાતે જરા વાર પણ ન સૂઈ શકી. આખી રાત વિચાર કરતી રહી, અને નક્કી કરતી રહી, કે બહાર આવું પછી તારું ખૂબ ધ્યાન રાખીશ. તને જરીકેય નહીં પજવું! કોઈ દિવસ નહીં રડું! જલદી જલદી મોટી થઈ જઈશ! તું ભણાવીશ તો ભણીશ, નહીં ભણાવ તો નહીં ભણું! તને ઘરકામમાં મદદ કરીશ. તું પહેરાવે તે પહેરીશ. નોકરી કરીશ. મા તું ચિંતા ના કરીશ! પરમ દિવસે બાજુવાળાં વિજયામાસી બેસવા આવ્યાંયા ત્યારે તુવેર ફોલતી-ફોલતી તું જ વિજયામાસીને ન્હોતી કહેતી, કે સૌ પોતાનું નસીબ લઈને આવે છે! ત્‍યારે તો કેવી નિરાંતવી બેઠી’તી! અને મને પણ કેવી હોંશે-હોંશે તે તુવેરના કૂંણા-કૂંણા દાણા ખવડાવ્યા’તા! યાદ છેને! મને તો બધું જ યાદ છે!

*

ઓ મા… શાના અવાજો આવે છે આટલા બધા! અરે પપ્પા, કેમ ઘાંટા પાડો છો આટલા બધા? મમ્મીએ કંઈ ગુનો કર્યો છે!? અરે આમ પટ્ટો લઈને તે કંઈ મમ્મીને મરાતી હશે! દાદા-દાદી તમે બોલવાનું બંધ કરો હવે… કાનના કીડા ખરી જાય એવી ગાળો બોલતા શરમ નથી આવતી તમને? અને ફોઈ તારા મોં પર તો થૂંકું છું હું અહીં અંદર બેઠી-બેઠી… હું તો ત્રીજા નંબરની… પણ તું… તું તો નંબર પાંચ… મારા બાપની પાંચમી બહેન… અને મારા દાદાની પાંચમી દીકરી… તું જ મરને! છેવટે ઢાંકણીમાં પાણી લઈને તો ડૂબી મર! અને કાકી, તમારા જોડિયા દીકરાને લઈને તમે આ ટાણે તમારા બેડરૂમમાં ભરાઈ ગયા છો!? તમારી સહિયર જેવી મારી માને અટાણે એકલી મૂકી દીધીને!?

મા, તું શાંત થઈ જા! આ બે-ત્રણ મહીના… જે થાય તે ખમી ખા! મને જરી મોટી થવા દે. તારા મોં પર સુખની, ને સંતોષની લાલી નહીં જોઉં, ત્યાં સુધી મનેય સુખ અગરાજ, મા! થોડી ધીરી થા. રડીશ નહીં, અરે મા! આમ હીબકા ભર્યે શું વળશે? એમ કર, છોડ આ ઘર. ચાલ, જતાં રહીએ કોઈક એવી જગ્યાએ, જયાં આપણને એક થોડો સમય આશરો મળે. કોઈ નારી સંસ્થામાં!? હિંમત બતાવ મા. તું નથી કમાતી તો શું થયું? જેમ તને પપ્પાની જરૂર લાગે છે, એમ પપ્પાને પણ તારી જરૂર છે જ! તારા અંતરના અમીથી રંધાયેલ અન્ન એને બીજે ક્યાં મળવાનાં, મા! તારા જતનથી જળવાયેલું ઘર ઘડીભર છોડ, મા! સહુની સાન ઠેકાણે આવશે. બતાવ હિંમત… આ પાર કે પેલે પાર…!

*

અરેરે મા! હું કહું છું આ પાર કે પેલે પાર, ત્યારે મરવાની વાત થોડી કરું છું હું ? હું તો માનભેર જીવવાની વાત કરું છું! તું આમ ગભરાઈને જીવ આપી દેવાની વાત કરે એ કેમ ચાલે? મને બચાવવા તેં આ તાયફો કર્યો, અને હવે તું હાર કબૂલી જઈશ, તો ભેગું મારે નહીં મરવું પડે? તું સળગીશ તો હું નથી બળવાની? તું ફાંસો ખાઈશ તો મારો શ્વાસ નથી રૂંધાવાનો? તું પાટા પર કપાઈશ, તો મારા પણ ટુકડા નહીં થઈ જાય? મારી સામે જો, મા…! હું તો તારી વ્હાલી-વ્હાલી મુન્ની! પપ્પામાં તો બુદ્ધિ નથી, પણ તને કંઈ થાય, તો પછી પપ્પાનું કોણ, એ તું તો વિચાર કર! તારા વિના એ બહુ મૂંઝાશે. અને મારી બંને દીદી નમાયી ન થઈ જાય!? એય દીકરીની જાત છે. એની શી દશા થશે તારા વગર!

ના મા, હું તને મરવા નહીં દઉં. ક્યારેય નહીં! કોઈ કાળે નહીં. કોઈ સંજોગોમાં નહીં! મા, તારા ભગવાનને બોલાવ. તારી બહેનપણીને વાત કર. પિયરનાં બારણાં ખખડાવ. થોડો સમય કાઢી નાખ. તું આમ રડયા કરે છે, તો મને એમ થાય છે કે હું તારે પેટ ન પડી હોત તો કેટલું સારું હતું! મારા લીધે તું દુઃખી-દુઃખી થઈ ગઈ! આ મારા અસ્તિત્વે તને બહુ દુઃખ આપ્યું! ચાલ મા હું જ કંઈક કરું.

લે આ નાળ વીંટાળી ગળે..! આ એક ગોથું! આ બીજું! અરે મારા હાથની મુઠ્ઠીઓ… તમે ખૂલી જાવ… ખૂલી જાવ તમે… પકડો આ નાળને… અને ખેંચો… ખેંચો… ખેંચો… હજુ ખેંચો… બસ… હવે જરાક જ કસર છે… લગાવો જોર… ખેંચો…

અરે હા મા! ભૂલી ગઈ હું તો! પપ્પાને પણ મારી યાદ આપજે. જેવા હોય એવા… પણ મારા તો પપ્પાને! તારે લીધે મનેય પપ્પા જોડે બહુ માયા બંધાઈ ગઈ… કહેજે, કે મારે ખુ…બ રમવું’તું મારા પપ્પા સાથે… કહેજે, કે મારે ખભેખભા મિલાવીને ઊભા રહેવું’તું મારા પપ્પાની બાજુમાં. કહેજે કે…

અલવિદા… મા. મારી પ્યારી મા… મળીશું કોઈક નવલા યુગે… ત્યાં સુધી અલવિદા…

* * *

છે કોઈ એવો પાર્થ…?

(ચાંદની -મે ૧૯૮૪માં પ્રકાશિત)

રસ્તા પરનો આ વળાંક ખતરનાક છે. આ વળાંક પર થતા જીવલેણ અકસ્માતો મેં ઘણી વખત જોયા છે. હું જાણું છું કે આ વળાંક પર વાહનને ધીમું પાડવું જોઈએ, અને છતાં હું ક્યારેય આ વળાંક પર મારી કાર ધીમી પાડતો નથી.

મારી આ ટેવ મારા માટે ક્યારેક ખતરનાક સાબિત થશે. પણ કદાચ મને એની પરવા નથી. હું માનું છું કે લાઈફ શુડ બી એડ્વેન્ચરસ. જિંદગી સાહસોથી ભરેલી હોવી જોઈએ… પછી ભલે એ સાહસો સાવ અર્થહીન હોય. જીવનના કોઈ પાસા સાથે જરા પણ સંકળાયેલા ન હોય. છતાં… સાહસો તો જોઈએ જ, ગમે તેવા. છેવટે સિત્તેર-એંસી કે નેવું કિલોમીટરની ઝડપે કાર ચલાવવા જેવા સાહસો.

પણ એક વાત સતત મને ખૂંચતી રહે છે. મારા આવા સાહસોની કોઈ જ નોંધ લેતું નથી. હું સિત્તેર-એંસી કે નેવું કિલોમીટરની ઝડપે કાર ચલાવું છું ત્યારે રાહદારીઓ અને બીજાં વાહનચાલકો માત્ર ગાળો જ આપે છે. હા, મારી ઝડપની નોંધ લે છે, તો માત્ર એક વ્યક્તિ. ચાર રસ્તા પર ઊભેલો ટ્રાફિક કંટ્રોલર.

શહેરમાં ચાર રસ્તા ઘણાં છે, અને જે ચાર રસ્તા પરથી મારી કાર પસાર થાય છે, એ દરેક ચાર રસ્તા પરનો ટ્રાફિક કંટ્રોલર મારી હાજરીની નોંધ પોતાની ડાયરીમાં મારી કારનો નંબર લખીને લે છે.

પણ તેની નોંધની મારા પર કોઈ અસર નથી, કહી શકાય કે મને કોઈ પરવા નથી. કારણ કે હું શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીનો ‘જનરલ મેનેજર’ છું. આરટીઓમાં મારી ઓળખાણ છે. મારો ‘ડ્રાઈવીંગ રેકર્ડ’ એકદમ ‘ક્‍લીન’ છે. મારા નામે હજુ સુધી કોઈ અકસ્માત નોંધાયો નથી. હા, મેં અકસ્માતો કર્યા છે એ જુદી વાત છે.

હા, તો હું શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીનો જનરલ મેનેજર છું. હજુ છ મહિના પહેલાં જ મને પ્રમોશન મળ્યું છે. ત્યાં સુધી હું એ જ કંપનીમાં ‘માર્કેટીંગ મેનેજર’ હતો. મારી પોસ્ટ ટૂંકમાં ‘એમએમ’ કહેવાતી.

ઑફિસમાં મારો એક અલગ મોભો રહેતો. મારી એક અલગ કૅબિન હતી. લગભગ દરેક ઑફિસોમાં હોય છે એવું, કિંમતી ફર્નિચર હતું. મારી રિવૉલ્વિંગ-ચેરની પાછળની દીવાલ પર કંપનીનો ‘ઍન્યુઅલ માર્કેટીંગ ચાર્ટ’ લટકાવેલો રહેતો, જેના પર હું દર અઠવાડિયે લાલ-લીલી સ્કેચપેનથી ઊંચા-નીચા લીટા તાણતો રહેતો.

એક પટાવાળો હતો. એક સેક્રેટરી હતી, પણ પ્રાઇવેટ નહીં. બંને આખી ઑફિસ માટે કૉમન રહેતાં.

કૅબિનનાં પોલીશ કરેલા દરવાજે મારા નામની તકતી લટકાવેલી રહેતી. ‘મી. પાર્થ મહેતા, માર્કેટીંગ મેનેજર’. ઑફ્‍સિનાં બીજાં સહકર્મચારીઓ મને ‘મી. મહેતા’ કહીને સંબોધતાં. એકંદરે સુમેળભર્યું વાતાવરણ રહેતું.

અને હા, એક વાત તો ભુલાઈ જ ગઈ! ત્યારે હું સ્કૂટર વાપરતો હતો. સ્કૂટર જોકે કંપનીએ આપેલી લોનમાંથી ખરીદ્યું હતું.

દરરોજ સવારે સાડાદસ વાગ્યે હું ઘેરથી  સ્‍કૂટર લઈને નીકળતો. ઑફિસનો સમય અગિયાર વાગ્યાનો રહેતો. હું હંમેશા, કેટલાક અપવાદોને બાદ કરતાં, સફેદ પેન્ટ-શર્ટ પહેરતો અને શાર્પ અગિયાર વાગ્યે ઑફિસ પહોંચી જતો. બંનેમાં કેટલાક અપવાદ હતા, પણ લગભગ આવું બનતું.

સાંજે પાંચ વાગ્યે હું સ્કૂટર પર રવાના થઈ જતો. ઑફિસ પાંચ વાગ્યે છૂટતી. ખરેખર તો અમે છૂટતા. ઑફિસ તો પાંચ વાગ્યે બંધ થઈ જતી હતી. કોંક્રિટની દીવાલોમાં, લાકડાનાં બારણાં પાછળ, લોખંડના શટરોમાં…

પાંચ અને પચ્ચીસે શાંતિવન હાઈસ્કૂલથી થોડે દૂર હું સ્કૂટર પાર્ક કરતો. દસ મિનિટ રાહ જોવી પડતી. બરાબર પાંચ અને પાંત્રીસે પાંચાલી શાળાના દરવાજામાંથી નીકળતી. ધીરે-ધીરે, પોતાની સહેલીઓથી છૂટી પડતી, એ મારા સુધી લગભગ બે મિનિટમાં પહોંચી જતી. હું એક સ્મિત આપતો. જવાબમાં એ ફિક્કું હસી લેતી. હું સ્કૂટર સ્ટાર્ટ કરતો. એ પાછળ બેસી જતી, પોતાનું કૉફી કલરનું જૂનું પર્સ લઈને.

અને હું સ્કૂટર દરિયાકિનારા તરફ હંકારી મૂકતો.

આ મારો, અથવા અમારો દરરોજનો ક્રમ હતો. રવિવાર સિવાયનો. રવિવારે અમે ન મળતાં. અમારો રવિવાર અમે અમારા કુટુંબ માટે ફાળવતાં.

શાંતિવન હાઈસ્કૂલથી નીકળી હું સ્કૂટર સિવિલ-લાઈન્સ તરફ વાળતો. ત્‍યારે હું સ્કૂટર ધીરે-ધીરે ચલાવતો. પાંચાલીને હું ઝડપથી સ્કૂટર ચલાવું એ ન ગમતું. એ પાછળ બેઠી હોય, ત્યારે મારે સ્કૂટર ધીરે જ ચલાવવું પડતું. એ પોતાની ચારમાંથી કોઈ એક સાડી પહેરીને બેઠી હોય. એક હાથમાં એ જ જૂનું કૉફી કલરનું પર્સ, બીજો હાથ મારા ખભા પર મૂક્‍યો હોય.

જેમ-જેમ શાંતિવન હાઈસ્કૂલથી દરિયાકિનારા વચ્ચેનું અંતર કપાતું જાય, તેમ-તેમ અમારા વચ્ચેનું અંતર પણ ઓછું થતું જતું. સિવિલ-લાઈન્સ પહોંચતા સુધીમાં મારી પીઠ પર પાંચાલીની છાતીનો સ્નિગ્ધ, ઉષ્માભર્યો સ્પર્શ થતો. એ ક્ષણનો રોમાંચ… ઓહ…!

સિવિલ-લાઈન્સથી હું દરિયાકિનારા તરફ‍ના રસ્તે સ્કૂટર વાળતો. રસ્તામાં એક ચાર-રસ્તા પર, બરાબર વચ્ચે જ ગાંધીજીનું એક પૂતળું રહેતું. એ પૂતળું આવે ત્યાં સુધીમાં તો પાંચાલી પૂર્ણપણે મારી પીઠ પર ઢળી પડી હોય. એનો હાથ મારી કમર ફ્‍રતો વીંટળાઈ વળ્‍યો હોય. એના હૃદયના ધબકારા હું મારી પીઠ પર સ્પષ્ટપણે અનુભવતો. એના ગાલનો નરમ સ્‍પર્શ મારા ખભાને વિચલિત કરી દેતો. એનો ગરમગરમ શ્વાસ મારી ગરદન પર ઝણઝણાટી બોલાવી દેતો.

એના સ્પર્શના ઘેનમાં હું સ્કૂટરને દરિયાકિનારા સુધી લગભગ દોરી જ જતો. મસ્તિષ્ક પર એક નશો સતત છવાયેલો રહેતો.

અમે દરિયાકિનારાની રેતીમાં બેસતાં. એક-બીજાંની સામે જોઈ રહેતાં. અમે બહુ ઓછું બોલતાં. ક્યારેક મૂંગા બેઠા-બેઠા રેતી પર પાંચાલી મારું નામ લખતી, અને હું એનું. નામ લખીને અમે એકબીજાં સામે જોઈ રહેતાં, પછી થોડીવારે હસી પડતાં.

પાંચાલી બહુ ઓછું હસતી. હસતી ત્યારે પણ સાવ ફિક્કું હસતી. તેના ચહેરા પર તીખી વેદનાની ટશરો હંમેશા ફૂટતી રહેતી. સાંસારિક જવાબદારીઓનો એક મસમોટો બોજ હંમેશા એની નજરોમાં, એની વાતોમાં, એના સ્મિતમાં, એની દરેક વર્તણુંકમાં દેખા દેતો.

એના પતિને લકવા હતો. કમરથી નીચેના ભાગથી પગના તળિયા સુધીનો ભાગ તદ્દન નકામો હતો. ઉપરાંતમાં લાંબા સમયથી એ બીમાર હતો.

ત્રણેક વર્ષ પહેલાં પાંચાલી મારી ઑફ્‍સિમાં આવી હતી, નોકરીનો ઈન્ટર્વ્યુ આપવા માટે. ટાઈપીસ્ટ તરીકે એ સિલૅક્‍ટ થઈ ગઈ. માર્કેટીંગ મેનેજર તરીકે મારે ઘણી વખત એનું કામ પડતું. ક્યારેક બેલ મરીને પટાવાળા દ્વારા મારે એને મારી કૅબિનમાં બોલાવવી પડતી.

એ સમયે એના ચહેરા પર ચિંતાનો બોજ વધુ દેખાઈ આવતો. એક વખત મેં એને મારી કૅબિનમાં બોલાવી ત્યારે પૂછ્યું, ‘‘જુઓ, મિસિસ શાહ, આમ તો  તમારી અંગત બાબત કહેવાય, આ પૂછવાનો મારો કોઈ હક્ક પણ નથી. છતાં એક સહકર્મચારીને નાતે શું હું પૂછી શકું કે…?’’

જવાબમાં એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. આશ્વાસન દેવા માટે ત્યારે મારી પાસે કોઈ શબ્દો ન હતા.

એ પછી એક વખત હું તેના ઘેર ગયો ત્‍યારે ખરેખર મને કંપારી છૂટી ગઈ. એના પતિનો ચહેરો અને કૃશ શરીર જોઈને ઘડીભર હું અવાક થઈ ગયો હતો. એ પુરુષ પોતાની પત્નીને પૂરું એક વર્ષ પણ સુખ આપી શક્યો ન હતો. છતાં, તેની પત્ની તેની કેટલી કાળજી રાખતી હતી! એ સાજો થઈ જાય એ માટે કેટલી બાધા-આખડીઓ રાખતી હતી, દવાઓ પાછળ પૈસા ખર્ચતી હતી! સારુ હતું કે એમને કોઈ બાળક ન હતું, નહીં તો આ સ્ત્રીની શી દશા હોત?

હું તેના ખાટલા પાસે બેઠો ત્‍યારે તેની આંખમાંથી ગાલ પર સરી ગયેલા આંસુનાં બે બુંદ મેં જોયાં. તેના સમગ્ર ચહેરા પર લાચારી તરવરી રહી હતી.

એ વખતે હું વધારે સમય ત્યાં બેસી શક્યો ન હતો.

એ પછી અવારનવાર હું તેને ઘેર જતો. ક્યારેક ફ્રૂટ-દવા બાબતે પૃછા કરતો. લાવી આપતો. મારાથી બનતી મદદ હું કરતો. ક્યારેક મારા સ્કૂટર પર તેને ઘર સુધી મૂકી જતો.

મને ક્યારેક વિચાર આવતો, કે આ સ્ત્રીએ લગ્ન કરીને શું મેળવ્યું? સંસારસુખ તો એક વર્ષ પણ નથી મેળવ્યું! નથી બાળક, કે નથી બીજા કોઈ સહારાની આશા! કયા ટેકાને આધારે આ સ્ત્રી પોતાનું જીવન, પોતાનો સંસાર ટકાવીને બેઠી છે?!

એક સામાન્ય સ્ત્રીને હોય એવી કોઈ ઇચ્છાઓ શું એને નહીં હોય?

બીજી સ્ત્રીઓની માફક ફિલ્મો જોવી, નવી સાડી ખરીદવી, મા બનવું… સંસારનો મોહ શું સાવ જ છૂટી ગયો હશે?!

શા માટે એ પોતાના લકવાગ્રસ્ત પતિને છોડી નથી દેતી? શું સુખ મેળવ્યું છે એણે એ અપંગ પતિથી?

પણ મારા આવા વિચારો હું ક્યારેય એની પાસે વ્યક્ત ન કરતો.

ઑફિસમાં એને આવ્યે એક વર્ષ થવા આવ્યું હતું. ધીરે-ધીરે ઑફ્‍સિમાં એ સેટ થતી જતી હતી.

…અને એક દિવસ એ મારી પાસે આવી, મારી કૅબિનમાં.

“મી. મહેતા, મારે તમને એક વાત કહેવી છે…” એ થોડા સંકોચ સાથે બોલેલી.

“બોલો, શું કહેવું છે?”

“……” એની જીભ ઊપડતી ન હતી.

“બોલો, સંકોચ ન રાખો. જે કામ હોય તે કહો. કંઈ મદદની જરૂર હોય તો…”

“ન..ના…” મારું વાક્ય પૂરું થાય  એ પહેલાં એ બોલી ઊઠી. “મદદ તો નથી માગવી, પણ એક વિનંતી કરવા આવી છું…”

“વિનંતી? એવું તે શું છે? જે કહેવું હોય તે નિઃસંકોચ કહો…”

“તમે મારે ઘેર આવવાનું બંધ ન કરી શકો…?”

હું ઘડીભર હેબતાઈ ગયો. “હું કંઈ સમજયો નહીં મિસિસ શાહ. હું તમારા ઘેર કોઈ સ્વાર્થથી નથી આવતો. એક… એક માનવીય લાગણી અને અનુકંપાથી પ્રેરાઈને આવું છું. છતાં… તમને કંઈ મારી નજરમાં દોષ…”

“ના, ના… મી. મહેતા. તમે એવું ન માની લ્યો. આ બાબતે મનમાં ગેરસમજ ન બાંધશો. પણ… તમે મારે ઘેર આવો છો એ બાબતે આપણી ઑફિસમાં બહુ સારી વાતો નથી થતી…”

“ઓહ…”

એ ચાલી ગઈ. એ બનાવ પછીના એક મહીનામાં હું માત્ર એક જ વખત એને ઘેર ગયો. નહોતું જવું છતાં એ તરફ નીકળ્યો હતો અને મનને રોકી ન શકાયું.

તેનો પતિ હવે મારી સાથે થોડી વાતો કરતો. તે દિવસે મેં જોયું કે હું ત્યાં ગયો તે ખુદ પાંચાલીને પણ ગમ્યું હતું. થોડી વાર બેસીને સાથે લાવેલા ફળો આપીને હું ચાલ્યો ગયો હતો.

એ વાતને એકાદ અઠવાડિયું થયું હશે અને પાંચાલી ઑફિસમાં આવતી બંધ થઈ ગઈ. બીજા એકાદ અઠવાડિયા સુધી મેં તેની રાહ જોઈ. છેવટે પટાવાળાને પૂછી જોયું તો ખબર પડી કે મિસિસ શાહ તો રાજીનામું આપીને જતા રહ્યા છે.

એ સાંજે જ હું પાંચાલીને ઘેર ગયો. એ ઘરમાં જ હતી. એનો પતિ સૂતો હતો.

“મી. મહેતા, બંધ કૅબિનમાં બેઠાંબેઠાં તમને નહીં સમજાય કે લોકો આપણાં મળવા અંગે કેવી-કેવી વાતો કરતાં હતાં. આખરે મારે એ લોકો સાથે રહેવાનું હતું. એ લોકો સાથે ચા-નાસ્તો-લંચ લેવાનાં હતાં સ્ત્રી બધાં દુખો સહન કરી શકે. પણ પોતાના ચારિત્ર્યને ખોટી રીતે દાગ  લાગતો ન જોઈ શકે. મેં નોકરી છોડી દીધી છે…” આ પાંચાલીની કેફિયત હતી.

“તો હવે… આઈ મીન… બીજી કોઈ જગ્યાએ નોકરી…”

“ના. શોધું છું… મળી જશે ભાગ્યમાં હશે ત્યારે…”

“હું કંઈ મદદ કરી શકું…?”

“કઈ રીતની મદદ કરવા ઇચ્છો છો? પૈસાની? તો આભાર. હું નોકરી શોધું છું. મળી જશે ક્યાંક આછી-પાતળી…”

“હું પૈસાની વાત નથી કરતો. મારી ઓળખાણ છે ઘણી જગ્યાએ… તમે ઇચ્છો તો તમે કહો છો તેવી આછી-પાતળી શું, સારી નોકરી પણ મળી શકે…”

એ મૌન રહી. મારી સામે થોડી વાર જોઈ રહી. એની આંખમાંના ભાવ… નજરે દેખાતી લાચારીની પાછળ ખુદ્દારી છલકાતી હતી.

બે દિવસ પછી મારી ઓળખાણથી એણે શાંતિવન હાઈસ્કૂલમાં ક્લાર્કની નોકરી શરુ કરી.

એ પછી અમારો પરિચય આગળ વધીને દરિયાકિનારા સુધી કઈ રીતે પહોંચ્યો, તેની વિગતો મારી પાસે પણ નથી. કદાચ તેની પાસેથી પણ નહીં મળી શકે.

અમે વારંવાર મળતાં. ક્યારેક દરિયાકિનારે જતાં. ક્યારેક ફિલ્મ જોવા પણ જતાં.

એક વખત દરિયાકિનારે અમારી વચ્ચે થયેલો સંવાદઃ

“પાંચાલી મને સમજાતું નથી કે આપણા સંબંધોનું પરિણામ શું આવશે! તું પરિણીતા સ્ત્રી છે. તારે ઘર છે, પતિ છે…”

“ઘર? પતિ? મારી પાસે એ હોવા છતાં ન હોવા બરાબર જ છે ને, પાર્થ! લગ્ન કરીને મેં શું મેળવ્‍યું? ચાર દીવાલો, જેને તું અને હું ઘર ગણી રહ્યાં છીએ. કમરથી ઉપરનો કહેવાતો પતિ. અસહ્ય જવાબદારીઓનો ભાર, અને લોકો જેને વ્યભિચાર ગણે છે એવો તારી સાથેનો લગ્નેતર સંબંધ…”

“પાંચાલી, હું તને એવું કંઈ કરવા નથી કહેતો. પણ માત્ર પૂછું છું કે ક્યારેય તને તારા પતિને છોડી દેવાનો વિચાર નથી આવતો…”

“ના પાર્થ. હજુ સુધી તો એવો વિચાર નથી આવ્‍યો. એને છોડી દઉં તો એની શું દશા થશે, પાર્થ? મને એના પ્રત્યે બહુ પ્રેમ છે એવું પણ નથી કહેતી. હું એવો દંભ નથી કરી શકતી. પણ આખરે એ મારો પતિ છે. મારી સાથે એણે ચાર ફેરા ફર્યા છે. મારા ગળામાં એનું મંગળસૂત્ર છે, પાર્થ… મારી કંઈક જવાબદારી ખરી કે નહીં એના પ્રત્યે…?”

તે દિવસે એ ઘણું બોલી ગઈ હતી. છેવટે આંખમાં આંસુઓ વહેવાં લાગેલાં. તે પછી મેં ક્યારેય તેના પતિ વિષે વાત કાઢી નહીં.

અમે રવિવાર સિવાય દરરોજ મળતાં. દરિયાકિનારો અથવા થિયેટર. લગભગ આ બેમાંથી જ પસંદગી કરવાની રહેતી.

સમય વીતતો હતો. અમે મળતાં. સ્‍કૂટર પર મારી પીઠ પર પોતાના શરીરને ઢાળી, મારી કમર પર હાથ વીંટાળી એ બેસતી, હંમેશા. એને હવે કદાચ દુનિયાનો ડર ન હતો.

અમારા પરિચયને લગભગ અઢી વર્ષ જેવો ગાળો થઈ ગયો હતો.

એક સાંજે મેં એને કહ્યું,”પાંચાલી, મારી મા મારા લગ્ન માટે દબાણ કરે છે, એ તો તું જાણે છે. આ વખતે બીજાં સગાં દ્વારા પણ દબાણ વધ્યું છે.”

“તેં શો જવાબ આપ્યો?” આંગળીઓથી રેતી સાથે રમત કરતાં એ બોલી. પરિસ્થિતિની ગંભીરતા એ સમજી ન હતી.

“પાંચાલી, આ વખતે મારે ફાઇનલ જવાબ આપવો પડશે. એ લોકોએ મારા માટે બે-ત્રણ છોકરીઓ જોઈ રાખી છે…”

પાંચાલી હવે ચોંકી. તેના મોં પર ગંભીરતા આવી ગઈ.

“તેં શું વિચાર્યું, પાર્થ…?” એના અવાજમાં આર્દ્રતા હતી.

“હું કંઈ નથી વિચારી શકતો, પાંચાલી. મારે શો જવાબ આપવો? મારે શું એમ કહેવું કે હું એક પરણેલી સ્ત્રીને ચાહું છું…?”

“પાર્થ, કહેવું તો પડશે જ ને?”

“હા, પાંચાલી. હું માનું છું કે કહેવું તો જોઈએ જ. પણ કહેવું કે ન કહેવું, એનો આધાર તારા પર છે…”

“મારા પર?! હું કંઈ સમજી નહીં…”

“પાંચાલી, તું જો તારા પતિને છોડવા તૈયાર હોય, તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છું…”

“પાર્થ…” એ લગભગ ચીસ પાડી ઊઠી. “આ તું શું કહે છે પાર્થ? આજે આટલા સમય પછી તું મને આ શબ્દો કહે છે? તું એટલું પણ નથી સમજતો કે…” એની ચીસ એનાં આંસુઓમાં દબાઈ ગઈ.

“હું સમજું છું, પાંચાલી, બધું સમજું છું. પણ હવે કંઈક તો નક્કી કરવું જ પડશે… આપણે સાથ નિભાવવો હશે, તો લગ્ન કરવા પડશે…”

“પાર્થ… લગ્ન વિના સાથ ન નિભાવી શકાય…?”

“અત્યાર સુધી નિભાવ્યો, પાંચાલી. મારા માટે હવે ફેંસલો કરવાનો સમય આવ્યો છે. અને મારે માત્ર મારી ખુશી કે જરૂરિયાત માટે લગ્ન નથી કરવાના. મારે મારી માને વહુ લાવી આપવાની છે. મારી નાની બહેનને ભાભી લાવી આપવાની છે…”

એ ઘણીવાર ચૂપ રહી.

“બોલ પાંચાલી. કંઈક બોલ. શું વિચાર કરે છે?”

“પાર્થ… બીજો કોઈ રસ્તો નથી…?” એ લગભગ ભાંગી પડી હતી.

“મેં બહુ વિચાર્યું, પાંચાલી. લગ્ન તો કરવા જ પડશે મારે. તું ના પાડીશ, તો કોઈક બીજી સાથે…”

“પાર્થ… પાર્થ… સંબંધો બાંધતા પહેલાં આપણે આ બાબતે કંઈ જ વિચાર્યું ન હતું! કે ક્યારેક તો આવો ફેંસલો કરી લેવાનો સમય આવી જશે, અને ત્યારે શું કરીશું આપણે?”

એ પ્રશ્નો કરતી રહી, અને મારી પાસે તેના કોઈ જ પ્રશ્નોના ઉત્તરો ન હતા. બંને મજબૂર હતાં. બંનેએ પોતાના કુટુંબનો, પોતાના સંસારનો વિચાર કરવાનો હતો. એ રડતી રહી. હું એને રડતી જોતો રહ્યો.. સૂર્ય ધીરે-ધીરે દરિયામાં ડૂબી ગયો.

છેક અંધારું થવા આવ્યું ત્યારે અમે ઊભા થયાં. દરરોજ સ્કૂટર સુધી જતાં એકબીજાના હાથમાં હાથ પરોવી રાખતાં. આજે બંને વચ્ચે જાણે માઈલોનું અંતર હતું.

“પાર્થ, ઠીક છે. તું લગ્ન કરી લે. સુખી થવાનો તને અધિકાર છે. પણ પાર્થ, લગ્ન પછી તું મળીશ તો ખરોને મને? સાવ ભૂલી તો નહીં જાય ને મને?” પોતાના પ્રેમીથી વિખૂટી પડતી કોઈ મુગ્ધા જેવી એ લાગતી હતી.

“કહી ન શકાય, પાંચાલી. આપણે મળીએ પણ ખરાં. કદાચ ન પણ મળી શકાય. મળીશું તો પણ આ રીતે દરિયાકિનારે નહીં આવી શકાય. થિયેટરમાં નહીં જઈ શકાય. બહેતર છે કે આપણે એકબીજાંને ભૂલી જઈએ.”

“એવો જુલમ ન કર પાર્થ, એવો જુલમ ન કર મારા પર. મેં ક્યારેય તારી પાસે કંઈ જ માગ્યું નથી. આજે મને વચન આપ. આ રીતે નહીં તો ક્યારેક-ક્યારેક. તારી પત્નીને લઈને મારે ઘેર આવતો રહેજે. તને જોઈશ, તો પણ મનનો બોજ હળવો થઈ જશે. બોલને પાર્થ, આવીશને…”

હું કંઈ જ બોલી ન શક્યો. મેં સ્કૂટર સ્ટાર્ટ કર્યું. એ પાછળ બેઠી. અંધારાના ઓળાઓ સડક પર ઊતરી ચૂક્યા હતા. દરરોજ કરતાં આજે વિશેષ મોડું થઈ ગયું હતું. દરિયાથી પાંચાલીના ઘર સુધી અમારી વચ્ચે સ્પર્શની એક લહેરખી પણ ન ફરકી.

એના ઘર પાસે મેં સ્‍કૂટર ઊભું રાખ્‍યું. એ ઊતરીને મારી સામું જોઈને ઊભી રહી, થોડી વાર માટે. એની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ હતી. ત્યારે પણ એની આંખોમાં આંસુનાં બે મોટાં ટીપાં તગતગતાં હતાં. ક્ષણવારમાં એણે મોં ફેરવી લીધું. લગભગ દોડીને એ ઘરમાં જતી રહી.

લગ્ન માટે મેં માને હા પાડી દીધી. માએ એક છોકરી બતાવી. શૈલ એનું નામ. હું અને શૈલ, મારા ઘરમાં પહેલી વાર મળ્યાં. માએ અમને બહાર મોકલ્યાં. હું એને દરિયાકિનારે એ જ જગ્યાએ લઈ ગયો, જયાં હું અને પાંચાલી દરરોજ બેસતાં. હવે મારે પાંચાલીને શૈલમાં શોધવાની હતી.

હું અને શૈલ પરણી ગયાં. પસંદગીનો મારા માટે કોઈ સવાલ ન હતો, અને શૈલને હું પસંદ હતો. મારા લગ્નની આમંત્રણપત્રિકા મેં પાંચાલીને મોકલી હતી, પણ… ખેર, તેના આવવાની આશા પણ ન હતી.

અને એ અરસામાં જ મને પ્રમોશન મળ્‍યું. ‘એમએમ’ માંથી હું હવે ‘જીએમ’ બન્યો. ‘જનરલ મેનેજર’. જૂના જનરલ મેનેજર કોઈ બીજી કંપનીમાં જતા રહ્યા હોવાથી જગ્યા ખાલી પડી હતી. બહારની કોઈ વ્યક્તિને એપૉઈન્ટ કરવાને બદલે તે જગ્યા પર મારી પસંદગી થઈ.

મારી કૅબિન બદલાઈ ગઈ છે. હવે સાંકડી કૅબિનમાં ‘ઍન્યુઅલ માર્કેટીંગ ચાર્ટ’ પર લાલ-લીલી સ્કેચપેનથી ઊંચાનીચા લીટા દોરવાને બદલે, વિશાળ આલીશાન કૅબિનમાં ખરેખર કિંમતી એવા ટેબલ-ખુરશી, કારપૅટ, નકશા અને ચાર્ટ્‍સમાં હું ખોવાઈ જાઉં છું.

હવે મારો અંગત પટાવાળો છે. અંગત સેક્રેટરી છે. મારી કૅબિનના બારણા પર હવે પિત્તળની તકતી લાગેલી છે. ‘મી. પાર્થ મહેતા, જનરલ મેનેજર’.

ઑફિસમાં બધાં જ કર્મચારીઓ હવે મને ‘સર’ કહે છે. હું સવારે અગિયાર વાગ્યે ઑફિસમાં પ્રવેશું છું, ત્યારે બધાં ‘ગુડ મોર્નિંગ સર’નું ફાંકડું સ્મિત હોઠ પર ચિટકાવી લ્યે છે. હવે આખી ઑફિસની જવાબદારી મારા પર છે. ક્યારેક સાંજના પાંચને બદલે સાત વાગ્યે ઑફિસનાં બારણાં પટાવાળા પાસે બંધ કરાવી, ચાવી કોટના ખિસ્સામાં મૂકી, મારી કારમાં હું ઘેર જાઉં છું.

હા, યાદ આવ્યું. હવે મેં કાર ખરીદી છે, કંપનીની લોનથી. સવારે સાડાદસ વાગ્યે મારી કાર લઈને હું નીકળું છું. હવે કોઈપણ અપવાદ વિના શાર્પ અગિયાર વાગ્યે, થ્રી-પીસ સૂટ અને લેધર શૂઝમાં ઑફિસમાં હું હાજર હોઉં છું.

સાંજે ક્યારેક પાંચ, છ તો ક્યારેક સાત વાગ્યે હું ઘેર જાઉં છું. સિત્તેર, એંસી કે નેવુંની સ્પીડ પર હું કાર ચલાવું છું. શૈલને ફાસ્ટ લાઈફ‍ ગમે છે, એટલે મેં પણ ફાસ્ટ લાઈફ‍ સ્વી છે. શૈલ કહે છે, ‘લાઈફ શૂડ બી એડ્વેન્ચરસ. પછી ભલે…’.

આ મારો દરરોજનો ક્રમ છે. રવિવાર સિવાયનો. રવિવાર મેં મારા કુટુંબ માટે ફાળવ્યો છે. રવિવારે હું  શૈલને કાં તો દરિયાકિનારે લઈ જાઉં છું, અથવા તો થિયેટરમાં. મારી અંગત પસંદ તો એ જ, જૂની જ રહી છે.

ચાલુ કારમાં શૈલ અને મારી વચ્ચેનું અંતર લગભગ દોઢેક ફૂટનું હોય છે. એ ક્યારેય ચાલુ કારમાં મારા ખભે માથું નથી મૂકતી, કારની બારીમાંથી એ રસ્તાઓને કુતૂહલપૂર્વક જોઈ રહે છે, એક બાળકની માફક. હું ચાલુ કારે પણ તેને વારેવારે જોઈ લઉં છું. એક પુરુષની માફક.

એક તરફ શૈલ છે, જનરલ મેનેજરની પોસ્ટ છે અને મારી નવી નક્કોર કાર છે, હું છું…

નથી માત્ર પાંચાલી, છતાં હું સુખી છું.

બીજી તરફ પાંચાલી છે, એની ક્લાર્કની પોસ્ટ છે, એનો બીમાર પતિ છે…

નથી માત્ર હું. અને મેં માની લીધું છે, કે પાંચાલી સુખી છે.

હવે, જરૂર છે એક એવા પાર્થની જે જૂના સ્કૂટર પરની ધૂળ ખંખેરીને તેને ફેરવે. જરૂર છે એક એવા પાર્થની, જે ‘એમએમ’ની ખાલી પડેલી પોસ્ટને સંભાળે, રિવોલ્વીંગ ચેર પાછળ લટકાવેલા ચાર્ટ પર લાલ સ્કેચપેનથી ઊંચાનીચા લીટા દોરે. જરૂર છે એક એવા પાર્થની જે અપરિણીત રહીને એક પરિણીતા, નામે પાંચાલીનો જીવનભર સાથ નિભાવે…

બોલો, છે કોઈ એવો પાર્થ…?

*

ચેસ

(કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૨૦૦૯ની પ્રથમ ૨૧ વાર્તાઓમાં સ્થાન, સંવેદન – મે ૨૦૧૦માં પ્રકાશીત)

નામ સંજય.

નાતે કણબી.

અટક? શાહ કહી શકો, શ્રોફ કહી શકો, દલાલ પણ કહી શકો.

હવે તમે કહેશો કે કણબીમાં થોડી હોય આવી બધી અટકો? પણ તમે કહો એથી કરીને હું કણબી છું એ થોડો મટી જવાનો! ખેડવાનો મારો ધંધો. પણ હું ખેડું છું પૈસો! શાહ થઈને ખેડું, ક્યારેક શ્રોફ થઈને ખેડું. ફાયદો હોય તો શેરદલાલ થઈને પણ ખેડું! સામેવાળા મારા પડોશી સુકેતુની જેમ રાત પડે ચેસ બોર્ડ લઈને બેસવામાં મને કોઈ રસ નથી. આ તે ઉમર છે રમત રમવાની! જેમ નાનપણમાં ઘર-ઘર રમતા હોઈએ અને મોટા થઈને ઘર માંડીએ, એમ નાનપણમાં આપણી કિસ્મતનાં પ્યાદાં-ઊટ-ઘોડા-વજીરને ઓળખી લેવાનાં હોય અને મોટા થઈને પછી સમયને મ્હાત આપીને આપણે આપણી ક્ષિતિજો સર કરવાની હોય!

આ બધી ફિલસૂફી કહો તો ફિલસૂફી અને ડહાપણ કહો તો ડહાપણ, પણ એના જોરે હું એક ઓફિસબોયમાંથી એક ઉદ્યોગપતિ બનવા સુધીના ચઢાણો ચડ્યો છું. સુકેતુના ફ્લૅટની સામેનો ફ્લૅટ અમે લીધો ત્યારે હું એક ઘણો નાનો વેપારી હતો. એ ફ્લૅટમાં અમે પાંચ વર્ષ રહ્યા. પાંચ વર્ષમાં મારું એક મોટું કહી શકાય એવું મકાન બની ગયું. ઘરે ફોર-વ્હીલર આવી ગયું. પત્નીનાં અંગે પ્લૅટિનમનાં બે-ચાર ઘરેણાં પણ શોભતાં થયાં. અને સુકેતુભાઈ ત્યારે પણ ચેસની બાજી બિછાવીને ચેસબોર્ડ પરનાં હાથી-ઘોડા અને વજીરથી હરખાતા અને મૂંઝાતા રહ્યા.

જો કે એક વાત કબુલવી પડશે, કે જેમ હું સુકેતુથી કોઈ દિવસ પ્રભાવિત નથી થયો, એમ નવાઈની વાત એ છે કે મારે ઘરે દિવસે-દિવસે આંખ સમક્ષ દેખાય એમ સમૃદ્ધિ વધતી હોવા છતાં સુકેતુ મારાથી કોઈ દિવસ પ્રભાવિત થયો હોય એવું મને લાગ્યું નથી. અને એટલે જ તો એ યાદ રહી ગયો છેને! બાકી એક મધ્યમવર્ગિયના ફ્લેટની આસપાસ તો બીજા કેટલાયે મધ્યમવર્ગિય ફ્લૅટ હોય. સિતારો ચડતો જુએ ત્યાં બિચારા મસ્કાપાલિશ કરીને પણ સંબંધ વધારવા આતુર. રસની ગંધ આવી નથી ને મધમાખીઓ દોડી નથી! જો કે આમ કહીને મારો આશય મારા બીજા જુના પડોશીઓને નીચા દેખાડવાનો હરગિજ નથી. કેમ કે એમની જગ્યાએ હું હોઉં તો હું પણ એમ જ કરું!

પણ આ સુકેતુ જ્યારે પણ મારા માનસપટ સમક્ષ આવે ત્યારે કોયડો બનીને જ ઊભો રહે! મને મળેલા માણસોમાં આ એક એવો માણસ કે જેના વિશે મારા મગજમાં કંઈ ફિટ બેસતું નથી. આ વિશાળ બંગલાના હિંચકે બેઠો-બેઠો એકલો ઝૂલતો હોઉં ત્યારે સામેના ફ્લેટમાં ચેસ બોર્ડ પર સુકેતુ દેખાય. એકધારી જિંદગી. સંપીલું, અભાવોમાં પણ રાજી રહેતું નાનું ફૅમિલિ. શિક્ષકની નોકરી. સાંજે ચા-પાણી પી, ‘ને કુટુંબ સાથે બેસવું એટલે સુખ! પત્ની પણ એકસરખા સિન્થેટિક સાડલાઓથી રાજી. એનાં છોકરાંઓએ પણ જાણે સહર્ષ સ્વીકારી જ લીધું હોય કે આપણાંથી મેડિકલ-એન્જિનિયરિંગમાં ન જવાય, નંબર ભલેને પહેલો આવતો હોય!

શરૂઆતમાં એમની આવી એકધારી જિંદગી જોઈને મને દયા આવતી. પણ દયા ડાકણને ખાય! બે-ચાર વખત સુકેતુ સાથે હું જરા ચેસ રમવા બેઠો ત્યા એ ભાઈ તો મને ‘ચેક’ આપવા મંડ્યા! ઘરે જઈને મેં મારે પત્ની સુમનને કહ્યું પણ ખરું કે આઠ-બાય-આઠના બોર્ડ પર હાથી-ઘોડા ને ઊંટનાં રમકડાં ફેરવવાં એ જુદી વાત, અને જિંદગીમાં જીતવું એ જુદી વાત. સુમન ત્યારે કહેતી, “એની રીતે તો એ સુખી જ છેને! એ લોકોને એવી પડી છે જરાયે!”

મેં તુચ્છકારથી કહેલું, “શું ખાક સુખી છે?”

“કોઈની સામે ફરિયાદ કરતાં સાંભળ્યા બેમાંથી એકેયને?” સુમને હસીને વાત પૂરી કરેલી.

એના મનમાં શું હશે એ ખબર નહીં. એ તો એવું, કે ભોગવવા ટાણે બધાં તૈયાર, અને પાછું બોલવાનું આવું! સુમનની ઉપેક્ષાને પી જઈને હું તો મારા કામમાં લાગી ગયેલો. પણ એ પછી તો ઘણી વખત મને ઉંઘમાંયે એવું દેખાવા માંડ્યું કે જાણે સુમન ને સુકેતુ ભેગાં મળીને મારી ઠેકડી ઉડાડતાં હોય! શું સુકેતુની સંતોષીવૃત્તિ એને સદા સુખી રાખતી હશે? એની પત્નીને સદા-સુહાગણનું સુખ આપતી હશે?

હવે… આમ જુઓ તો આ બધી જુની વાતો. અમે તો હવે ત્યાં રહેતા પણ નથી. સુકેતુ ત્યાં જ રહે છે. એ જ ફ્લૅટમાં. બે-પાંચ વરસે રંગરોગાન કરાવ્યા કરે છે. કોક બેસતા વરસે આખું ફૅમિલિ આવી ચડે છે. નાસ્તા-પાણી લઈને વિદાય લે છે. હવે એવા એ સુકેતુની પંચાત મારે કરવીયે ન જોઈએ, અને… મને શોભેય નહીં! આતો… થોડા દિવસ પહેલાં નેહાને ત્યાં જમવા ગયો ત્યારે પાછું આખું રીલ ફરી ગયું. બાકી અત્યારે તો મારી પત્ની અને સંતાનો ક્યારના પહોંચી ગયા છે અમેરિકા. હું શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા ને એવા બધા એશિયા અને ઑસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ઊડ્યા કરું છું.

નેટિવમાં પગ રાખવા ખાતર એક ઑફિસ રાખી છે. દસેક જણનો સ્ટાફ પોષાઈ રહ્યો છે એમાં, અને મારું કામ થાય છે.

નેહા અમારે ત્યાં બે-એક વર્ષથી આવી છે. મારી દીકરીની ઉમરની, અને મારી દીકરી જેવી જ ચાલાક-ચબરાક-ચંચળ એટલે એનાંમાં મારું ધ્યાન રહે છે. વચ્ચે એક દિવસ બીજા સ્ટાફ મેમ્બર્સ પાસે રડતી હતી ત્યારે તપાસ કરતાં ખ્યાલ આવેલો કે એના પપ્પાને પેટમાં કંઈક ગાંઠ હતી અને ઓપરેશનમાં પાંત્રીસ-ચાલીસ હજારની જરૂર પડે એમ હતી, એ વખતે હું જાતે તેના ઘરે જઈને પચાસ હજાર આપી આવેલો, અને નેહાને પ્રમોશન આપી થોડી જવાબદારીઓ વધારવાને બહાને પગારમાં  હજાર જેટલો વધારો કરી આપેલો. એ પછી નેહાના પપ્પા સરસ રીતે સાજા થઈ ગયા ત્યારે એમણે જમવાનું આમંત્રણ આપેલું. એ રાત્રે આઠેક વાગે હું એમના ઘેર પહોંચ્યો ત્યારે એમનું મધ્યમવર્ગીય મકાન કૃતજ્ઞતાભર્યા આવકારથી ચમકતું હતું.

મહિનો એપ્રિલ હતો. વાતાવરણમાં ગરમી હતી અને વરસોથી એ.સી.માં રહેવાને કારણે હું લાંબો સમય ગરમીમાં બેસી શકતો ન હતો. ગરમીના વિચારોમાં હું જમ્યા વીના નીકળી જવા માટે મનમાં પ્લાન ગોઠવતો હતો, ત્યાં નેહાએ કહ્યું, “ચાલો, અગાસીમાં જમશું, બહુ મજા આવશે. બહાર સરસ પવન છે.”

અગાસીમાં ગયાં. જમવા બેઠાં. જમવાનું એમના ગજા પ્રમાણેનું હોવા છતાં કાળજીથી બનાવેલું હોઈને અત્યંત સ્વાદિષ્ટ હતું. એમાં એમનો આગ્રહ ભળ્યો અને અગાસીનો કુદરતી પવન ભળ્યો. મારાથી બોલાઈ ગયું, “તમારે તો અહીં કુદરતી એ.સી. છેને કંઈ, વાહ!”

પેલી ચબરાક નેહા તરત જ બોલી ઊઠી હતી, “કુદરતી એ.સી.? એવું કેવી રીતે કહી શકાય? સાહેબ તમે જ કહો, પહેલાં કુદરતે ઠંડક બનાવી કે માણસે પહેલાં એ.સી. બનાવ્યું? અમારે ઘેર કુદરતી એ.સી. છે એવું નથી સાહેબ, આપણી ઑફિસની ટાઢક કૃત્રિમ છે.”

વાતને ત્યારે તો હસવામાં કાઢી નાખી, પણ મને એ રાતે ઊંઘ ન આવી. હુંયે સમજું છું, કે નેહા મારી એમ્પ્લૉઇ છે એટલે એ કાંઈ એમ તો ન જ કહે કે સાહેબ તમારા ઘરની શિતળતા કૃત્રિમ છે! એમાં પાછા આ સુકેતુના વિચારો ભળ્યા. અમે અમેરિકા પહોંચી ગયા હતા અને સુકેતુ અહીંયા રહેતો હતો, એટલે શું સુકેતુ દુઃખી અને અમે સુખી?

મારા પૌત્રનું એક્સીડન્ટમાં અવસાન થયું, ત્યારે મારી સંપત્તિ એને ક્યાં બચાવી શકી હતી? ને તોયે સુકેતુ દુઃખી અને હું સુખી?

નાના-મોટા ખટરાગ તો અમારા ઘરમાંયે ચાલે છે, સુકેતુના ઘરમાંયે ચાલતા હશે. પણ એના ચહેરા પરના સંતોષનું શું? અત્યારે ઘરનાં બધાં અમેરિકા છે, હું એકલો અહીંયા છું. મોટો બંગલો, મોટું કંપાઉન્ડ, મોટા રૂમ, મોટો બાગ અને નોકર-ચાકર… આ બધું મળીને મને જાણે એકલો પાડવા મથતાં હોય એવી વિચિત્ર લાગણી કેમ થયા કરે છે?

ભલે આખી રાત ઊંઘ ન આવી, પણ હવે આ નક્કી કર્યું. આવતીકાલથી અઠવાડિયાની છુટ્ટી. પહોંચી જાઉં ક્યાંક હિલ-સ્ટેશન પર. રહું એક મધ્યમવર્ગીય સામાન્ય માણસની જેમ. ચાખી લઉં એમનાં સુખો પણ…!

*

અઠવાડિયું થવા આવ્યું મનાલીમાં આવ્યે. મધ્યમવર્ગીયની જેમ નક્કી કર્યાં પછી એટલી છુટ રાખેલી કે દિલ્હી સુધી ફ્લાઈટમાં પહોંચવું. દિલ્હીથી ચંદીગઢ અને ચંદીગઢથી મનાલી બસમાં. બસમાં બેઠો ત્યાં કોઈ જાણીતું બસમાં બેઠુ હોય એવો અહેસાસ થયો. કંપની મળી જશે એ હાશકારા સાથે એ જાણીતાને ઓળખવા મથતી આંખો બસમાં ફરી વળી, પણ કોઈ જણાયું નહી! એક-એક ચહેરા પર ફરી વળવા છતાં કોઈ જાણીતું દેખાયું નહીં, તો પછી એ અહેસાસ…

ઘણા વર્ષો પછી આવી નિરાંત લઈને નિકળ્યો હતો. નક્કી કર્યું હતું કે આંખ, કાન અને હૃદય ખુલ્લાં રાખીશ; મગજ બંધ. આ મગજ બંધ રાખવાની ખૂબ મજા પડી.

પ્રવાસ તો મેં ક્યાં ઓછા કર્યા છે. ફૅમિલિ સાથે ખૂબ ફર્યા છીએ. સ્વિટ્ઝરલૅન્ડ જેવું સ્વિટ્ઝરલૅન્ડ જોઈ નાખ્યું છે! પણ હવે ખ્યાલ આવે છે, કે અમે ખરેખર જોઈ નાખ્યું જ છે, નિહાળ્યું નથી!

આ પહેલીવાર હું નદીના ધવલ જળને આંખોથી પી રહ્યો છું. ગાતાં ઝરણાં, ઘોષ કરતા ધોધ, આકાશને અડીને પૈસાદાર થવા માગતાં શિખરો, કંપનીના ચેરમેન જેવું ગરિમાભર્યું આકાશ, વ્હાઈટ કોલર જોબ જેવો સફેદ બરફ! આ બધું હું પહેલીવાર  નિહાળી રહ્યો છું. કેડી પરથી ઊતરતાં ઘેટાં અને એની પાછળ દોડતી હિરોઇનો તો ફિલ્મોમાં બહુ જોઈ, પણ પહાડી કન્યાનું સૌંદર્ય આ પહેલીવાર મનમાં વસ્યુ!

બુકિંગ વગર આવ્યો’તો એટલે થોડું અડવું તો લાગ્યું. પણ મધ્યમવર્ગીય હોટલ શોધીને પહોંચી ગયો રૂમ બૂક કરાવવા. મેળ પડ્યો નહીં, પણ પૂછતાં-પૂછતાં એક જગ્યાએ રૂમ મળી. ભાડું અઢીસો રૂપિયા. તેની જોડે કચકચ કરીને સવા બસ્સો કરાવવામાં બહુ રમુજ પડી. પણ રૂમમાં પ્રવેશતાં જ રમુજ એક તરફ રહી ગઈ.

રૂમ મને ખાસ જચી નહીં. બહુ નાનકડી રૂમ. ગેલેરી ખરી, પણ ગેલેરીમાં ઊભા રહો, ‘ને રોહતાંગના શિખરો દેખાય એ પહેલાં તો માળા જેવાં મકાનો આંખમાં વાગે. મને વિચાર આવ્યો કે ગેલેરીમાં ઊંચું ટેબલ રાખ્યું હોય તો કદાચ હિમશિખરો દેખાય! પછી મેનેજર સાથે વાત કરીને પાંચમે માળે અગાસીમાં જવાની પરમિશન લીધી, મજા આવી!

આ બધી લમણાફોડ કરવા સમયે પણ પેલો કોઈ જાણીતી વ્યક્તિ સાથે હોવાનો અહેસાસ સતત સાથે રહેતો હતો. બધી જ હોટેલોમાં કોઈ ને કોઈ જાણીતું હોય જ એવું બને તો નહીં જ અને ધારી-ધારીને જોવા છતાં કોઈ જાણીતું દેખાતું ન હતું!

બીજે દિવસે જરા શરદી જેવું લાગતું હતું. પહેલાં તો વિચાર્યું, કે કોઈ સારો ડૉક્ટર શોધું. પણ પછી કૉમનમૅનની જેમ પુછતો-પુછતો સરકારી દવાખાને પહોંચ્યો. મને હતું કે અનુભવ બહુ સારો નહીં રહે. પણ પડશે એવા દેવાશે, એવું વિચારીને કેસ કઢાવ્યો. તો ઊલટું એ લોકો તો કોઈ ટુરિસ્ટને તકલીફ છે એમ જાણી વધારે કો-ઑપરેટ કરવા લાગ્યા. તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કહે, “ગુજરાતી છો?” એમના લહેકા પરથી મને લાગ્યું કે એ પંજાબી હોવા જોઈએ.

“હા. ગુજરાતી ઓળખાઈ જ જાય.” મેં કહ્યું

ડૉક્ટર કહે, “હું તો ઓળખી જ જાઉં. પણ અહીંયા મારે મારા આ વ્યવસાયને કારણે બહુ ગુજરાતીઓને મળવાનું થતું નથી.”

મેં તરત જ પકડ્યા, “તો પછી આટલું સરસ ગુજરાતી કઈ રીતે બોલો છો?”

ડોક્ટરે ઊભા થઈને મારો હાથ પકડી લીધો. “હું બરોડામાં ભણ્યો છું.”

“અરે!” મારાથી બોલાઈ ગયું. “બરોડામાં ભણ્યા પછી સારું કમાઈ શકાય એવી જગ્યાએ રહેવાને બદલે તમે અહીયા પડ્યા છો?”

ડોક્ટરે મારો હાથ છોડી દીધો. “તમને સમય હોય તો દસેક મિનિટ બેસો. બે કેસ છે, હું પતાવી લઉં પછી આપણે વાત કરીએ…”

દવાખાનાની પરસાળમાં દરદીઓ અને સ્ટાફની ભરમાર વચ્ચે મારી આંખો હજી પણ પેલા અહેસાસના માણસને પકડી પાડવા મથતી હતી. કોણ આવી રમત કરી રહ્યું હતું મારી સાથે! સમજાતું ન હતું…

વીસેક મીનીટ પછી ડૉક્ટર ફ્રી થયા. અને તરત જ બહાર આવી મારી સામે હસીને બોલ્યા. “શું, તમે તો ધંધાના કામે આવ્યા હશો નહીં?”

મેં કહ્યું, “અરે હોય! અહીં ધંધા કેવા? આ તો થોડા કુદરતી શ્વાસ કમાઈ લઈએ.”

“બસ તો પછી. મારે તો અહીં બારે માસ ને શ્વાસેશ્વાસ, કુદરતની કમાણી છે. હું શા માટે ખોટ ખાઉં.”

અચાનક બધા પડદાઓ હટી ગયા. પેલો જાણીતો માણસ અચાનક જાણે સામે આવીને ઊભો રહી ગયો હોય એમ મન તૃપ્ત થઈ ગયું. “ઓ… હો… એમ કહે ને ભાઈ સુકેતુ, કે તું જ સતત ચાલી રહ્યો છે મારી સાથે છેક દિલ્હીથી!”

હું ઊભો થયો. ડૉક્ટરનો હાથ મારા બે હાથ વચ્ચે ઉષ્માથી દબાવી, મનમાં સલામ કરી નીકળી ગયો.

*

ચાલવાની બહુ મજા આવે છે. ખભે બગલથેલો. એકાદ બૉટલ પાણી, એકાદ વેફરનું પડીકું. બે પગ અને અલ્લાબેલી! અને છતાંયે સુકેતુ તો મારી ચારે કોર ચાલ્યો જ આવે છે… ચલાય એટલું ચાલ્યા કરું છું અને ન ચલાય તો પણ ચાલતો રહું છું. હિમાચલમાં એક સુખ છે. હાથ ઊંચો કરો એટલે બસ ઊભી રહે. સ્ટૉપ હોય તો પણ, ન હોય તો પણ! હું ખરો બિઝનેસમૅન હોઉં તો આનો ફાયદો કેમ ન ઊઠાવું?

ચાલ્યા કરું છું. સૌંદર્યોને પીધા કરું છું. નિકોલસ રોરિકનું ચિત્રોનું મ્યુઝિયમ જોયું. ચિત્રોને પહેલી વાર ધ્યાનથી જોવાના રોમાંચનું સુખ જમા બાજુ નોંધ્યું. વિશિષ્ટ બાંધણીવાળા ‘નગર’ના મકાનોના ફોટોગ્રાફ લીધા. એક બાજુ ખીણ અને એક બાજુ પહાડ. વચ્ચે આપણે મસ્તરામ! આ બધી જ જગ્યાઓએ હું પહેલાં પણ ફરી ચૂક્યો છું, પણ મારમાર જતી ભાડાની ટેક્સીના બંધ કારની આરપાર આ સૌંદર્યનું એક ટીપું પણ હૃદયને સ્પર્શી શક્યું ન હતું. આ વખતની વાત જ જુદી હતી!

મને યાદ આવ્યું કે વર્ષો પહેલાં અમે મનાલી આવ્યાં હતાં ત્યારે બાજપાઈજી રજાઓ ગાળવા મનાલી આવવાના હતા. ત્યારે અમે બધાં અંદર-અંદર વાતો કરતાં હતાં, કે એમને શી ખોટ છે, કે આનાથી કંઈક ચડિયાતા સ્પોટ છોડીને અહીંયાં રજા ગાળવા આવે છે? અને ત્યારે મેં જ કહેલું, કે કવિ ખરાને! કવિની દોટ મનાલી સુધી.

એ પછી તો એય ખબર પડેલી કે અહીંના જ એક ગામ પરિણીમાં કવિએ એક મકાન રાખ્યું છે. ત્યારે થયેલું, કે આ કહેવાય કંઈક લાંબી બુધ્ધિની વાત. પણ પછી વળી ખબર પડેલી કે મકાન તો બહુ નાનું છે. દિવાનખાનામાં શેટી છે. ટાઈલ્સની જગ્યાએ સિમેન્ટ છે. ત્યારે જ હું ફરીથી બોલી ઊઠેલો, “કવિ ખરાને!”

આજે પરિણી જઈને કવિ ત્યાં હોય તો તેમને મળવાની અને પગે લાગવાની ઈચ્છા હતી. પણ કવિ અહીં નથી એટલે આજે સોલાંગ જઈ આવું.

મનાલીથી સોલાંગનો રસ્તો ઊંચા ચઢાણવાળો છે. ચાલતાં-ચાલતાં થોડીવારમાં ગળે શોષ પડે. હાંફ ચડવા મંડે. અડધેથી બંદા ચડી બેઠા બસમાં!

અહીંયા પૅરાગ્લાઈડિંગની સગવડ છે. કેમ કે સોલાંગ જાણે નાની-નાની ટેકરીઓ વચ્ચેનો એક ટાપુ છે. પહાડી હવા છે. અને લોકો ખૂબ હોંશે-હોંશે એક ટેકરીથી બીજી ટેકરી વચ્ચેનું પૅરાગ્લાઈડિંગ માણી રહ્યા છે. પણ મારે શી જરૂર છે પૅરાગ્લાઈડિંગ કરવાની? વગર પૅરાશુટે, ને વગર હવાએ મારું મન આનંદમાં તરતું થયું છે. પેલા મારા ભાઈબંધ સુકેતુની માફક.

એક ટેકરી પર હું ઊભો છું. મને લાગે છે કે મારી શ્વેત લાંબી દાઢી હવામાં ફરફરી રહી છે. મારો શ્વેત ડગલો અને શ્વેત લુંગી પણ હવામાં ફરફરી રહ્યા છે. ટેકરી પરથી મનાલી શહેર સુધીનો રસ્તો તુટક-તુટક દેખાઈ રહ્યો છે. બિયાસનો ધવલ પ્રવાહ અને રોહતાંગના હિમશિખરો… બધા જાણે મારી સાથે ગોઠડી માંડવા સ્પર્ધામાં ઊતર્યા છે એવાં જાત-જાતનાં ગુમાન મનમાં ઊગતાં અને શમતાં રહ્યાં. એક બાર-તેર વર્ષની છોકરી આવીને પૂછી રહી છે, “ચને ખાયેંગે?”. મેં હા કહી એટલે ‘બાપુ-બાપુ’ કે એવું જ કહીને દોડી અને ચણા વેચતા એના બાપને બોલાવી લાવી.

મેં પૂછ્યું, “ગરમ હૈ?”

“હા સાબ.”

ચણા લીધા. એક ચણો મોમાં મૂક્યો. ઠંડો ગાર! ઠંડીમાં ઓર ઠંડી ચડી જાય એવો. સામાન્ય સંજોગોમાં હું છેતરાવાનું પસંદ ન કરું, પણ સામે પેલી છોકરી ઊભી હતી; વાળ ઓળ્યા વગરની, લઘરવઘર. ઠંડીમાં ચણા વેચવા શી ખબર ક્યાંથી આવી હશે! નજીકમાં તો અહીં ઝુંપડાં પણ દેખાતાં નથી. મેં પચાસની નોટ કાઢી. છોકરી જરા રંજ ભર્યું બોલી. “છુટ્ટા નહી હૈ સાબ.”

શી ખબર કેમ, પણ બોલાઈ ગયું મારાથી, કે “રખ લો. સમજના કી મામાને દીયે થે.”

છોકરી ઘડીક લોભવશ પચાસની નોટ સામે, ઘડીક શંકાથી મારી સામે અને ઘડીક મુંઝવણમાં એના બાપ સામે જોઈ રહી, અને પછી હાથમાંથી નોટ ખેંચીને ભાગી. મજા પડી!

પાંચ વાગ્યા છે. મનાલી અહીંથી તેર કિલોમીટર. ચાલતા નીકળું તો રાત પડતાં પહેલાં પહોંચું કે નહીં તેનો વિચાર મનમાં ઘોળાઈ રહ્યો છે. હવે તો ઢાળ ઊતરવાનો જ છે. જો કે સાંકડી સડક, એમાં એક બાજુ ટેકરીઓ અને બીજી બાજુ ખીણ!

બસ તો છ વાગ્યે આવવાની જ હતી, પણ હવે મને પગપાળા ચાલવાના આનંદની ખબર પડી ગઈ હતી. ચાલવાનું શરું કર્યું. થોડું ચાલ્યા પછી ચલાતું ન હતું, દોડાઈ જતું હતું. ઘેટાના એક રખેવાળે મને ઊભો રાખ્યો, “સાબ જી, મત જાઈયે, ગીર જાયેંગે.”

હું ત્યાં જ ઊભો રહી ગયો. ખીણ પર અંધકાર ઊતરી ગયો હતો. ઠંડી વધી રહી હતી. આમ તો ભય લાગે એવું વાતાવરણ હતું. પણ મારા મનની હાલત હુંયે ન સમજી શકું એવી વિચિત્ર હતી. મન ભયભીત થવાને બદલે આનંદ અને પરમાનંદના ઘાટ વચ્ચે સંતાકુકડી રમી રહ્યું હતું

પાછળથી બસ આવીને ઊભી રહી ત્યારે ખબર પડી. “બાબુજી બૈઠ જાઈયે”. બસ આખ્ખીયે હકડેઠઠ્ઠ ભરેલી હતી. ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. છાપરા પર પણ આઠ-દસ જણ બેઠેલા હતા.

“સાબ ઊપર ચલે જાઈએ.” કંડક્ટર બોલ્યો. છાપરા ઊપર ચડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બીક લાગે એવું તો હવે હતું! આટલી સાંકડી સડક પરથી વારે-વારે વળાંક લેતી બસ સહેજ જ ચૂકે તો શું થાય એ અંદર બેઠા ન સમજાય, પણ છાપરા પરથી તો બરાબર સમજાય! તે છતાં લોકો ઊપર બેઠા હતા. એ બધાયે કંઈ બિન્દાસ નહીં હોય! પરીવારની જવાબદારી હશે. પણ આ જ જિંદગી હતી, તો પછી મૃત્યુની બીક પણ શા માટે રાખવી! હું એમના જેવી જ બેફિકરાઈથી એમની સાથે બસના છાપરા પર બેઠો રહ્યો. જીવનને ચાહતો અને છતાં મૃત્યુથી બેપરવાહ! આજુબાજુ જોયું. આટલા દિવસ જોયું જ હતુંને આજુબાજુ! પણ અત્યારે સાંકડી સડક પર ચાલતી બસના છાપરા પરથી જોયું. નજર નોંધીને જોયું. મનાલી નજીક આવતું જતું હતું.

બે માળનું એક મકાન દેખાયું. સળંગ બે માળની ઊંચી ભીંત પર ગુલાબનો વેલો ચડેલો હતો. અને ભીંત આખી લીલાં પાન અને લાલ ગુલાબોથી ઢંકાઈ ગઈ હતી. કાલે અહીંથી જવાનું છે. બસ ખીણમાં ગબડી પડે તો અત્યારે પણ જવાનું થાય. ઠીક છે, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર…

રાત પડી ગઈ છે. તારાઓએ એમના ઝબૂકિયાં બતાવવાનું શરું કરી દીધું છે. છાપરા પર બેઠેલા એક સહયાત્રીએ ટેપ કે પછી રેડિયો ચાલુ કર્યો છે. ભજન સંભળાય છે, સુનતા હૈ ગુરુ ગ્યાની… ગગન મેં આવાઝ હો રહી ઝીની ઝીની ઝીની ઝીની… અવાજને હું પકડું, ડૂબું, તરું, એ પહેલાં મનાલીની લાઈટો દેખાવી શરુ થઈ ગઈ છે. હવે આ બધી ઝાકઝમાળમાં મારે ગગનના અવાજો ઝીલી-ઝીલીને સાંભળવા છે. રૂમની બારીમાંથી રોહતાંગના શિખરને જોવા મથવું છે. રાતના અંધકારમાં મારે નિકોલસ રોરિકની ચિત્રાવલીઓના રંગોને ઓળખવા છે…

અને… અને પાછા પહોંચીને એક વાર સુકેતુ સાથે ચેસ પણ રમવું છે.

*

%d bloggers like this: