બાળસાહિત્યમાં પ્રકાશનના પડકારો

બાળસાહિત્ય અકાદમીના પંદરમા અધિવેશન વેળાએ વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે આપેલું વક્તવ્ય (તા. ૧૧.૦૧.૨૦૧૫)
(બાળસાહિત્ય અકાદમીની પુસ્તિકા ૪૨-૪૩-૪૪માં પ્રકાશિત)

બાળસાહિત્ય અકાદમી દ્વારા મને આ વિષય સોંપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તો મને એ સમજાયું ન હતું, કે આ વિષયમાં હું કેટલુંક અને કેવુંક બોલી શકીશ! પરંતુ ઈન્દોર ખાતે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં બાળસાહિત્યનું સરવૈયું રજુ કરવા માટે હું તૈયારી કરી રહી હતી, ત્યારે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંથી પસાર થવાનો અવસર, કહો કે સદ્ભાગ્ય મને મળ્યું. એ પુસ્તકોના વાચન દરમ્યાન મારા આજના આ વક્તવ્યની ભૂમિકા પણ સમાંતરે જ તૈયાર થતી ગઈ. બાળસાહિત્યના પ્રકાશનની સામેના પડકારો અંગેના મોટાભાગના મુદ્દાઓ બાબતે મારા મનમાં જે અવઢવ હતી, તે આ પુસ્તકોમાંથી પસાર થતી વેળાએ દૂર થતી ગઈ, અને તેની સાથે બીજો એક અન્ય મુદ્દો જોડતાં, મને લાગે છે કે આ મુદ્દે વાત કરવા માટે હું કદાચ યોગ્ય વ્યક્તિ જ છું! અને આ બીજો મુદ્દો તે એ, કે અમારાં આજ સુધીનાં બધાં જ પુસ્તકોનું પ્રકાશનકાર્ય અમે જાતે, અને તે પણ વીના વિઘ્ને પૂરું કર્યું છે.

અમારાં અને અન્ય મિત્રો સહિત કુલ દસેક પુસ્તકોની પ્રકાશન વ્યવસ્થા જાતે સંભાળ્યા પછી, પુસ્તક પ્રકાશનના અનેક મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા હતા, જે અમને સમસ્યારૂપ લાગ્યા હતા. પરંતુ તે પછી બાળસાહિત્યનું સરવૈયું લખતી વેળાએ મળેલાં પુસ્તકો વાંચવાના અનુભવે મને લાગ્યું છે, બાળસાહિત્યના પ્રકાશન ક્ષેત્રે ખરેખર તો કોઈ પડકાર છે જ નહીં. ખરેખર, કોઈ જ પડકાર નથી આ ક્ષેત્રે! બહુ જ સ્વાયત્ત ક્ષેત્ર છે આ તો! મને મળેલી યાદી મૂજબ, ૨૦૧૨-૧૩ના બે વર્ષ દરમ્યાનમાં જ આ વિષયનાં લગભગ ૩૫૦ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં અને તે પણ ૩૨ જેટલા વ્યાવસાયિક અને ૩૦ જેટલાં અંગત પ્રકાશકો દ્વારા, (અંગત પ્રકાશકો, એટલે કે જેમાં પ્રકાશક તરીકે લેખકનું ખૂદનું નામ હોય). હવે વિચાર કરો, બાળવાર્તાનાં ૧૮૪, બાળગીતોનાં ૫૦, સંદર્ભ સાહિત્યનાં ૪૭, નાટકનાં ૧૧, નવલકથાનાં ૩ અને જીવનચરિત્રનાં ૫૩, એમ બાળસાહિત્યનાં કુલ ૩૪૮ પુસ્તકો આ ૬૧ પ્રકાશકોએ મળીને બે વર્ષમાં પ્રકાશિત કર્યાં હોય એ શિષ્ટસમાજમાં, અને ખાસ કરીને એમાંનાં જ બાળસાહિત્યકારોની હાજરીમાં, બાળસાહિત્યના પ્રકાશનની સામે કોઈ પડકાર હોવાની વાત હું કયા મોઢે કહી શકું, અને તમે કયા કાને સાંભળી શકો! કોઈ પડકાર હોત, તો આટલાં પુસ્તકો પ્રકાશિત થયાં કઈ રીતે હોત?

ઉલટું, હું તો ગણાવવા માગું છું, કે બાળસાહિત્યનું પ્રકાશન કેટલું સરળ બની ગયું છે આજકાલ! એક સમય હતો કે જ્યારે, ગીજુભાઈ બધેકા કે જગદીપ વીરાણી જેવી બાળકોની નાડ પારખી શકતી કલમોને જ, કે પછી આખી જિંદગી બાળસાહિત્યની સેવા માટે ખરચી નાખનારા યશવંતભાઈ જેવા આજીવન ભેખધારીઓને જ પ્રકાશકો ભાવ આપતા હતા. પરિસ્થિતિ આજે સાવ એવી નથી રહી! આજે તો એક નવોદિત લેખક કે ગીતકાર, કોઈ સ્થાપિત સાહિત્યકાર જેટલા જ હક્ક સાથે પ્રકાશકનો સંપર્ક કરીને પોતાના બાળસાહિત્યનું પ્રકાશન કરાવી શકે છે! હા, પ્રકાશક પાસે જતી વેળાએ આપણી પાસે થોડી ત્રેવડ જરૂર હોવી જોઈએ. આપણે નવોદિત હોઈએ, તો આપણી પાસે પૂરતાં કાવડિયાં હોવા જોઈએ, જે લઈને પ્રકાશક આપણી કલમને પુસ્તકનું સ્વરૂપ આપી દેતો હોય છે. આપણે સ્થાપિત સાહિત્યકાર હોઈએ, તો આપણી પાસે આવનાર નવોદિતોને આપણે કોઈને કોઈ પ્રકાશક પાસે લઈ જઈને આંગળી ચિંધ્યાનું ‘પુણ્ય’ કમાવાનું રહે છે. કેટલા નવોદિતોને લઈ જવાથી સ્થાપિત લેખકનું એક પુસ્તક પ્રકાશિત થઈ શકે, એ ગણતરી અમારા જેવા નવોદિતોને જાણવા મળતી નથી. તેના માટે અમૂક નવોદિતોને પાંખમાં લઈને ‘સ્થાપિતો’ની યાદીમાં જોડાવું પડે, તો ખબર પડે! આમ, ગજવામાં પૂરતાં કાવડિયાં, કે પછી પાંખમાં થોડા નવોદિત લેખકો, આટલી મૂડી ધરાવતા હોય એવા લેખકોના બે વર્ગને આસાનીથી પ્રકાશક મળી રહે છે. રહી વાત સિદ્ધહસ્ત લેખકોની! તો ભાઈ, તમારી કલમ નીવડેલી હોય, કોલેજોમાં તમારા પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે ચાલતાં હોય, પ્રકાશકોને તમારા નામે સિક્કા પડતા હોય, તમારાં ફોટાવાળાં, ગલીપચી કરાવતાં પુસ્તકો યુવકોમાં ચણીબોરની માફક ઊપડતાં હોય, તો-તો તમને ભાઈ રોયલ્ટી પણ મળી રહેવાની!

કોને નડી રહ્યા છે બાળસાહિત્યના પ્રકાશનના પડકારો એ તો જણાવો ભાઈ? અને સવાલ એ થાય છે, કે બાળસાહિત્યના પ્રકાશનની સામેનો પડકાર આપણે કોને ગણીશું?

પ્રકાશકોની ફરમાઈશ મુજબ (લખીને કે સંપાદન કરીને) પુસ્તકોના ઢગલા ખડકી દેનારા વર્ગને તો પ્રકાશનનો કોઈ પ્રશ્ન કે પડકાર નથી નડી રહ્યો! દાખલા આપું? ભુપેન્દ્ર વ્યાસ ‘રંજ’, ‘ગીધ’ નામના બાળકાવ્યમાં “શોધી કાઢી મડદાં, સંપીજંપી સાથે ઉજાણી જાણી કીધ, અમે ગીધ.” જેવું ચીતરી ચડે તેવું “બાળકાવ્ય” લખે, કે પછી સાકળચંદ પટેલ ‘મારી બચુકથાઓ’ પુસ્તકને શીશુકથાઓ ગણાવીને, નાનાભાઈને લેવા માટે દવાખાને જતાં, અને ગરીબીને કારણે ગર્ભપાત કરાવીને પાછા આવતાં મા-બાપની વાર્તા બાળકના મોઢે આલેખે, સેંધાભાઈ રબારી ‘રમ રમ રમ બાલુડા રમ’માં ‘નિરોગી વર્ષની સફળતા’, ‘પ્રજ્ઞા નિશાળે ભણવા દે’, ‘ખેલ મહાકુંભ’, ‘પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, ‘વાંચે ગુજરાત’, ‘સ્વર્ણિમ ગુજરાત’ જેવા કાવ્યો લખીને બાળકાવ્યને સરકારી પ્રચારનો મંચ બનાવે, કે તથાગત પટેલ ‘અમારું છે કોઈ?’ પુસ્તકમાં, મા-બાપને ઘરડાઘરમાં મૂકવાની, ગુટખા-સિગારેટ સામેની કે પિતા દુધના પૈસામાંથી દારુ ખરીદતા હોવાની ફરિયાદો બાળ-કિશોર વાર્તાઓમાં આપે, પરંતુ એમનાં પુસ્તકો પ્રકાશકો દ્વારા પ્રકાશિત થાય જ છે! આપણે માનીએ, કે આપણી સાહિત્ય અકાદમી ગુણવત્તાના આધારે જ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપતી હશે. પણ આવાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ સાહિત્ય અકાદમી આર્થિક સહાય આપે છે, એ કેવી કરૂણતા કહેવાય?

છે કોઈ પ્રકાશનના પડકારો અહીં?

આ લેખકો અને તેમના પ્રકાશકો, આવું બધું આપીને કઈ રીતે બાળકોનું મનોરંજન અને મનોઘડતર કરે છે? અને મને ખાતરી છે, કે આ લેખકોને પ્રકાશનના કોઈ જ પડકારો નડતા નહીં હોય! ઉલટાં, સાહિત્યની ગુણવત્તાને બદલે પુસ્તકોની સંખ્યાના આધારે આવા લેખકોને અને પ્રકાશકોને નવા-નવા મંચ મળતા રહે છે, અને પ્રતિષ્ઠિત મંચો દ્વારા તેમને પુરસ્કૃત પણ કરાતાં જોવામાં આવે છે.

કોને નડે છે આ પડકાર એ તો કહો?

હા એક વર્ગને આ પડકાર નડી રહ્યો હશે. જેમણે પોતાના પુસ્તકોની સંખ્યા નહીં, માત્ર અને માત્ર બાળકોને ધ્યાનમાં રાખીને ગુણવત્તાભર્યું બાળસાહિત્ય રચવું છે, જેને પોતાનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે પ્રકાશકને એક પણ રૂપિયો નથી આપવો, અને સામી રોયલ્ટી માગવી છે, એ વર્ગને પ્રકાશનના પ્રશ્નો જરૂર નડતા હોઈ શકે! એક દાખલો આપું. મારા બાળકાવ્યોના પુસ્તકને અકાદમીનું પારીતોષિક પ્રાપ્ત થયું, ત્યારે એક જાણીતા પ્રકાશકે ફોન કરીને આ પુસ્તકની બીજી આવૃત્તિ કરવા માટે ઑફર આપેલી. અને ફોન પર જ મેં તેમને પૂછેલું કે મને રોયલ્ટી કેટલી આપશો, ત્યારે એમણે બેશરમીથી નન્નો ભણી દીધો હતો. વર્ષ ૨૦૦૭માં અશ્વિનની એક લઘુકથાને, સાહિત્ય પરિષદના જ હોલમાં ‘સાધના’ પારિતોષિક આપતી વેળાએ શ્રી હર્ષદ ત્રિવેદીએ કરેલી ટકોર મને યાદ આવે છે. એમણે કહેલું, કે “આપણે આશા રાખીએ, કે આવનારા વર્ષોમાં લઘુકથાઓનું ચયન બહાર પડે, અને આ વિજેતા લઘુકથાઓને તેમાં સ્થાન મળે”. સાત વર્ષ વીતી થયાં એ વાતને, પણ કોઈ પ્રકાશકે એ પારીતોષિક વિજેતા લઘુકથાઓને કોઈ ચયનમાં સ્થાન ન આપ્યું. વર્ષ ૨૦૦૮માં પ્રકાશિત થયેલા મારા પુસ્તક “વારતા રે વારતા” પુસ્તકને અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૨-૧૩માં પ્રકાશિત “મનપસંદ બાળવાર્તાઓ”ના ત્રીસ પુસ્તકોના સંપાદન સમયે સંપાદક કે પ્રકાશકના ધ્યાનમાં મારી એક પણ બાળવાર્તા ધ્યાનમાં નહીં આવી હોય? એ જ રીતે અશ્વિનના પુસ્તક ‘રખડપટ્ટી’ને પણ ૨૦૦૭માં બાળસાહિત્ય અકાદમી દ્વારા વિજ્ઞાન વિષયક શ્રેષ્ઠ બાળવાર્તાઓનું પારિતોષિક અપાયું હતું. પરંતુ આટલાં વર્ષોમાં આ પ્રકાશકોનું ધ્યાન અમારાં પુસ્તકો તરફ ગયું જ નહીં હોય? કોઈ પ્રકાશક કે સંપાદક, પોતાના સંકલન કે પ્રકાશન કરવાના સમયે અકાદમી, પરિષદ કે બાળ સાહિત્ય અકાદમી દ્વારા નવાજવામાં આવતાં પુસ્તકની યાદી તરફ નજર નાખતા હશે કે નહીં એ જ સમજાતું નથી.

એટલે, કોઈ લેખક મને એમ કહે, કે એણે પોતાના પુસ્તક માટે પ્રકાશકને એક પણ પૈસો નહોતો આપ્યો, તો મારું મન તો તેમની વાત માનવાની ના જ પાડતું હોય છે. પારીતોષિક વિજેતા કૃતિઓના પણ જો આ હાલ હોય, તો પછી અન્ય લેખકોને પ્રકાશકો કઈ રીતે લાભ આપે? હા, લેખક પાસેથી કોપીરાઈટ પડાવી લઈને મામુલી રકમ પકડાવી દેવાના કિસ્સાઓ ઘણા જોયા છે, જેમાં લેખકને આત્મસંતોષ થાય, કે આપણને તો પ્રકાશકે સામેથી રોયલ્ટી આપી છે. પરંતુ કોપીરાઈટના ભોગે મળતી રકમને રોયલ્ટી ગણાવી શકાય નહીં.

એટલે, પ્રકાશનનો પ્રશ્ન કે પડકાર નડે છે પ્રકાશકની ચુંગાલમાં ફસાવા માગતા ન હોય, એવા લેખકોને.

અગાઉ બાળસાહિત્યના મંચ પરથી અને તેની માસિક પુસ્તિકા દ્વારા પણ, ઘણી વખત આ પ્રકારની ચર્ચા છેડવામાં આવી છે, અને મોટા ભાગે કંઈ નક્કર કાર્યવાહી, સચોટ માર્ગદર્શન કે પરીણામોની જાહેર જાણકારી વગર એ ચર્ચાઓ અધૂરી રહીને શમી જવા પામી છે. ત્યારે આ તબક્કે હું પ્રકાશનના અમારા અનુભવો અને રસ્તાઓની વાત ટૂંકમાં અહીંથી કરવા ઇચ્છું છું. હા, એવું બને, કે જુદા-જુદા સમયના અનુભવો દરેક તબક્કે કામ લાગે જ એવું નથી બનતું. જેમ કે, અમારા બંનેનાં પહેલાં પુસ્તક ૬૪ પાનાનાં હતાં. બંને પુસ્તકોને ૨૦૦૭માં અકાદમી તરફથી પાંચ-પાંચ હજારની સહાય મળી હતી. અમારા ગામના હિતેચ્છુઓએ અમને સલાહ આપી હતી, કે “આવો, ફલાણા કે ઢૂંકણા પ્રકાશ પાસે જઈએ, પાંચ હજાર એમને આપી દેવાના, તમારા નામે પુસ્તક એ કરી આપશે.” પહેલા પચીસ અને પછી પચાસેક કોપીની લાલચ, અકાદમીની ૧૫ કોપી પણ પ્રકાશ જ મોકલી આપે… વળી પ્રકાશકને કારણે તમારાં પુસ્તકોનો ફેલાવો પણ બહુ થાય… વગેરે, વગેરે…

પરંતુ અમે એ જાળમાં ન આવ્યાં. ઘરના કોમ્પ્યુટર પર જ અમે એ પુસ્તકો જાતે ટાઈપ કરીને તૈયાર કર્યાં, ઇન્ટરનેટ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થઈ શકે તેવાં, અને બજારમાંથી થોડા પૈસા ખરચીને ચિત્રોની સીડી ખરીદીને ચિત્રો એકઠાં કર્યાં, અને અકાદમીની પાંચ હજારની સહાય સામે બીજા પાંચ હજાર ખરચ્યા. બદલામાં એક ઓફસેટ પ્રિન્ટરે અમારા બંને પુસ્તકોની પાંચસો-પાંચસો નકલો અમારા હાથમાં મૂકી. માત્ર દસ રૂપિયામાં એક નકલ પડી હતી અમને! આજે ગણવા જઈએ તો કાગળ અને પ્રિંટિંગના ભાવો વધ્યા હોવાને કારણે નકલ થોડી મોંઘી પડે. નકલ દીઠ ટપાલટીકીટના બીજા પાંચ રૂપિયા ખરચીને અમે એ પાંચસોએ પાંચસો નકલો એવા હાથમાં મૂકી જેઓ એ પુસ્તકોનાં ખરા હકદાર હતા! અને એ હાથ હતા બાળકોના! એમાં ઝૂંપડપટ્ટીની શાળાનાં એવાં બાળકો પણ સામેલ હતાં જેમનાં મા-બાપ ક્યારેય પૈસા ખરચીને પોતાના બાળકોને બાળસાહિત્યનું પુસ્તક અપાવવાનાં ન હતાં. આ હતી અમારી ખરી કમાઈ અમારા પ્રકાશનના ધંધામાં! અને તો પણ અમે ખોટમાં નહોતા ગયા. પાંચ હજાર રૂપિયા પ્રકાશકને આપીને પચીસ-પચાસ નકલો લઈને અમે કરવાના શું હતાં એ નકલોનું?

એ પછી પણ અમે અમારાં ત્રણ પુસ્તકો જાતે પ્રકાશિત કર્યાં, અને અમારા અન્ય લેખક મિત્રોનાં પણ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરવામાં મદદ કરી. એકંદરે પ્રકાશક તરીકેનો અમારો અનુભવ એકદમ સુખદ અને સંતોષપ્રદ રહ્યો છે. અને અનુભવે આજે અમે એટલાં સમૃદ્ધ થયાં છીએ, કે આજે આ મંચ પરથી અહીં બેઠેલા લેખક મિત્રો વચ્ચે એ અનુભવ ટાંકીને સ્વપ્રકાશનનું બીડું ઝડપવા માટે આગ્રહ કરી શકીએ તેમ છીએ. લેખક મંડળમાં ફોન કરશો એટલે અમારો ફોન નંબર તમને મળી રહેશે, અને અમને ફોન કરશો, એટલે તમારું પુસ્તક તમે કઈ રીતે જાતે, સરળતાથી, પ્રકાશિત કરી શકો તેની વિગતો અમે તમને જણાવીશું અને અમારાથી શક્ય એટલી સહાય પણ કરીશું.

બાળસાહિત્યના પ્રકાશનના માર્ગ બહુ જ સરળ છે. એક, કાં તો પચીસ-પચાસ હજાર રૂપિયા ગુંજામાં રાખો. બે, પાંચ-દસ નવોદિતોને પાંખમાં લઈને એમના પચીસ-પચાસ હજાર રૂપિયા કોઈ પ્રકાશકને અપાવો, અને ત્રણ, સ્વપ્રકાશનનો માર્ગ અપનાવો.

બોલો, છે કોઈ પડકાર બાળસાહિત્યના પ્રકાશનની સામે? મંચ હજી ખૂલ્લો જ છે.

*

Advertisements

રાત વરસાદી હશે!

-મીનાક્ષી ચંદારાણા (ઉદ્દેશ)

વાત બહુ સીધી હશે, સાદી હશે,
કાં હશે ખુરશી, નકર ગાદી હશે.

સાદગીના બે જ લક્ષણ રહી જશે,
ટ્રસ્‍ટની ગાડી હશે… ખાદી હશે.

શાસ્ત્રના શસ્ત્રોથી શારી નાખશે,
છાવણી આખીયે મરજાદી હશે.

આંસુ તો બિનસાંપ્રદાયિક થઈ જશે.
આંખ કટ્ટર ભાગલાવાદી હશે.

એ ભલા હોતા હશે દોષીત કદી?
એ બને, કે રાત વરસાદી હશે!

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી

-અશ્વિન ચંદારાણા

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી,
તું મને ત્યાં કેમ ના લઈ જાય બેલી!

બાગ હું તારો, ને તું મારી હવેલી,
છેલ હું તારો, ને તું મારી સહેલી!

હું નીકળતો, બંધ કરતી’તી તું ડેલી,
હોઠ કરડી, હાય તું કેવી હસેલી!

ભાગ્યશાળી ઝાલશે તારી હથેલી!
રેશમી, પોપટ ભરેલી એક થેલી!

કેળ જેવી કેડ લઈ ઊભી અઢેલી!
આમ્રવૃક્ષ ઊપર વિંટાતી એક વેલી!

આમ જો, સામી ચડી આવે છે હેલી,
આટલી તું કાં રહે શરમાઈ, એલી!

મેં તને ઓઢી, હુંફાળી શાલ ઠેલી,
બેશરમ, પહો ફાટતી કાં આમ વ્હેલી?

એકલો હું આઠઆની, તું અધેલી,
બે મળીને ચાલ, શીખી લઈએ કેલી.

અહીંથી ગયા એ રણ તરફ (એક મલંગનાં મરશિયાં)

એક ફીનીક્સ
નામે શિવકુમાર,

એની આ રાખ
અમે એકઠી કરીને મૂકી છે તમારી સામે,

જો ન કરત અમે એવું,
તો પણ
રાખમાંથી શિવકુમાર ઊભા થવાના જ હતા.

પરંતુ,

આપ સહુ જોઈ શકો,
જોઈને આપની શ્રદ્ધા બંધાય,
કે ભૂતકાળની રાખમાંથી ઊભું થયેલું પંખી
ભવિષ્યમાં અદ્‌ભૂત ઊડાનો કરશે,
એટલા ખાતર…

અને કાલે એ પંખીમાં આપને,
શિવકુમારની ઝલક દેખાય,
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

શ્રી શિવકુમાર આચાર્યનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રકાશિત અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.

શ્રી શિવકુમાર આચાર્ય એક મોટા ગજાના પત્રકાર, એક પ્રખર નાટ્યવિદ, અચ્છા વાર્તાકાર, સૌરાષ્ટ્રનાં ગામેગામના ઇતિહાસના, ગામેગામની ભૂગોળના અને ગામેગામનાં આર્થિક-વાણિજ્યિક પાસાંના પૂરેપૂરા માહિતગાર, ઇતિહાસ અને પૂરાતત્ત્વ બાબતે અનેક તર્ક અને તારતમ્યનો ભંડાર, લોકબોલી, બોલીની લઢણો, કહેવતો, રૂઢિપ્રયોગો અને લોકકથાઓનો ખજાનો!!!

અને આ બધાંને વટી જાય એવી વાત એ કે તેઓ એક પ્રતિબદ્ધ માનવી! તળના-છેવાડાના લોકો હોય કે પશુ-પંખી, શોષિતો અને વંચિતો તરફ એમનો કાયમ પક્ષપાત, જેણે તેમને વારંવાર કલમ પકડવા મજબૂર કર્યા. માત્ર વાગવિલાસિતામાં પડી રહેવાને બદલે ચોથી જાગીરના એક અદના સૈનીક બની જાનના જોખમે પણ કલમની આન સાચવવી એ તેમનો જીવન મંત્ર હતો!

અને એટલે જ, જ્યારે-જ્યારે તેમને બે રસ્તાના વિકલ્પો મળ્યા, એક નદી તરફ જતો ભર્યો-ભર્યો, છલોછલ, સુંવાળો, જાજમ પાથરેલી હોય એવો, અને સામે પક્ષે રેતી અને ગરમ પવનો મળીને ક્ષીર્ણ-વિક્ષીર્ણ કરી નાખવા આતુર હોય, તરસથી મો-કંઠ અને આત્મા પણ સુકાવા લાગ્યા હોય, ત્યારે આત્માનો અવાજ સાંભળીને એમણે રણનો વિકલ્પ ખૂબ પ્રેમથી ગળે લગાડ્યો, અને પૂરી વફાદારીથી, પાગલપનની હદ સુધી નિભાવ્યો.

શ્રી શિવકુમાર આચાર્યનાં પત્રકારત્વ, નાટક, ટૂંકીવાર્તા, ફિલ્મ, લોકસાહિત્ય જેવાં એકાધિક કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા તેમના મિત્રો અને સાથીઓએ, તેમની સાથેનાં સંસ્મરણોને આ ગ્રંથમાં વાચા આપીને તેમની બહુમુખી પ્રતિભાને અને આ સઘળાં ક્ષેત્રોમાં તેમની પ્રતિબદ્ધતા તેમજ પ્રદાનને લોકાભિમુખ કરી આપ્યું છે. તેમની પર ઓળઘોળ સ્વજનોની સાથોસાથ, તેમની સાથે મતભેદો ધરાવનાર, અને ક્યારેક માઠું પણ લગાડનાર મિત્રોએ પણ મન મૂકીને, પોતાની વ્યસ્તતાઓ અને વિષમ સંજોગો વચ્ચે પણ, પોતાની સ્મૃતિમંજૂષાને ફંફોસી-ફંફોસીને, દીલ દઈને લખ્યું છે. આ સર્વેના સહૃદય સહકાર બદલ અમે તેમનાં ઓશિંગણ છીએ.

આ સર્વેની નિસબત વડે જ આ ગ્રંથ, કેવળ એક સ્મૃતિગ્રંથ બની રહેવાને બદલે, કંઈક અંશે ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, પત્રકારત્વ અને સામાજિક ચેતનાનો દસ્તાવેજ બની શક્યો છે. આશા છે, કે પત્રકારત્વ, નાટ્યજગત, લોકજીવન અને સિનેમામાં રસ ધરાવતાં ગુણીજનો સહિત લોકશાહીના સર્વે ખેતરપાળોને આ ગ્રંથ ઉપયોગી થશે.

શ્રી શિવકુમાર આચાર્યનાં લખાણોમાંથી આપની પાસે કંઈ હોય, તો અમને જાણ કરવા મહેરબાની કરશો, જેથી અમારા આગામી સંકલનમાં તેનો સમાવેશ કરી શકાય.

વિરામ પૂરો થઈ ગયો છે.

ઠીક-ઠીક લાંબા વિરામ બાદ અમારું ‘સાયુજ્ય’ ફરીથી સજ્જ થઈ રહ્યું છે.

અમારા નવા પુસ્તકના પ્રકાશનની તૈયારીઓને કારણે થોડો સમય આ વિરામ લેવો પડ્યો હતો. પુસ્તક પ્રકાશનનું એ કાર્ય સુપેરે પૂરુ થઈ ચૂક્યું છે, અને એ પુસ્તકની જાહેરાતથી જ ફરીથી અમે ‘સાયુજ્ય’ના સથવારે ફરીથી પ્રવૃત્ત થઈ રહ્યાં છીએ.

પુસ્તકની જાહેરાત બાદ, ફરીથી એ જ ઉત્સાહ સાથે અમારાં સર્જનો અમે અહીંથી વહેતાં કરીશું. આભાર.

વાત સાંભળ મીનાક્ષી ચંદારાણા

ધાન જાડાં ફવતા’તાં એ સમયની વાત સાંભળ,
છાસ-ખિચડી ભાવતા’તાં એ સમયની વાત સાંભળ.

નીતર્યાં સુખ લાવતા’તાં એ સમયની વાત સાંભળ,
ઘેર અતિથી આવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગાર-માટી, ઓકળી, પિત્તળના બેડાંશાં જતન દઈ,
જાતને મંજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ભાત લઈ નીકળે ગવન તો વાયરા ઝૂમી-ઝૂમીને
સીમને લહેરાવતા’તા એ સમયની વાત સાંભળ.

કંકુ-ચોખા-છાંટણાં ને સાથિયા ઉંબર ઉપરનાં,
સૂર્યને લલચાવતા’તાં એ સમયની વાત સાંભળ.

મીંદડી, બકરી, કબૂતર, વાંદરા, કાગા, ચકી, સૌ…
ચિત્તને બહેલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ફેફ‍સા મજબૂત, હૃદય સાબૂત અને ઉન્નત ઇરાદા,
ચીપિયા ખખડાવતા’તાં એ સમયની વાત સાંભળ.

એકતારો, ને મંજીરાના મધુર અસબાબ લઈને,
કાળને હંફવતા’તાં એ સમયની વાત સાંભળ.

ખાસ ઝાઝું નહીં ભણેલા… મેલા-ઘેલા, કાલા-ઘેલા,
લોક આંબા વાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હો ઝળ્‍યું પહેરણ ભલે એમાં ખુશીથી લઈને ટેભા,
આભને સંધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગળતી રાતે ઓટલા પર કંઠને વહેતો મૂકીને,
ચાંદને ઝુલાવતા’તાં એ સમયની વાત સાંભળ

લાડ કરતા, ખૂંદતા ખોળો, ગબડતાં, મુક્‍ત હસતા,
પ્રકૃતિને ધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હળ, વળી ધીંગા બળદની જોડ, ‘ને પ્રસ્‍વેદ નરવા,
મોતીડાં નિપજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

સાવ સોનાના દુઃખો, સુખોય ખાલીપા વગરના,
શ્‍લોકશું સરજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

સાતતાળી, આંબલી-પીપળી કબડ્‍ડી, સંતાકૂકડી,
જોમ બહુ ઉપજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ઉલ્લસિત ઉષા, વળી કૃતકૃત્‍ય સાયંકાલ ગરવાં,
જિંદગી વરસાવતા’તાં એ સમયની વાત સાંભળ.

દુઃખ સ્‍વજનના, પારકી પીડા કે નિશ્વાસો સમયના,
આંખને છલકાવતા’તાં એ સમયની વાત સાંભળ.

કષ્ટ વેઠી-વેઠીને પમરાવતા’તા પ્રાણને,
સત્ત્વથી ચમકાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ઉદ્દેશ ૨૦૧૦માં પ્રકાશિત

ડમરો — મીનાક્ષી ચંદારાણા

એમ કરો, અહીં બેસી જૂના વૈભવ સમરો,
હું તો છું બોલાશ વગરનો ઉજ્જડ કમરો.

આજુબાજુ રેતી, ધખતો ધોમ ઉપરથી,
અંદરથી આદેશ છૂટે છે, ‘મ્‍હોરો! પમરો!’

બચપણમાં ઘર-ઘર રમતા’તા લ્‍હેર-મજેથી,
ન્‍હોતી હું કોઈ ફૂલ અને તું ન્‍હોતો ભમરો!

થંભી જાશો તો ઊગતી થાશે વિહ્વળતા,
ગાઓ-ઝૂમો, મુકશો ના ડહાપણનો મમરો!

ના થાવું ચંપો, પ્રાજકતા, જૂઈ, ચમેલી,
ખેતરના શેઢે લહેરાવું થઈને ડમરો!

છાલક જાન્યુ. ૨૦૧૪માં પ્રકાશિત

%d bloggers like this: