Posts Tagged ‘poem’

શારદા!

અખંડાનંદ મે-૨૦૧૫ * * * મીનાક્ષી ચંદારાણા

શારદા! ટાઢકભર્યા ખોળે સમાવે છે મને!
આકરા પરિબળ, ભલા! ક્યાં ઓછું તાવે છે મને!

સોરવાવે જેમ લયલેલૂંબ છાકમછોળમાં,
રાનમાં ભાષા, ભીના મિસરા ધરાવે છે મને

લોળલીલા લાલિમા લખતી હશે કંઈ લોહીમાં!
લેખણે લીલી લીલમવરણું લખાવે છે મને!

આકલન-વિકલનની કળ-કૂંચી દઈ, હે કળાપ્રદા!
તું અકળ સાથે કળામય સંકળાવે છે મને!

તું જ મારું મૌન-ઘન ઘાટ્ટું કરે, હે ભારતી!
સાધિકારે શબ્દમાં તું સંચરાવે છે મને!

હંસવાહિની! સહજ લઈ જાય અ-ક્ષર લોકમાં,
અક્ષરોના દિગ્દિગંતોમાં ઘુમાવે છે મને!

તું જ ભાષાંતર મલયના સ્પર્શના દે નિત નૂતન!
માત શુભવાણી! તું લયમય સરસરાવે છે મને!

કેવડી કિરપા કીધી છે સુવાસિની! મારી ઉપર,
કેવડાં ફૂલોની સંગે મઘમઘાવે છે મને!

અક્ષમાલાઅક્ષરાકારાક્ષરાક્ષરફલપ્રદા!
શબ્દ-ક્ષિપ્રાના કિનારે લાંગરાવે છે મને!

વ્યક્ત ગાયત્રી થતી સંસ્કૃતવરણા છંદમાં,
‘ને વળી ગુર્જરગિરામાં આછરાવે છે મને!

‘ને વળી અનુગ્રહ વિશેષે મા! કિધો છે એટલો!
ગુણ જ્યાં-જ્યાં જોઉં ત્યાં સાદર નમાવે છે મને!

************************************

રાત વરસાદી હશે!

-મીનાક્ષી ચંદારાણા (ઉદ્દેશ)

વાત બહુ સીધી હશે, સાદી હશે,
કાં હશે ખુરશી, નકર ગાદી હશે.

સાદગીના બે જ લક્ષણ રહી જશે,
ટ્રસ્‍ટની ગાડી હશે… ખાદી હશે.

શાસ્ત્રના શસ્ત્રોથી શારી નાખશે,
છાવણી આખીયે મરજાદી હશે.

આંસુ તો બિનસાંપ્રદાયિક થઈ જશે.
આંખ કટ્ટર ભાગલાવાદી હશે.

એ ભલા હોતા હશે દોષીત કદી?
એ બને, કે રાત વરસાદી હશે!

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી

-અશ્વિન ચંદારાણા

રાહ જ્યાં આકંઠ જોતી એક ઘેલી,
તું મને ત્યાં કેમ ના લઈ જાય બેલી!

બાગ હું તારો, ને તું મારી હવેલી,
છેલ હું તારો, ને તું મારી સહેલી!

હું નીકળતો, બંધ કરતી’તી તું ડેલી,
હોઠ કરડી, હાય તું કેવી હસેલી!

ભાગ્યશાળી ઝાલશે તારી હથેલી!
રેશમી, પોપટ ભરેલી એક થેલી!

કેળ જેવી કેડ લઈ ઊભી અઢેલી!
આમ્રવૃક્ષ ઊપર વિંટાતી એક વેલી!

આમ જો, સામી ચડી આવે છે હેલી,
આટલી તું કાં રહે શરમાઈ, એલી!

મેં તને ઓઢી, હુંફાળી શાલ ઠેલી,
બેશરમ, પહો ફાટતી કાં આમ વ્હેલી?

એકલો હું આઠઆની, તું અધેલી,
બે મળીને ચાલ, શીખી લઈએ કેલી.