Archive for the ‘આસ્વાદ’ Category

આસ્વાદ અને અંગ્રેજી અનુવાદઃ ગઝલઃ પ્રગટો હવે (લલિત ત્રિવેદી)

મૂળ કૃતિ: પ્રગટો હવે (ગઝલ)     લલિત ત્રિવેદી

આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.

શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીનાં નભ સુધી,
નાભિમાંથી શ્વાસની અંતિમ ગિતી પ્રગટો હવે.

ચીપિયો ખખડેને દ્વારો ખટખટે બ્રહ્માંડનાં,
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી, દ્યુતિ! પ્રગટો હવે.

ચર્મમાંથી મર્મમાં પ્રગટું, ચરમસીમા વટું,
હે સકળ અખિલાઈની ગેબી સ્થિતિ, પ્રગટો હવે!

આભમય અવકાશની ગહેરાઈમાં બોળું કલમ!
કે અગોચરનો અરથ અથથી ઈતિ પ્રગટો હવે.

અંગ્રેજી અનુવાદઃ ઉદ્દેશ ફેબ્રુઆરી ૨૦૦૮ -ફોરમ ચંદારાણા

O! Sacred moments of this trance, breath and its Shruti*, manifest now,
Let Creations like Verses of Vedas, manifest now!

This conch I blow from the very base of the origin of the river of breath to the sky,
May the final song of breath from the navel depth, manifest now!

The Chippi** clatters, knock on the doors of universe…
May the light ignited by the universe’ intense energy, manifest now!

From the mortal to ethereal, I evolve and cross the worldly boundaries,
The mystery deep, that shrouds the universe, manifest now!

In to the very vast expanse of solitude horizon, I dip my pen,
That the meaning of the inexplicable, from the beginning to end, may manifest now!

—————————————————————————————

*Shruti Refers to the Sub-tones or the micro-tones found in each musical note that create harmony.

** Chippi refers to the wooden clatter that is held in the palm of the hand and often used as an accompaniment in devotional hymns and chants. Integral part of the Sage Narad’s ensemble in Indian mythology.

—————————————————————————————

(આસ્વાદઃ શબ્દસર જાન્યુઆરી ૨૦૦૮  -મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા)

૧૯૭૦ થી ગઝલક્ષેત્રે પ્રવૃત્ત શ્રી લલિત ત્રિવેદી તેમની ગઝલોનાં ઊંડાણ અને બળકટ અભિવ્યક્તિ દ્વારા સતત ધ્‍યાન ખેંચતા રહ્યા છે. તેમની પ્રગટ રચનાઓનો જથ્થો નાનો છે. ૧૯૯૦માં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘પર્યંત’ પ્રગટ થયેલો. એ પછી તેમના તરફથી ગઝલસંગ્રહ મળ્યો નથી***, પણ સામયિકોમાં તેમની રચનાઓ જરૂર જોવા મળે છે અને તે દ્વારા તેમની ગઝલોના વિષયો અને છંદોનું વૈવિધ્ય ધ્યાનમાં આવે છે. તેમની વિચારોની ગૂંથણી અદભુત અને ટકોરાબંધ હોય છે. પ્રસિદ્ધિની કદાચ તેમને એટલી પડી નથી લાગતી, પણ તેઓ એક મોટા ગજાના ગઝલકાર છે જ.

‘રમલ મુસમ્‍મન મહેઝૂફ‍’ છંદમાં રચાયેલી આ મુસલસલ ગઝલ અધ્યાત્મના રંગે સંપૂર્ણપણે રંગાયેલી હોવાની પ્રતીતિ પ્રથમથી છેક અંતિમ શેર સુધી પ્રથમ નજરે જ કરાવતી રહે છે. ‘ચાખી-ચાખી’ને પસંદ કરાયેલ આધ્યાત્મિક શબ્દાવલીનો એક-એક શબ્દ શેરોમાં એટલી સહજતાથી ગોઠવાયો છે, કે અઘરા શબ્દો કે આધ્યાત્મિક પ્રતીકો, છંદની રેવાલ ચાલ અને અસ્ખલિત લયને ક્યાંય બાધક બનતા નથી, કે ગઝલને દુર્બોધ કે સંદિગ્ધ બનાવતા નથી, બલ્કે લયની સહજતાને ઉપકારક બની રહે છે.

પ્રસ્તુત ગઝલ પરંપરાગત ઊર્મીવિચાર, પ્રેમાલાપ કે તર્કના દોરે પરોવાયેલા દાવા-દલીલોના આધારે ચાલતી નથી. અહીં તો જાત પાસે કવિની એક જ માગણી છે, કે ‘પ્રગટો હવે’. જોકે, વ્યંજનામાં તેમનું સામર્થ્ય તેમની અન્ય એક ગઝલ દ્વારા ખૂબ જ જાણીતું છેઃ

ઘર જેવો એક જણ હવે કમરો બની ગયો,
આઘો રહી ગયો અને અઘરો બની ગયો.

શ્વાસો ટપકતા રોજના આ જલ્દીઘાટમાં,
રાણો ‘લલિત’ નખશિખ નકરો બની ગયો.

આ ઉપરાંત પણ ગઝલનાં પરંપરાગત લક્ષણો તેમના ‘પર્યંત’ ગઝલસંગ્રહમાં ઠેરઠેર કંડારાયેલાં છે.

ગઝલના દરેક શેરમાં અલગ-અલગ ભાવો વ્યક્ત કરી શકવાની છૂટનો ઉપયોગ કરી ગઝલના શેરોમાં વિવિધતા લાવવાનો મોહ જતો કરીને પાંચે પાંચ શેરને ભગવો રંગ ચઢાવી કવિ અહીં ગઝલીયતનો જુદો આયામ રજૂ કરે છે, તો પાંચે પાંચ શેર પોતપોતાની રીતે શેરીયતના નવા શિખરો પણ સર કરતા અનુભવાય છે. શંખ ફૂંકીને શ્વાસની અંતિમ ગિતી પ્રગટાવવી, ચીપિયો ખખડાવીને બ્રહ્માંડનાં દ્વારો ખટખટાવવા કે આભમય અવકાશની ગહેરાઈમાં કલમ બોળવા જેવા કાવ્યમય પ્રતિકો દ્વારા કવિ સુંદર શબ્દચિત્રો રજુ કરે છે. અધ્યાત્મભાવી આ ગઝલમાં ઉચ્ચ કાવ્યતત્વ રજૂ કરવાનું આંતરિક દબાણ આ રચનામાં, કસ કાઢી લે તેવી આકરી કસોટીમાંથી કવિને પાર ઉતારે છે.

આવો, તેમની આ સુંદર ગઝલનો આસ્વાદ આપણે માણીએ.

________________________________________

આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.

અહીં આહ્વાન છે. કવિની ભીતર સતત મંથન ચાલતું જ હોય છે. ક્યારેક સ્થુળ રીતે ભલે કંઈ જ લખાતું ન હોય એવું બને, પણ એ સમયગાળો નિષ્ક્રિયતાનો નથી હોતો. એવી ક્ષણો કવિની સમાધિની ક્ષણો હોય છે. કવિ અહીં, પોતાની અંદર રહેલા કવિને, પોતાની જાતને, સમાધિની એવી ક્ષણોને પ્રગટાવવાનું આહ્વાન આપે છે, જે વેદની ઋચાઓની જેમ સત્વસભર હોય અને એ દ્વારા ઋચાઓ સમી કોઈ શાશ્વાત કૃતિ પ્રગટી ઊઠે. હજારો વર્ષો પહેલાં લખાયેલા વેદો, તેની એક-એક ઋચાઓ, હજુ એ જ મધુરતાથી આપણાં સમાજનું પથદર્શન કરી રહેલી છે.

શંખ ફૂંકું આ શ્વાસનગંગોત્રીનાં નભ સુધી,
નાભિમાંથી શ્વાસની અંતિમ ગિતી પ્રગટો હવે.

કવિ શંખ ફૂંકવાની વાત કરે છે અહીં. ગંગોત્રીના નભ સુધી જેનો નાદ સંભળાય એ રીતે. ગંગાનું મૂળ એ ગંગોત્રી. ત્યાં સુધી પહોંચવા કેટલા ઊંચે ઊઠવું પડે! બસ આટલું હોત તો પણ આ રમણિય કલ્પન ઘણું કામ કરવાનું જ હતું. પણ કવિ ગંગાના મૂળ જેટલે ઊંચે, દૂર સુધી સંભળાય એવો શંખનાદ કરવાની વાત કરે છે, ત્યારે અહીં વાત તો થાય છે શ્વાસનગંગોત્રીની. શ્વાસની ગંગોત્રી, શ્વાસનું મૂળ નાભિ ગણીશું? કે અંતરાત્મા? કવિ નભ અને નાભિના પ્રતીક દ્વારા દેહના સુક્ષ્મ કેંદ્ર નાભિથી લઈને બ્રહ્માંડના વિશાળતમ કેંદ્ર નભ સુધીના વિશાળ ક્ષેત્રની વાત કહેવા ધારે છે. શંખનો નાદ બહાર અવકાશમાં કે બ્રહ્માંડમાં નહીં, પણ છેક અંદર અંતરાત્મા સુધી સંભળાય એવું આહ્વાન શંખ દ્વારા આપવાની વાત કરે છે. અને બીજી પંક્તિમાં કવિ કલ્પનાના અંતિમ ભાસતા છેડાથી પણ આગળ જઈને, એ નાદ સાંભળીને નાભિમાંથી, અંતરાત્મામાંથી શ્વાસની અંતીમ ગિતી પ્રગટે એવી તીવ્ર ઈચ્છા જાહેર કરે છે. વેઢે ગણી શકાય એટલા શબ્દોમાં લાઘવની પરાકાષ્ઠાના નવા જ શિખરો અહીં પ્રસ્થાપિત થાય છે!

ચીપિયો ખખડેને દ્વારો ખટખટે બ્રહ્માંડનાં,
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી, દ્યુતિ! પ્રગટો હવે.

સમાધિનાં અસલ તપ પીધેલ સાધુ આવી પહોંચે, એ પહેલાં એમના ચીપિયાનો અવાજ પહોંચી જતો દ્વાર પર. સાથે સુગંધી દ્રવ્યોના ધૂપની ધૂણી રહેતી, અને લોકો એ ચીપિયા-ધૂણી-દ્યુતિનાં પુણ્યપ્રકોપથી ડરતાં પણ ખરાં! કવિના શબ્દનું પણ આવું કર્તૃત્વ હોય છે, જો એ શબ્દ સ્વયંઅનુભૂતિથી પ્રગટેલો હોય તો. એની દ્યુતિ, બ્રહ્માંડનાં દ્વારો ખટખટાવવાને સમર્થ હોય છે.

ચર્મમાંથી મર્મમાં પ્રગટું, ચરમસીમા વટું,
હે સકળ અખિલાઈની ગેબી સ્‍થિતિ, પ્રગટો હવે!

કવિએ પહેલા ત્રણ શેરમાં જાતને આહવાન આપ્યું હતું. હવે એ જીવન પાસે, પ્રકૃતિ પાસે માગે છે. આ લોહી-માંસ-ચામડીનું બનેલ શરીર, જીવનના-પ્રકૃતિના મનોવ્યાપારોના મર્મને પામવા મથે છે, આત્મસાત કરવા મથે છે, ચરમસીમા વટવા ઈચ્છે છે. અહીં કવિ ચરમસીમા શબ્દના મૂળ સુધી ગયા છે. ચરમસીમા એટલે ચર્મ-ચામડીની, સ્‍થૂળની, ભૌતિકીની સીમા. રહસ્યોને પામવા હોય, તો આ સ્થૂળ સીમા વટવી જ પડે, ચર્મમાંથી મર્મમાં પ્રગટવું જ પડે.

આભમય અવકાશની ગહેરાઈમાં બોળું કલમ!
કે અગોચરનો અરથ અથથી ઈતિ પ્રગટો હવે.

રહસ્યોને પામવા કવિ કલમનો સહારો લે છે, અભિવ્યક્તિનો સહારો લે છે. કવિ કહે છે કે ‘બોળું કલમ’. અવકાશની ગહેરાઈમાં. આભમય, એટલે કે ખુલ્લાપણાના પર્યાય એવા અવકાશના ઊંડાણમાં ઝબકોળાઈને જયારે કલમ કંઈક લખે, ત્યારે શક્ય છે કે અગોચર એવા ગાઢ-નીબિડ જંગલ સમા અંધકારભર્યા બ્રહ્માંડના, મનના અર્થો અથથી ઈતિ પ્રગટ થાય, એક-એક કરીને રહસ્યો પરથી, પહેલેથી છેલ્લે સુધીના બધા જ પડદાઓ સરકતા જાય.

મુક્ત મન, જયારે ઊંડાણમાં પ્રવેશે, ત્યારે અગોચરનો અર્થ અથથી ઈતી પ્રગટ થાય એવી શ્રદ્ધા સ્વાભાવિક જ છેને!

(*** આ આસ્વાદ શબ્દસર સામયિકમાં સન ૨૦૦૮માં છપાયા બાદ શ્રી લલિત ત્રિવેદીનો બીજો ગઝલસંગ્રહ ‘અંદર બહાર એકાકાર’ નામે પ્રગટ થેયેલો છે.)

*