Archive for the ‘લેખ’ Category

સરાઈ હરાની એક સવાર __________ બિસ્મિલ્લાહખાનના ૧૦૨મા જન્મદિવસે

ફેબ્રુઆરી ૨૦૧૧માં ભારતના ખરેખરા રત્ન બિસ્મિલ્લાહખાનની મઝારની મુલાકાતે ગયા પછી…

પ્રથમ પ્રકાશનઃ ઉદ્દેશ સામયિક એપ્રિલ ૨૦૧૧

૯ મે ૨૦૧૧ના દિવસે સ્વ. શ્રી મૃગેશ શાહના રીડગુજરાતી બ્લોગ (http://www.readgujarati.com) પર
૨૮ જુલાઈ ૨૦૧૧ના દિવસે શ્રી કિન્નર આચાર્યના બ્લોગ (http://kinner-aacharya.blogspot.in) પર
૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે શ્રી જીગ્નેશ અધ્યારુના બ્લોગ (http://aksharnaad.com) પર પુનઃપ્રકાશન

આજે ૨૧ માર્ચ ૨૦૧૫ – શ્રી બિસ્મિલ્લાહખાનના ૧૦૨મા જન્મદિવસે અમારા બ્લોગ પર પુનઃપ્રકાશન
-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x

BK2રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’ વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો…. બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ એ ક્યાં સંભળાયા હતા! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય, ઊઠ… ઊઠ… ઊઠ…

આઠ વાગ્યાને બદલે સવારે પોણા છએ તો હૉટેલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ. ‘બેનિયા બાગ મસ્જિદ’. સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય! ચહલપહલ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ હોય! કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતું હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયનાં દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્યું, અજાણ્યા લોકો, રસ્તા પણ તદ્દન અજાણ્યા! અને મુસ્લિમ વિસ્તાર!

પગરિક્ષા થોડું ચાલી… ગોદોલિયા ગયું… અને બેનિયા બાગ શરૂ થયું. મુસ્લિમ નામોવાળી દુકાનોનાં પાટિયાં આવવા લાગ્યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્તાઓ…. આવા સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે! સામેની બાજુ એક મસ્જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્તો ક્રોસ કરી મસ્જિદ પાસે પગરિક્ષા લીધી. મસ્જિદમાંથી બે ભાઈઓ નીકળ્યા, તેમને પૂછ્યું: ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાનજી કી મઝાર….?’ વાક્ય અધૂરું હતું અને તેમના ચહેરા પર અહોભાવ ફરી વળ્યો. તેમણે પગરિક્ષાવાળાને ‘ઈધર સે દાંયે, ઊધર સે બાંયે’ કરતાં-કરતાં બરાબર જગ્યા બતાવી હશે એવું લાગ્યું. હવે તો આ રિક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે-સાથે ચાલતા હતા.

પગરિક્ષા મેઈનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી તો ગલી… કેટલાક રસ્તા તો એટલા સાંકડા કે પગરિક્ષા ચાલતી હોય તો સામેથી સ્કૂટર પણ ન આવી શકે! ક્યાંક જરા પહોળા રસ્તા હોય તો ત્યાં લારીઓ ઊભી હોય અને એક લારીમાં એકસાથે પાંચ-પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને ઓટલો હોય, તો ત્યાં પણ ખીલે બકરી બાંધેલી હોય! કોઈક નાના ઓટલા પર પાન-પડીકીવાળા, અને ચોક પડે ત્યાં મરઘા-બતકાંનાં પીજરાં… બિસ્મિલ્લાખાનના વિચારો એક તરફ રહ્યા અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્યારની આ દશામાં બાંધેલી બેઠી હશે, બિચારી બેં-બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે…! અમસ્તું કહ્યું હશે, કે ‘બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી…?’ બધું વળોટતાં-વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું ન હતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્યાં બીજા એક મદદગાર મળી ગયા. ફરીથી પૂછ્યું, ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાનજી કી મઝાર…’BK1

‘આઈયે, યહીં હૈ’ તેમણે દરવાજો ખોલી આપ્યો. અંદર સાથે આવ્યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઈંચ ઊંચે ત્રણ બાય છની જગ્યા પર જરા ગારમાટી થતાં હોય એવું લાગ્યું. દીવાલના ટેકે ઉસ્તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા. પેલા મુસ્લિમ બિરાદરને પૂછ્યું, ‘મુસ્લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે? મારે એ રીતે પગે લાગવું છે.’ એમણે હસીને કહ્યું, ‘આપ ઈધર કી તો નહીં લગતી… ઈતની દૂર સે આઈ હૈ, તો આપ કી પ્રાર્થના, પ્રણામ સબ કુછ… કબૂલ હો હી ગયા હોગા…!’

બસ, પ્રણામ કરીને બહાર નીકળી. અંદર કંઈક છલકાતું હતું. એટલે તો ફોટો પાડવાનું પણ યાદ ન આવ્યું! પગરિક્ષામાં બેસતાં-બેસતાં પાછા વળીને ફરી ત્યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્યું, ‘બિસ્મીલ્લાખાનજીનાં સંતાનો…’ જવાબ મળ્યો, ‘બેનિયા બાગ.’ ફરી બેનિયા બાગ. પછી ફરી ત્યાંથી ગલી, ગલી, ગલી… સરાઈ હરા પહોંચી. પંદર-સત્તર વર્ષના ચાર-પાંચ છોકરાઓ ત્યાં ઊભા હતા. તેમને પૂછ્યું, ‘ખાન સાહેબ બિસ્મીલ્લાહખાન…’ છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.

સવારના સાડાસાત થયા હતા. અજાણ્યાને ઘેર અત્યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો. ત્યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝુર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું: ‘ઉસ્તાદજી કા નામ લે રહે થૈ…’

‘આઈયે… આઈયે…’ ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફા, જમણી બાજુએ ડબલબેડ. બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરશી અને સામેની બાજુએથી ઘરમાં આગળ જવા માટે બીજો દરવાજો. મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાંને ઉઠાડવાં પડ્યાં. નમસ્કાર કરીને હું સામે પડેલી બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
‘ફરમાઈયે…’
BK3
મેં કહ્યું : ‘જીસ પાક ભૂમિ પર ઉસ્તાદજીને જીવનભર શહેનાઈ કી સાધના કી ઉસ ભૂમિ કા દર્શન કરને આઈ હું.’

‘વહ તો દશાશ્વમેધ ઘાટ પર બજાતે થે… કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ?’

‘જી, અભી નહીં. પહેલે ખાનસા’બ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ-સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉન કે પરિવાર સે ભી મિલને કી ઉમ્મિદ થી, તો ચલી આઈ હૂં. અબ જાઉંગી મંદિર ભી…’ એમની આંખમાં એક ચમક અને એક ગ્લાનિ એકસાથે ઊભરી આવ્યાં હોય એવું લાગ્યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દીવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.

‘સબ ઉનકા કરમ હૈ, કિ કોઈ હમેં યાદ કર કે ઈતની દૂર મિલને આતા હૈ.’ એક તસવીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.

‘આપ ઉન કે…’

‘મૈં બડા બેટા ઉનકા. મહેતાબહુસેન…’

‘ખાનસાહબ કે બાદ ઉનકી શહનાઈ કા વારિસ….’

‘બજાતા હૂં મૈં… શહનાઈ… લેકિન ઉનકી શહનાઈ કે અસલી વારિસ તો થે નૈયરહુસેન. હમારે છોટે ભાઈ થે. ગુજર ગયે અભી એક-દો સાલ પહેલે… ઉનસે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈં. જામિલહુસેન ઔર કાલિમહુસેન… હમ પાંચ ભાઈ…’ મહેતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્સારહુસેનનો પરિચય કરાવે છે. ‘નિસ્સારહુસેન હમારે નૈય્યરહુસેન કે બેટે હૈં.’ ‘એ પણ શરણાઈ વગાડે છે…?’ એમણે હકારમાં ડોકું હલાવ્યું.

આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે એકાદ નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો, ‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ….’

‘નહીં.’ રુઢિચુસ્ત મુસ્લિમ કુટુંબના વડા મહેતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતા, ‘હમ હમારી ઔરતોં કો સંગીત કી તાલીમ નહીં દેતે હૈ. હમારી તીન બહેનેં હૈં. તીનોં કી આવાઝ મધુર હૈ, લેકિન હમારેં ઘરોં કે હી શાદી-બ્યાહ કે અલાવા…’

‘આટલી રુઢિચુસ્ત માન્યતા…’ હું બેધડક પૂછી લઉં છું. ‘…અને ઈસ્લામ તો સંગીતની મનાઈ ફરમાવે છે ત્યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું…’
BK4
‘કિતને મુસલમાનોંને ગાયા-બજાયા, ઔર ઉસ્તાદ હો ગયે! અબ્બા કે મામા ઉસ્તાદ અલિબક્ષસાહબ ગ્વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્બા કે નાના ભી વહીં પર ગ્વાલિયર સ્ટેટ કી ઔર સે નોબત બજાતે થે. અબ્બા કે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસુલબક્ષખાન, ઔર ઉન કે અબ્બા પયગંબરબક્ષખાન… સબ શહનાઈ બજાતે થે. ઈસ્લામ રોજી કે લિયે સંગીત કી છૂટ દેતા હૈ. ખાનસાહબ કે લિયે શહનાઈ ઉન કી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈં. આપ ભી કભી શાદી-બ્યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને કે લિયે આ જાયેંગે…’

મારા માટે દિગ્મૂઢ થઈને સાંભળવાનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન… અને શરણાઈ એમની રોજી માત્ર…!? ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ… કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપને મોટાં થયાં છીએ? મેં સાંભળેલું ખોટું ન હોય તો… અમેરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્યાં સ્થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે, ‘મેરી ગંગા કહાં સે લાઓગે તુમ વહાં…?’ અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી માત્ર હતી!? સરસ્વતીની પૂજા કરતાં-કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્તાદો અમેરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ પોતે તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા…!

‘ખાંસાબ તો કહતે થે કિ…’ મેહતાબહુસેન વાત આગળ ચલાવે છે, ‘લક્ષ્મીજી તો હર તરીકે સે આ સકતી હૈ. સૂર સિર્ફ સરસ્વતી સે મિલતે હૈં… સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઈજ્જતી હો ગઈ…’

વાતનો દોર હું પકડી રાખું છું. ‘ઈસ્લામે તો… માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી પરંતુ…. અહીંના મુસ્લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા?’

‘ક્યા બાત કરતીં હૈ આપ! શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ! સબ ઉનકા નામ બડી ઈજ્જત સે લેતેં હૈં. ભારતરત્ન યા કિસી ભી ઈલકાબ-અકરામ કે લિયે ઉન્હોંને કભી ભી કિસી કા અહેસાન નહીં લિયા થા.’

‘ઉનકી શહનાઈ કોઈ ખાસ તરહ સે…’

‘એમની શહેનાઈ એક સામાન્ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફેરફારો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજ્જો અપાવ્યો હતો.’

‘ક્યારેક હુલ્લડ થાય હિંદુ-મુસ્લિમ વચ્ચે, ત્યારે…’

‘દંગે તો હો જાતે થે કભી-કભી. ઉસ વક્ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કિ ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં…. લેકિન હમારે અબ્બા થે કિ… કહતે… બનારસ મેં હૂં તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને… એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા…’

મને ફરી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’

‘એમના આખરી દિવસોમાં ડૉક્ટરે કૅન્સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ…’

‘કોઈ કૅન્સર-વૅન્સર નહીં થા ઉનકો. ગુજર જાને કે તીન-ચાર મહિને પહલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા…’

‘ખાનસાહેબે થોડી ફિલ્મો માટે વગાડેલું, પછી અળગા રહ્યા. ફિલ્મોમાં એમની પસંદ…’

‘અબ્બાને ગીતાબાલીની ફિલ્મ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા… ગુંજ ઊઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.’

ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી હતી. ‘હમ કો તો માર-માર કે સિખાયા થા. લેકિન હમારે બચ્ચોં કે લિયે ઉન્હોંને હમ પર છોડ દિયા થા…’

વિદાય લેતાં પહેલાં મેં એમને બે-ચાર શેરો કહ્યા:

હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્મિલ્લા,
સુરોં કા દિવ્યઅંશી જામ બિસ્મિલ્લા.

બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરોં કી જાહ્નવી કા ધામ બિસ્મિલ્લા.

મુસલમાં કે ફકીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્મિલ્લા.

ઓ ભારતરત્ન! આલોકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્કૃતિ પૈગામ બિસ્મિલ્લા.

બીજો શેર સાંભળતાં મહેતાબહુસેનખાનથી એક ડૂસકું મુકાઈ ગયું અને પછીનાં ડૂસકાંઓ એ ગળી ગયા.
BK5
દસ દિવસના બનારસના રોકાણ પછી વલતાં આવવા માટે રેલવે સ્ટેશને ગાડીની રાહ જોતાં અમે બેઠાં હતાં, ત્યાં નિસ્સારહુસેન હાથમાં ફળો અને મીઠાઈ લઈને આવી ચડ્યા. ‘આપ કિતની દૂર સે આઈ થી હમ સે મિલને! હમ તો ખૈર, યહીં સે આયે હૈં… ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉનકી અંતિમયાત્રા મેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્કિલ થા. ભારતરત્ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી. આમ જનતા ઉનસે ઈતના પ્યાર કરતી થી, વહ તો ઉનકે જાને કે બાદ હી પતા ચલા!’

હું મારી ચિંતા વ્યક્ત કરું છું, ‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્થામાં છે!’

‘ક્યા કરેં? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાદા કિયા થા મઝાર કે લિયે…’ ફરી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી…

વડોદરા પહોંચીને નિસ્સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્યારે ફોન પર તેઓ કહે છે: ‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં. કિસીકી શાદી હો, કિસીકા જન્મદિન હો…’

તો એમનું સરનામું આપું ? K-46/62, સરાઈ હરા, વારાણસી-221001. (ઉ.પ્ર.) ફોન : +91 542 2412836. નિસારહુસેન : (મો) : +91 9616043169.

બાળસાહિત્યમાં પ્રકાશનના પડકારો

બાળસાહિત્ય અકાદમીના પંદરમા અધિવેશન વેળાએ વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે આપેલું વક્તવ્ય (તા. ૧૧.૦૧.૨૦૧૫)
(બાળસાહિત્ય અકાદમીની પુસ્તિકા ૪૨-૪૩-૪૪માં પ્રકાશિત)

બાળસાહિત્ય અકાદમી દ્વારા મને આ વિષય સોંપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તો મને એ સમજાયું ન હતું, કે આ વિષયમાં હું કેટલુંક અને કેવુંક બોલી શકીશ! પરંતુ ઈન્દોર ખાતે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં બાળસાહિત્યનું સરવૈયું રજુ કરવા માટે હું તૈયારી કરી રહી હતી, ત્યારે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંથી પસાર થવાનો અવસર, કહો કે સદ્ભાગ્ય મને મળ્યું. એ પુસ્તકોના વાચન દરમ્યાન મારા આજના આ વક્તવ્યની ભૂમિકા પણ સમાંતરે જ તૈયાર થતી ગઈ. બાળસાહિત્યના પ્રકાશનની સામેના પડકારો અંગેના મોટાભાગના મુદ્દાઓ બાબતે મારા મનમાં જે અવઢવ હતી, તે આ પુસ્તકોમાંથી પસાર થતી વેળાએ દૂર થતી ગઈ, અને તેની સાથે બીજો એક અન્ય મુદ્દો જોડતાં, મને લાગે છે કે આ મુદ્દે વાત કરવા માટે હું કદાચ યોગ્ય વ્યક્તિ જ છું! અને આ બીજો મુદ્દો તે એ, કે અમારાં આજ સુધીનાં બધાં જ પુસ્તકોનું પ્રકાશનકાર્ય અમે જાતે, અને તે પણ વીના વિઘ્ને પૂરું કર્યું છે.

અમારાં અને અન્ય મિત્રો સહિત કુલ દસેક પુસ્તકોની પ્રકાશન વ્યવસ્થા જાતે સંભાળ્યા પછી, પુસ્તક પ્રકાશનના અનેક મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા હતા, જે અમને સમસ્યારૂપ લાગ્યા હતા. પરંતુ તે પછી બાળસાહિત્યનું સરવૈયું લખતી વેળાએ મળેલાં પુસ્તકો વાંચવાના અનુભવે મને લાગ્યું છે, બાળસાહિત્યના પ્રકાશન ક્ષેત્રે ખરેખર તો કોઈ પડકાર છે જ નહીં. ખરેખર, કોઈ જ પડકાર નથી આ ક્ષેત્રે! બહુ જ સ્વાયત્ત ક્ષેત્ર છે આ તો! મને મળેલી યાદી મૂજબ, ૨૦૧૨-૧૩ના બે વર્ષ દરમ્યાનમાં જ આ વિષયનાં લગભગ ૩૫૦ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં અને તે પણ ૩૨ જેટલા વ્યાવસાયિક અને ૩૦ જેટલાં અંગત પ્રકાશકો દ્વારા, (અંગત પ્રકાશકો, એટલે કે જેમાં પ્રકાશક તરીકે લેખકનું ખૂદનું નામ હોય). હવે વિચાર કરો, બાળવાર્તાનાં ૧૮૪, બાળગીતોનાં ૫૦, સંદર્ભ સાહિત્યનાં ૪૭, નાટકનાં ૧૧, નવલકથાનાં ૩ અને જીવનચરિત્રનાં ૫૩, એમ બાળસાહિત્યનાં કુલ ૩૪૮ પુસ્તકો આ ૬૧ પ્રકાશકોએ મળીને બે વર્ષમાં પ્રકાશિત કર્યાં હોય એ શિષ્ટસમાજમાં, અને ખાસ કરીને એમાંનાં જ બાળસાહિત્યકારોની હાજરીમાં, બાળસાહિત્યના પ્રકાશનની સામે કોઈ પડકાર હોવાની વાત હું કયા મોઢે કહી શકું, અને તમે કયા કાને સાંભળી શકો! કોઈ પડકાર હોત, તો આટલાં પુસ્તકો પ્રકાશિત થયાં કઈ રીતે હોત?

ઉલટું, હું તો ગણાવવા માગું છું, કે બાળસાહિત્યનું પ્રકાશન કેટલું સરળ બની ગયું છે આજકાલ! એક સમય હતો કે જ્યારે, ગીજુભાઈ બધેકા કે જગદીપ વીરાણી જેવી બાળકોની નાડ પારખી શકતી કલમોને જ, કે પછી આખી જિંદગી બાળસાહિત્યની સેવા માટે ખરચી નાખનારા યશવંતભાઈ જેવા આજીવન ભેખધારીઓને જ પ્રકાશકો ભાવ આપતા હતા. પરિસ્થિતિ આજે સાવ એવી નથી રહી! આજે તો એક નવોદિત લેખક કે ગીતકાર, કોઈ સ્થાપિત સાહિત્યકાર જેટલા જ હક્ક સાથે પ્રકાશકનો સંપર્ક કરીને પોતાના બાળસાહિત્યનું પ્રકાશન કરાવી શકે છે! હા, પ્રકાશક પાસે જતી વેળાએ આપણી પાસે થોડી ત્રેવડ જરૂર હોવી જોઈએ. આપણે નવોદિત હોઈએ, તો આપણી પાસે પૂરતાં કાવડિયાં હોવા જોઈએ, જે લઈને પ્રકાશક આપણી કલમને પુસ્તકનું સ્વરૂપ આપી દેતો હોય છે. આપણે સ્થાપિત સાહિત્યકાર હોઈએ, તો આપણી પાસે આવનાર નવોદિતોને આપણે કોઈને કોઈ પ્રકાશક પાસે લઈ જઈને આંગળી ચિંધ્યાનું ‘પુણ્ય’ કમાવાનું રહે છે. કેટલા નવોદિતોને લઈ જવાથી સ્થાપિત લેખકનું એક પુસ્તક પ્રકાશિત થઈ શકે, એ ગણતરી અમારા જેવા નવોદિતોને જાણવા મળતી નથી. તેના માટે અમૂક નવોદિતોને પાંખમાં લઈને ‘સ્થાપિતો’ની યાદીમાં જોડાવું પડે, તો ખબર પડે! આમ, ગજવામાં પૂરતાં કાવડિયાં, કે પછી પાંખમાં થોડા નવોદિત લેખકો, આટલી મૂડી ધરાવતા હોય એવા લેખકોના બે વર્ગને આસાનીથી પ્રકાશક મળી રહે છે. રહી વાત સિદ્ધહસ્ત લેખકોની! તો ભાઈ, તમારી કલમ નીવડેલી હોય, કોલેજોમાં તમારા પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે ચાલતાં હોય, પ્રકાશકોને તમારા નામે સિક્કા પડતા હોય, તમારાં ફોટાવાળાં, ગલીપચી કરાવતાં પુસ્તકો યુવકોમાં ચણીબોરની માફક ઊપડતાં હોય, તો-તો તમને ભાઈ રોયલ્ટી પણ મળી રહેવાની!

કોને નડી રહ્યા છે બાળસાહિત્યના પ્રકાશનના પડકારો એ તો જણાવો ભાઈ? અને સવાલ એ થાય છે, કે બાળસાહિત્યના પ્રકાશનની સામેનો પડકાર આપણે કોને ગણીશું?

પ્રકાશકોની ફરમાઈશ મુજબ (લખીને કે સંપાદન કરીને) પુસ્તકોના ઢગલા ખડકી દેનારા વર્ગને તો પ્રકાશનનો કોઈ પ્રશ્ન કે પડકાર નથી નડી રહ્યો! દાખલા આપું? ભુપેન્દ્ર વ્યાસ ‘રંજ’, ‘ગીધ’ નામના બાળકાવ્યમાં “શોધી કાઢી મડદાં, સંપીજંપી સાથે ઉજાણી જાણી કીધ, અમે ગીધ.” જેવું ચીતરી ચડે તેવું “બાળકાવ્ય” લખે, કે પછી સાકળચંદ પટેલ ‘મારી બચુકથાઓ’ પુસ્તકને શીશુકથાઓ ગણાવીને, નાનાભાઈને લેવા માટે દવાખાને જતાં, અને ગરીબીને કારણે ગર્ભપાત કરાવીને પાછા આવતાં મા-બાપની વાર્તા બાળકના મોઢે આલેખે, સેંધાભાઈ રબારી ‘રમ રમ રમ બાલુડા રમ’માં ‘નિરોગી વર્ષની સફળતા’, ‘પ્રજ્ઞા નિશાળે ભણવા દે’, ‘ખેલ મહાકુંભ’, ‘પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, ‘વાંચે ગુજરાત’, ‘સ્વર્ણિમ ગુજરાત’ જેવા કાવ્યો લખીને બાળકાવ્યને સરકારી પ્રચારનો મંચ બનાવે, કે તથાગત પટેલ ‘અમારું છે કોઈ?’ પુસ્તકમાં, મા-બાપને ઘરડાઘરમાં મૂકવાની, ગુટખા-સિગારેટ સામેની કે પિતા દુધના પૈસામાંથી દારુ ખરીદતા હોવાની ફરિયાદો બાળ-કિશોર વાર્તાઓમાં આપે, પરંતુ એમનાં પુસ્તકો પ્રકાશકો દ્વારા પ્રકાશિત થાય જ છે! આપણે માનીએ, કે આપણી સાહિત્ય અકાદમી ગુણવત્તાના આધારે જ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપતી હશે. પણ આવાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ સાહિત્ય અકાદમી આર્થિક સહાય આપે છે, એ કેવી કરૂણતા કહેવાય?

છે કોઈ પ્રકાશનના પડકારો અહીં?

આ લેખકો અને તેમના પ્રકાશકો, આવું બધું આપીને કઈ રીતે બાળકોનું મનોરંજન અને મનોઘડતર કરે છે? અને મને ખાતરી છે, કે આ લેખકોને પ્રકાશનના કોઈ જ પડકારો નડતા નહીં હોય! ઉલટાં, સાહિત્યની ગુણવત્તાને બદલે પુસ્તકોની સંખ્યાના આધારે આવા લેખકોને અને પ્રકાશકોને નવા-નવા મંચ મળતા રહે છે, અને પ્રતિષ્ઠિત મંચો દ્વારા તેમને પુરસ્કૃત પણ કરાતાં જોવામાં આવે છે.

કોને નડે છે આ પડકાર એ તો કહો?

હા એક વર્ગને આ પડકાર નડી રહ્યો હશે. જેમણે પોતાના પુસ્તકોની સંખ્યા નહીં, માત્ર અને માત્ર બાળકોને ધ્યાનમાં રાખીને ગુણવત્તાભર્યું બાળસાહિત્ય રચવું છે, જેને પોતાનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે પ્રકાશકને એક પણ રૂપિયો નથી આપવો, અને સામી રોયલ્ટી માગવી છે, એ વર્ગને પ્રકાશનના પ્રશ્નો જરૂર નડતા હોઈ શકે! એક દાખલો આપું. મારા બાળકાવ્યોના પુસ્તકને અકાદમીનું પારીતોષિક પ્રાપ્ત થયું, ત્યારે એક જાણીતા પ્રકાશકે ફોન કરીને આ પુસ્તકની બીજી આવૃત્તિ કરવા માટે ઑફર આપેલી. અને ફોન પર જ મેં તેમને પૂછેલું કે મને રોયલ્ટી કેટલી આપશો, ત્યારે એમણે બેશરમીથી નન્નો ભણી દીધો હતો. વર્ષ ૨૦૦૭માં અશ્વિનની એક લઘુકથાને, સાહિત્ય પરિષદના જ હોલમાં ‘સાધના’ પારિતોષિક આપતી વેળાએ શ્રી હર્ષદ ત્રિવેદીએ કરેલી ટકોર મને યાદ આવે છે. એમણે કહેલું, કે “આપણે આશા રાખીએ, કે આવનારા વર્ષોમાં લઘુકથાઓનું ચયન બહાર પડે, અને આ વિજેતા લઘુકથાઓને તેમાં સ્થાન મળે”. સાત વર્ષ વીતી થયાં એ વાતને, પણ કોઈ પ્રકાશકે એ પારીતોષિક વિજેતા લઘુકથાઓને કોઈ ચયનમાં સ્થાન ન આપ્યું. વર્ષ ૨૦૦૮માં પ્રકાશિત થયેલા મારા પુસ્તક “વારતા રે વારતા” પુસ્તકને અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૨-૧૩માં પ્રકાશિત “મનપસંદ બાળવાર્તાઓ”ના ત્રીસ પુસ્તકોના સંપાદન સમયે સંપાદક કે પ્રકાશકના ધ્યાનમાં મારી એક પણ બાળવાર્તા ધ્યાનમાં નહીં આવી હોય? એ જ રીતે અશ્વિનના પુસ્તક ‘રખડપટ્ટી’ને પણ ૨૦૦૭માં બાળસાહિત્ય અકાદમી દ્વારા વિજ્ઞાન વિષયક શ્રેષ્ઠ બાળવાર્તાઓનું પારિતોષિક અપાયું હતું. પરંતુ આટલાં વર્ષોમાં આ પ્રકાશકોનું ધ્યાન અમારાં પુસ્તકો તરફ ગયું જ નહીં હોય? કોઈ પ્રકાશક કે સંપાદક, પોતાના સંકલન કે પ્રકાશન કરવાના સમયે અકાદમી, પરિષદ કે બાળ સાહિત્ય અકાદમી દ્વારા નવાજવામાં આવતાં પુસ્તકની યાદી તરફ નજર નાખતા હશે કે નહીં એ જ સમજાતું નથી.

એટલે, કોઈ લેખક મને એમ કહે, કે એણે પોતાના પુસ્તક માટે પ્રકાશકને એક પણ પૈસો નહોતો આપ્યો, તો મારું મન તો તેમની વાત માનવાની ના જ પાડતું હોય છે. પારીતોષિક વિજેતા કૃતિઓના પણ જો આ હાલ હોય, તો પછી અન્ય લેખકોને પ્રકાશકો કઈ રીતે લાભ આપે? હા, લેખક પાસેથી કોપીરાઈટ પડાવી લઈને મામુલી રકમ પકડાવી દેવાના કિસ્સાઓ ઘણા જોયા છે, જેમાં લેખકને આત્મસંતોષ થાય, કે આપણને તો પ્રકાશકે સામેથી રોયલ્ટી આપી છે. પરંતુ કોપીરાઈટના ભોગે મળતી રકમને રોયલ્ટી ગણાવી શકાય નહીં.

એટલે, પ્રકાશનનો પ્રશ્ન કે પડકાર નડે છે પ્રકાશકની ચુંગાલમાં ફસાવા માગતા ન હોય, એવા લેખકોને.

અગાઉ બાળસાહિત્યના મંચ પરથી અને તેની માસિક પુસ્તિકા દ્વારા પણ, ઘણી વખત આ પ્રકારની ચર્ચા છેડવામાં આવી છે, અને મોટા ભાગે કંઈ નક્કર કાર્યવાહી, સચોટ માર્ગદર્શન કે પરીણામોની જાહેર જાણકારી વગર એ ચર્ચાઓ અધૂરી રહીને શમી જવા પામી છે. ત્યારે આ તબક્કે હું પ્રકાશનના અમારા અનુભવો અને રસ્તાઓની વાત ટૂંકમાં અહીંથી કરવા ઇચ્છું છું. હા, એવું બને, કે જુદા-જુદા સમયના અનુભવો દરેક તબક્કે કામ લાગે જ એવું નથી બનતું. જેમ કે, અમારા બંનેનાં પહેલાં પુસ્તક ૬૪ પાનાનાં હતાં. બંને પુસ્તકોને ૨૦૦૭માં અકાદમી તરફથી પાંચ-પાંચ હજારની સહાય મળી હતી. અમારા ગામના હિતેચ્છુઓએ અમને સલાહ આપી હતી, કે “આવો, ફલાણા કે ઢૂંકણા પ્રકાશ પાસે જઈએ, પાંચ હજાર એમને આપી દેવાના, તમારા નામે પુસ્તક એ કરી આપશે.” પહેલા પચીસ અને પછી પચાસેક કોપીની લાલચ, અકાદમીની ૧૫ કોપી પણ પ્રકાશ જ મોકલી આપે… વળી પ્રકાશકને કારણે તમારાં પુસ્તકોનો ફેલાવો પણ બહુ થાય… વગેરે, વગેરે…

પરંતુ અમે એ જાળમાં ન આવ્યાં. ઘરના કોમ્પ્યુટર પર જ અમે એ પુસ્તકો જાતે ટાઈપ કરીને તૈયાર કર્યાં, ઇન્ટરનેટ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થઈ શકે તેવાં, અને બજારમાંથી થોડા પૈસા ખરચીને ચિત્રોની સીડી ખરીદીને ચિત્રો એકઠાં કર્યાં, અને અકાદમીની પાંચ હજારની સહાય સામે બીજા પાંચ હજાર ખરચ્યા. બદલામાં એક ઓફસેટ પ્રિન્ટરે અમારા બંને પુસ્તકોની પાંચસો-પાંચસો નકલો અમારા હાથમાં મૂકી. માત્ર દસ રૂપિયામાં એક નકલ પડી હતી અમને! આજે ગણવા જઈએ તો કાગળ અને પ્રિંટિંગના ભાવો વધ્યા હોવાને કારણે નકલ થોડી મોંઘી પડે. નકલ દીઠ ટપાલટીકીટના બીજા પાંચ રૂપિયા ખરચીને અમે એ પાંચસોએ પાંચસો નકલો એવા હાથમાં મૂકી જેઓ એ પુસ્તકોનાં ખરા હકદાર હતા! અને એ હાથ હતા બાળકોના! એમાં ઝૂંપડપટ્ટીની શાળાનાં એવાં બાળકો પણ સામેલ હતાં જેમનાં મા-બાપ ક્યારેય પૈસા ખરચીને પોતાના બાળકોને બાળસાહિત્યનું પુસ્તક અપાવવાનાં ન હતાં. આ હતી અમારી ખરી કમાઈ અમારા પ્રકાશનના ધંધામાં! અને તો પણ અમે ખોટમાં નહોતા ગયા. પાંચ હજાર રૂપિયા પ્રકાશકને આપીને પચીસ-પચાસ નકલો લઈને અમે કરવાના શું હતાં એ નકલોનું?

એ પછી પણ અમે અમારાં ત્રણ પુસ્તકો જાતે પ્રકાશિત કર્યાં, અને અમારા અન્ય લેખક મિત્રોનાં પણ કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરવામાં મદદ કરી. એકંદરે પ્રકાશક તરીકેનો અમારો અનુભવ એકદમ સુખદ અને સંતોષપ્રદ રહ્યો છે. અને અનુભવે આજે અમે એટલાં સમૃદ્ધ થયાં છીએ, કે આજે આ મંચ પરથી અહીં બેઠેલા લેખક મિત્રો વચ્ચે એ અનુભવ ટાંકીને સ્વપ્રકાશનનું બીડું ઝડપવા માટે આગ્રહ કરી શકીએ તેમ છીએ. લેખક મંડળમાં ફોન કરશો એટલે અમારો ફોન નંબર તમને મળી રહેશે, અને અમને ફોન કરશો, એટલે તમારું પુસ્તક તમે કઈ રીતે જાતે, સરળતાથી, પ્રકાશિત કરી શકો તેની વિગતો અમે તમને જણાવીશું અને અમારાથી શક્ય એટલી સહાય પણ કરીશું.

બાળસાહિત્યના પ્રકાશનના માર્ગ બહુ જ સરળ છે. એક, કાં તો પચીસ-પચાસ હજાર રૂપિયા ગુંજામાં રાખો. બે, પાંચ-દસ નવોદિતોને પાંખમાં લઈને એમના પચીસ-પચાસ હજાર રૂપિયા કોઈ પ્રકાશકને અપાવો, અને ત્રણ, સ્વપ્રકાશનનો માર્ગ અપનાવો.

બોલો, છે કોઈ પડકાર બાળસાહિત્યના પ્રકાશનની સામે? મંચ હજી ખૂલ્લો જ છે.

*

અહીંથી ગયા એ રણ તરફ (એક મલંગનાં મરશિયાં)

એક ફીનીક્સ
નામે શિવકુમાર,

એની આ રાખ
અમે એકઠી કરીને મૂકી છે તમારી સામે,

જો ન કરત અમે એવું,
તો પણ
રાખમાંથી શિવકુમાર ઊભા થવાના જ હતા.

પરંતુ,

આપ સહુ જોઈ શકો,
જોઈને આપની શ્રદ્ધા બંધાય,
કે ભૂતકાળની રાખમાંથી ઊભું થયેલું પંખી
ભવિષ્યમાં અદ્‌ભૂત ઊડાનો કરશે,
એટલા ખાતર…

અને કાલે એ પંખીમાં આપને,
શિવકુમારની ઝલક દેખાય,
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

શ્રી શિવકુમાર આચાર્યનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રકાશિત અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.

શ્રી શિવકુમાર આચાર્ય એક મોટા ગજાના પત્રકાર, એક પ્રખર નાટ્યવિદ, અચ્છા વાર્તાકાર, સૌરાષ્ટ્રનાં ગામેગામના ઇતિહાસના, ગામેગામની ભૂગોળના અને ગામેગામનાં આર્થિક-વાણિજ્યિક પાસાંના પૂરેપૂરા માહિતગાર, ઇતિહાસ અને પૂરાતત્ત્વ બાબતે અનેક તર્ક અને તારતમ્યનો ભંડાર, લોકબોલી, બોલીની લઢણો, કહેવતો, રૂઢિપ્રયોગો અને લોકકથાઓનો ખજાનો!!!

અને આ બધાંને વટી જાય એવી વાત એ કે તેઓ એક પ્રતિબદ્ધ માનવી! તળના-છેવાડાના લોકો હોય કે પશુ-પંખી, શોષિતો અને વંચિતો તરફ એમનો કાયમ પક્ષપાત, જેણે તેમને વારંવાર કલમ પકડવા મજબૂર કર્યા. માત્ર વાગવિલાસિતામાં પડી રહેવાને બદલે ચોથી જાગીરના એક અદના સૈનીક બની જાનના જોખમે પણ કલમની આન સાચવવી એ તેમનો જીવન મંત્ર હતો!

અને એટલે જ, જ્યારે-જ્યારે તેમને બે રસ્તાના વિકલ્પો મળ્યા, એક નદી તરફ જતો ભર્યો-ભર્યો, છલોછલ, સુંવાળો, જાજમ પાથરેલી હોય એવો, અને સામે પક્ષે રેતી અને ગરમ પવનો મળીને ક્ષીર્ણ-વિક્ષીર્ણ કરી નાખવા આતુર હોય, તરસથી મો-કંઠ અને આત્મા પણ સુકાવા લાગ્યા હોય, ત્યારે આત્માનો અવાજ સાંભળીને એમણે રણનો વિકલ્પ ખૂબ પ્રેમથી ગળે લગાડ્યો, અને પૂરી વફાદારીથી, પાગલપનની હદ સુધી નિભાવ્યો.

શ્રી શિવકુમાર આચાર્યનાં પત્રકારત્વ, નાટક, ટૂંકીવાર્તા, ફિલ્મ, લોકસાહિત્ય જેવાં એકાધિક કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા તેમના મિત્રો અને સાથીઓએ, તેમની સાથેનાં સંસ્મરણોને આ ગ્રંથમાં વાચા આપીને તેમની બહુમુખી પ્રતિભાને અને આ સઘળાં ક્ષેત્રોમાં તેમની પ્રતિબદ્ધતા તેમજ પ્રદાનને લોકાભિમુખ કરી આપ્યું છે. તેમની પર ઓળઘોળ સ્વજનોની સાથોસાથ, તેમની સાથે મતભેદો ધરાવનાર, અને ક્યારેક માઠું પણ લગાડનાર મિત્રોએ પણ મન મૂકીને, પોતાની વ્યસ્તતાઓ અને વિષમ સંજોગો વચ્ચે પણ, પોતાની સ્મૃતિમંજૂષાને ફંફોસી-ફંફોસીને, દીલ દઈને લખ્યું છે. આ સર્વેના સહૃદય સહકાર બદલ અમે તેમનાં ઓશિંગણ છીએ.

આ સર્વેની નિસબત વડે જ આ ગ્રંથ, કેવળ એક સ્મૃતિગ્રંથ બની રહેવાને બદલે, કંઈક અંશે ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, પત્રકારત્વ અને સામાજિક ચેતનાનો દસ્તાવેજ બની શક્યો છે. આશા છે, કે પત્રકારત્વ, નાટ્યજગત, લોકજીવન અને સિનેમામાં રસ ધરાવતાં ગુણીજનો સહિત લોકશાહીના સર્વે ખેતરપાળોને આ ગ્રંથ ઉપયોગી થશે.

શ્રી શિવકુમાર આચાર્યનાં લખાણોમાંથી આપની પાસે કંઈ હોય, તો અમને જાણ કરવા મહેરબાની કરશો, જેથી અમારા આગામી સંકલનમાં તેનો સમાવેશ કરી શકાય.

બેગમ અખ્તર, આજ ભી…

૭ ઓક્ટોબર બેગમ અખ્તરની જન્મતારીખે…
-અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

બેગમ અખ્તર

બેગમ અખ્તર

આ પડદા, આ શીતળ વાતાનુકૂલન, કેમ ઓગાળો છો તડકીલા તીખા મયમાં !
અરે ઓ અખ્તરીબેગમ ! ઘૂંટો છો કાં અલસ બપ્પોરને એક દર્દના લયમાં?

-મીનાક્ષી ચંદારાણા

          ગઝલ શબ્દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્વરો માટે બેગમ અખ્તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં!

        બેગમ અખતર! ભાગ્યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી.

        તવાયફ શબ્દ આજે તેનો મૂળ અર્થ તો ક્યારનોય ખોઈ બેઠો છે. આજે તો તવાયફ શબ્દ બોલતાંની સાથે જ હિંદી ફિલ્મના મુજરા જેવા નખરાંઓ યાદ આવે. પણ વર્ષો પહેલાં મૂળે શાસ્ત્રીય સંગીત પર આધારિત ઠૂમરી, ગઝલ વગેરે ગાઈને રાજ-મહારાજા-નવાબોનું મનોરંજન કરનાર સ્ત્રીઓ સાથે આ શબ્દ જોડાયેલો હતો. જો કે ત્યારે પણ સ્ત્રીઓ સાથે સીધી રીતે સંકળાયેલો હોવાથી પુરુષપ્રધાન સમાજમાં એ શબ્દ કંઈ ખાસ આબરૂ તો ધરાવતો ન જ હતો. પણ જેમ કમળ કાદવમાં જ જન્મ લેતું હોય છે, તેમ ઉત્તર પ્રદેશના નાનકડા ગામ ફૈઝાબાદમાં ઑકટોબર 7, 1914ના દિવસે જન્મેલા બેગમ અખ્તર, મૂળે તવાયફ કુટુંબનું ફરજંદ. એ કારણે બેગમનું મૂળ નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી. તવાયફ કુટુંબ સાથે સંકળાયેલાં હોવાથી સંગીત સાથે ગર્ભનાળથી જ નાતો.

          બહુ નાની ઉંમરથી જ તેમને સંગીત પ્રત્યે લગાવ થઈ ગયો હતો. સાતેક વર્ષની ઉંમર હશે ત્યારે, તે સમયની ગામેગામ ફરીને ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરતી જાણીતી ગાયિકા ચંદ્રાબાઈની ગાયકીથી અખ્તરીબાઈ ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. ગળું તો બહુ નાનપણથી જ કેળવાઈ ગયું હતું. પણ ચંદ્રાબાઈની જેમ પોતાના ગળાની નુમાઈશ કરીને ગઝલ શીખવાનો મનસૂબો પાર પાડે એ પહેલાં જ અખ્તરીબાઈના પિતાએ અચાનક જ કૌટુંબિક અસંતોષને કારણે અખ્તરીબાઈ અને તેમની માતાનો ત્યાગ કરી દીધો. હતાશ માતાએ મજબૂરીવશ, અખ્તરીબાઈને લઈને, પોતાના ભાઈને ઘેર ‘ગયા’ શહેરમાં આશરો લેવો પડયો. અખ્તરીબાઈનો સંગીતશોખ લાંબા સમય સુધી મામાના ધ્યાન બહાર ન રહ્યો. પણ એમણે અખ્તરીબાઈના ગઝલશોખની સાથોસાથ શાસ્ત્રીય સંગીતની તાલીમ પર ભાર મૂક્યો. એમના આગ્રહને વશ થઈને પટણાના મશહૂર સિતારવાદક ઉસ્તાદ ઈમદાદખાન પાસે અખ્તરીબાઈની ગઝલની તાલીમ શરૂ થઈ. પણ થોડા સમયમાં જ તેમની માતાએ ગયાથી કલકત્તા સ્થાયી થવાનો નિર્ણય લીધો. પતિયાલા ઘરાનાના ઉસ્તાદ અતા મોહમ્મદખાન પાસે અખ્તરીબાઈની ગઝલની સાથોસાથ ઠૂમરી, ખયાલ, વગેરે જેવા ઉપશાસ્ત્રીય ગાયનપ્રકારોની સઘન તાલીમ શરૂ થઈ. આજે બેગમની જે ગઝલો સાંભળીને રેશમ-રેશમ થઈ જવાય છે એ તે સમયના, સાત-આઠ વર્ષની માસુમ ઉંમરમાં બેગમે કરેલા રોજના સાત-આઠ કલાકોના રિયાઝનું પરિણામ જ હશેને!

બેગમ અખ્તર

બેગમ અખ્તર

          કલકત્તામાં અખ્તરીબાઈએ શાસ્ત્રીય સંગીતના મહારથી ઉસ્તાદ મોહમ્મદખાન, લાહોરના કિરાના ઘરાનાના ઉસ્તાદ વાહિદખાન અને ઉસ્તાદ ઝંડેખાન ઉપરાંત પતિયાલા ઘરાનાના ઉસ્તાદ બરકતઅલી અને લખનૌના ઉસ્તાદ રમજાનખાન પાસે પણ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને ગઝલગાયકીનું શિક્ષણ મેળવ્યું. આગળ જતાં ઉસ્તાદ વિલાયતખાન પાસે ગાયન તેમજ પ્રસિદ્ધ સિતારવાદક અરવિંદ પરીખ પાસે સિતારવાદન પણ શીખેલાં. અહીં સુધી તેમની ઓળખ ઉપરોક્ત ઉસ્તાદોના શાગિર્દ તરીકેની જ હતી. પંદર વર્ષની ઉંમરે એમણે પહેલી વખત કલકત્તામાં એક જાહેર કાર્યક્રમમાં ગાયું, અને એ સાથે જ ગાયકીના જગતમાં એક ઉન્માદ ફેલાઈ ગયો. એ પછીનાં થોડાં વર્ષો સુધી જાહેર કાર્યક્રમોની સાથોસાથ તેમનું સંગીતશિક્ષણ પણ સતત ચાલતું જ રહ્યું. પણ વીસ વર્ષની ઉંમરે એક ઘટના બની. એ સાથે સંગીતજગતમાં એક વાવાઝોડું ફૂંકાયું. કલકત્તાના આલ્ફ્રૅડ થિયેટરમાં એ સમયે ભૂકંપપીડિતોની સહાય માટે એક મોટો જલસો યોજાયો હતો. એ જલસામાં સંગીતજગતનાં મોટા અને જાણીતા ગાયકો ભાગ લેવાના હતા. સંજોગવશાત એ જલસામાં કોઈ મોટાં માથાં ભાગ લેવા આવ્યાં નહીં! જલસાના કાર્યકર્તાઓ મૂંઝાયા. જાણીતા સંગીતકારો-ગાયકો ન આવે તો કલકત્તાની સંગીતપ્રેમી પ્રજા આયોજકોની ધૂળ કાઢી નાખે તેમ હતી. આથી આયોજકોએ આખાયે કાર્યક્રમની જવાબદારી અખ્તરીબાઈ ઉપર નાખીને હાથ ધોઈ નાખ્યા. પરંતુ આયોજકો અને કલકત્તાની પ્રજાને અખ્તરીબાઈએ જરાયે નિરાશ ન કર્યાં. દાદરા અને ગઝલોની જમાવટ દ્વારા અખ્તરીબાઈએ માત્ર વીસ વર્ષની ઉંમરે જાણીતા ગાયકોની ગેરહાજરી જરાયે કળાવા ન દીધી. પ્રજાના સતત આગ્રહને વશ, એ રાત્રે -એ મંચ પર અખ્તરીબાઈનો બીજો જન્મ થયો જાણે! પ્રજા એમનો અવાજ સાંભળીને એવી તો મદહોશ થઈ ગઈ, કે એ રાત્રે અખ્તરીબાઈ સિવાય બીજા કોઈ કલાકારને મંચ ઉપર ફ‍રકવા પણ ન મળ્યું. લોકપ્રિય કવયિત્રી સરોજિની નાયડુએ એ રાત્રે તેમને પ્રશંસાનાં પુષ્પોથી નવડાવી દીધાં.

        અખ્તરીબાઈએ પોતે પણ કલકત્તાની જનતાના સંગીતપ્રેમને વશ થઈને એ રાત્રે મન મૂકીને ગાયું. લોકો સામે પ્રથમ વખત એક અવાજે જાદુ ફેલાવી દીધો હતો. એ રાતની સફળતાએ તેમના માટે સંગીતના જલસાઓની સાથોસાથ અન્ય કારકિર્દીના દ્વાર પણ ખોલી નાખ્યાં. રેશમી અવાજની સાથોસાથ તેઓ એક સુંદર ચહેરો અને સુકોમળ દેહયષ્ટિ પણ ધરાવતાં હોવાને કારણે ફિલ્મ નિર્માતાઓની નજરમાં એક આદર્શ સ્ત્રી પાત્ર તરીકે તેઓ ઊભરી આવ્યાં. ‘મુમતાઝ બેગમ’, ‘જવાની કા નશા’, ‘કિંગ ઑફ અ ડે’, ‘અમીના’, ‘રૂપ કુમારી’, ‘નસીબ કા ચક્કર’, ‘અનારબાલા’, ‘પન્ના દાઇ’, ‘દાના-પાની’, ‘એહસાન’, ‘નળ-દમયંતી’, વગેરે ઉપરાંત મશહૂર નિર્માતા-દિગ્દર્શક મહેબૂબખાનની ‘રોટી’ અને સત્યજીત રાયની ‘જલસાઘર’માં તેમણે અભિનયના અજવાળાં સાથે તેમની ગાયકીનો લાભ આપ્યો. ફિલ્મો ઉપરાંત રંગમંચ પર પણ ‘નઈ દુલ્હન’, ‘આંખ કા નશા’, વગેરે નાટકો દ્વારા તેમણે અભિનય આપ્યો. મહેબૂબખાનની રોટીમાં તેમણે ગાયેલી છ ગઝલોમાંથી ત્રણ ગઝલો નિર્માતા અને નિર્દેશક વચ્ચેના ઝગડામાં હોમાઈ ગઈ હતી, જે રેકર્ડ પર આજે પણ સચવાઈ રહી છે. રોટી ફિલ્મમાં સિતારાદેવી સાથે તેમણે કામ કરેલું.

        પણ ફિલ્મ અને નાટકોને તેમનો સાથ બહુ લાંબા સમય સુધી ન મળ્યો. આધુનિક ઉપકરણોના અભાવે રિહર્સલ દરમ્યાન લાંબા સમય સુધી મોટા અવાજે બોલવાના શ્રમને કારણે એમના રેશમી અવાજને માઠી અસર પહોંચતી હોવાના કારણે તેમણે એ પછી માત્ર સંગીત માટે જ પોતાના ગળાને શ્રમ આપવાનો નિર્ણય કરી લીધો, અને ફરીથી સંગીતસાધનામાં લીન થઈ ગયાં.

        પણ આ તબક્કે કંઈક એવું બની ગયું, જેણે બેગમના ગળાને થોડા સમય સુધી સંગીતથી દૂર કરી દીધાં. બન્યું એવું, કે ઉંમરલાયક અખ્તરીબાઈના લગ્ન લખનૌના એક બૅરિસ્ટરર ઈસ્તીયાક એહમદ અબ્બાસી સાથે થયા. આ લગ્ન સાથે, હવે તેઓ અખ્તરીબાઈને બદલે ‘બેગમ અખ્તર’ના નામે ઓળખાવા લાગ્યાં. પણ તેમની ગાયકી માટે આ લગ્ન નુકસાનરૂપ પુરવાર થવાના હતા. ઈસ્તીયાક એહમદ અબ્બાસી પોતે સંગીત કે ગાયનના વિરોધી તો ન હતા, પણ ખૂબ જ રુઢિચુસ્ત અને જુનવાણી વિચારના હતા. આથી એમણે બેગમના જાહેર ગાયનના કાર્યક્રમો અંગે નાખુશી વ્યક્ત કરી. બેગમ માટે ઘર અથવા કારકિર્દી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોવાથી ન છૂટકે તેમણે પોતાની ગાયન કારકિર્દીને ઠોકર મારીને ઘરના ખૂણાને પસંદગી આપવી પડી.

        પણ અંદરખાને તેઓ જરા પણ ખુશ ન હતાં. સંગીતના સાથ વગર તેઓ જાણે સાવ મૂરઝાઈ ગયેલા છોડ જેવાં થઈ ગયાં. સતત તેર વર્ષ સુધી એ એકદંડિયાવાસમાં સંગીતથી દૂર રહીને ઝૂરતાં રહ્યાં, અને છેવટે ગંભીર માંદગીમાં પટકાયાં. તેમનાં મિત્રો, સ્નેહીઓ તેમની પરિસ્થિતિ જાણતાં હતાં પણ ઈસ્તીયાક એહમદ પાસે સહુ લાચાર હતાં. આખરે તેમનાં મિત્રો અને ડૉકટરોએ ઈસ્તીયાક એહમદને ખૂબ સમજાવીને પ્રથમ માત્ર રેડિયો પર ગાવાની છૂટ અપાવી. રેકોર્ડીંગ પૂરું થયા બાદ બેગમ રડી પડયાં. રેડિયો પર તેમના દ્વારા ગવાયેલી ત્રણ ગઝલોએ એવી તો લોકપ્રિયતા મેળવી કે ના છૂટકે ઈસ્તીયાક એહમદે તેમને મહેફિલોમાં ગાવાની છૂટ આપવી પડી.

બેગમ અખ્તર

બેગમ અખ્તર

        તેમની ગાયકીએ તેમને સંગીત નાટય અકાદમીના પારિતોષિક અને પદ્મશ્રીની નામના પણ અપાવી. મરણોપરાંત પદ્મભૂષણ પારિતોષિક પણ ખરું. 1994માં ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. તેમના ચાહકોમાં તો તેઓ ‘મલેકા-એ-ગઝલ” તરીકે જ જાણીતાં હતાં. ભારત અને પાકિસ્તાનના, મલ્લિકા પોખરાજ, મેંહદી હસન, રુના લૈલા અને સલમા આગા જેવા કેટલાયે ગાયકોએ તેમની ગાયકીની અસર હેઠળ ગાયું છે. સમયની સાથે સાથે તેમનો અવાજ પુખ્તતાની સાથે એટલો તો ઊંડાણભર્યો અને બેનમૂન બન્યો હતો કે તેમના અવાજના સૌંદર્યને કે તેમણે વિકસાવેલી ગઝલગાયકીને ભાગ્યે જ કોઈ સ્પર્શી શક્યું છે. તેમણે લગભગ ચારસો ગઝલો, ગીતો, વગેરે ગાયાં છે જેમાંનાં મોટાં ભાગનાં તેમણે પોતે શાસ્ત્રીય રાગો પર આધારિત સ્વરબદ્ધ કર્યાં છે.

        ભાગલા સમયે ફરી એક વખત સંગીત ચાહકોને તેમના ગાયનથી વંચિત રહેવાનો સમય આવ્યો હતો. તે સમયના વિભાજિત ભારત-પાકિસ્તાનના રાજકારણને કારણે અન્ય અનેક ઉત્તમ કલાકારોની સાથોસાથ બેગમના સંગીત પર પણ ગૃહમંત્રાલય દ્વારા રેડિયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ રેડિયો સ્ટેશનના અધિકારીઓ અને સંગીતચાહક પ્રજાના સંયુક્‍ત પ્રયાસો દ્વારા સરકાર પર દબાણ લાવીને આ પ્રતિબંધ હઠાવવામાં આવ્યો હતો.

        1974ના ઑકટોબર મહીનામાં અમદાવાદમાં એક સંગીત કાર્યક્રમ આપવા આવેલાં બેગમની તબિયત નાજુક જ હતી. પણ સંગીત પ્રેમી પ્રજાના આગ્રહને વશ થઈને તેમણે બમણાં ઉત્સાહથી મંચ પર ગાયું. છેલ્લે ચૈતી ગાઈ ‘સોવત નિંદીયા જગાયે, હો રામા…’. એ રાતના મીઠા ઉજાગરાનો શ્રમ તેમની સાથોસાથ સંગીત માટે પણ બહુ મોંઘો સાબિત થયો. જેમના આગ્રહને માન આપીને બેગમ અમદાવાદ કાર્યક્રમ આપવા આવ્યાં હતાં, બેગમનાં એ અંગત મિત્ર એવાં નીલમ ગામડિયાના સાંનિધ્યમાં જ એમણે દેહ છોડયો. એમના દેહાવસાન સાથે ગઝલગાયકીના ક્ષેત્રે એક એવો શૂન્યાવકાશ સજર્યો છે, જે આજે પાંત્રીસ-પાંત્રીસ વર્ષ વીત્યાં છતાં ભરી શકાયો નથી, પણ ખુદ બેગમ અખ્તર પોતે, પોતાની ગાયકી દ્વારા આપણી સાથે સદેહે હાજરાહજૂર છે એવું સૌ ગઝલ પ્રેમીઓ કબૂલશે.

        બેગમના અવાજના આશિકોના, બેગમ સાથે સંકળાયેલા બેગમની ગઝલો જેવા જ બેનમૂન કિસ્સાઓ, દંતકથા લાગે તેવા અનેક આશ્ચર્યજનક કિસ્સાઓ પણ મોજૂદ છે.

        ઉસ્તાદ મહમ્મદખાન એક વખત પોતાના નિવાસસ્થાને જામેલી મહેફિલમાં સિતાર પર મારુ-બિહાગ રાગ છેડી રહ્યા હતા. ગાયન દરમ્યાન બારણા તરફ થઈ રહેલી હલચલ તરફ તેમનું ધ્યાન ગયું અને અચાનક સિતારવાદન થંભી ગયું. બારણામાં ઊભેલાં એક યુવાન સન્નારીને આવકારીને એમણે ફરીથી સિતારવાદન આગળ તો ચલાવ્યું, પણ સત્વરે એમણે સિતાર નીચે મૂકીને આવનાર સન્નારી, જે બેગમ અખ્તર હતાં, તેમને ગાવાની ફરમાયશ કરી. એમના આગ્રહને વશ થઈને દાઢના દુખાવાને અવગણીને પણ બેગમે ભૈરવી રાગમાં એક ઠૂમરી સંભળાવી.

        આવો જ એક અન્ય કિસ્સો સહેજ જુદી રીતે તેમના ચાહકોને યાદ છે. રાજકોટ શહેરમાં બેગમ અખ્તર એક જાહેર કાર્યક્રમમાં ગઝલો સંભળાવી રહ્યાં હતાં ત્યારે તેમની નજર બારણાં તરફ‍ ગઈ, અને એમનું ગાયન થંભી ગયું. શ્રોતાઓ પણ અચાનક આવી પડેલા વિશ્રામને આશ્ચર્ય સાથે જોવા લાગ્યા. અચાનક બેગમનો અવાજ સંભળાયો, ‘આઇયે કાન્તિભાઈ…’ અને પછી તરત જ અટકી પડેલ સંગીતને આગળ વધાર્યું. એ હતાં કાન્તિભાઈ સોનછત્રા, જેની ઓળખ સંગીતજગતને આપવાની જરૂર રહેતી નથી.

        રાજકોટના આ પ્રસંગે બેગમે પોતે વગાડવા માટે શ્રી વિમલ ધામીનું હાર્મોનિયમ પસંદ કરેલું એ વાતને વિમલભાઈ બહુ પ્રેમથી આજે પણ યાદ કરે છે.

        બેગમ મુંબઇમાં હોય ત્યારે અચૂક ‘હોટૅલ સી-ગ્રીન’માં જ ઉતારો હોય. કૅપ્સ્ટન સિગારેટ ઉપરાંત જીન એમના શોખની બીજી ચીજ!

        ઉસ્તાદ આમીરખાં સાથે એટલાં તો નિકટના સંબંધો, કે ઉસ્તાદને એમનાં પત્ની સાથે અણબનાવ થયો, તો બેગમે બંને સાથે હોટૅલ સી-ગ્રીનમાં સમાધાન માટે બેઠક રાખી હતી. ઉસ્તાદ આમીરખાં અવારનવાર બેગમ પાસે આગ્રહપૂર્વક ઠૂમરી ગવડાવતા.

        પ્રસિદ્ધ ગાયિકા એમ. એસ. શુભલક્ષ્મી માટે બેગમને ખૂબ જ માન. નર્તકોમાં સિતારાદેવી, અચ્છન મહારાજ, લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ માટે પણ એમને એટલો જ આદર. અભિનેત્રી નરગિસની માતા જદ્દનબાઈ, બેગમ અખ્તરનાં માતા મુશ્તરીબેગમનાં બહેનપણી. એ નાતે નરગિસ સાથે એમનો નિકટનો પરિચય. લતા મંગેશકર, મહેબૂબ, સરદાર અખ્તર, સોહરાબ મોદી, ચંદ્રમોહન વગેરે એમના નજીકના મિત્રો. તે ઉપરાંત કૈફી અને શૌકત આઝમી સાથે એમનો બહુ નિકટનો નાતો. ખૈયામ, શોભા ગુર્તુ, પંડિત જસરાજ, બડે ગુલામઅલીખાં જેવા મહારથીઓ એમનાં બહુ સારા મિત્રો. જિગર મુરાદાબાદી તો લખનૌ જાય ત્યારે બેગમને ત્યાં જ ઊતરતા. સુદર્શન ફકિર, મિર્ઝા ગાલિબ, દાગ, સૌદા, મીર, સૈયદ અસગર હુસેન સાહેબ, વગેરે તેમના પ્રિય શાયર. પરંતુ એમની કૂણી લાગણીનો એક ખૂણો તો સંગીતકાર મદનમોહન માટે અલાયદો, અનામત! કલાકો સુધી ફોન પર એમની સાથે લાંબી-લાંબી વાતો કરતાં રહેતાં!

        બેગમ બહુ ઉદાર દિલનાં. એક વખત એમને પૈસાની જરૂર પડતાં બચુભાઈ રાજા, જે એમનાં નિકટના સંપર્કમાં હતા, તેમને પોતાની હીરાની વીંટી કાઢીને વેંચવા આપી. બચુભાઈએ વીંટી લઈને એમને રકમ આપી. થોડા સમય પછી ફરીથી બચુભાઈને મળવાનું થયું ત્યારે જોયું કે પેલી હીરાની વીંટી તો બચુભાઈના આંગળામાં જ હતી. બેગમે પૃચ્છા કરતાં બચુભાઈએ સામો સવાલ કરતાં પૂછ્યું કે તમને પૈસાની જરૂર શા માટે હતી? બેગમે ખુલાસો કરતાં કહ્યું કે એમના નોકરની બીમાર દીકરીની સારવાર માટે તેમને પૈસાની જરૂર હતી. બચુભાઈએ હસતાં-હસતાં કહ્યું કે એમને આવી જ કંઈક ધારણા હતી, તેથી જ તેમણે વીંટી વેંચવાને બદલે પોતાની પાસે જ રાખીને પોતે જ પૈસા આપેલા હતા. લ્યો, તમારી વીંટી સંભાળો!

        બેગમના આ ચાહક બચુભાઈ અમદાવાદના છેલ્લા કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ બચુભાઈ આવતીકાલે મળવાનો વાયદો કરીને ગયા. બીજા દિવસે બેગમનો ભેટો થાય એ પહેલાં તો બેગમે વિદાય લીધી. બચુભાઈ છેલ્લી વિદાય માટે આવે તે પહેલાં તો બેગમનો મૃતદેહ લખનૌ જતાં વિમાનમાં મુકાઈ ચૂક્‍યો હતો. બચુભાઈની ખૂબ જ વિનંતી બાદ તેમને બેગમના આખરીદર્શન અને પુષ્પાર્પણ માટે વિમાનમાં જવા દીધા, ત્યારે બચુભાઈએ મનોમન કહ્યું, છેવટે આ રીતે પણ બીજા દિવસે મળવા આવી ગયો છું, બેગમ!’ આ બચુભાઈ ઉર્ફે ચિતરંજનભાઈ રાજા પાસે બેગમ અખ્તરની રેકર્ડોનું એવડું મોટું કલેક્શન, કે બીબીસીએ બેગમ અખ્તર પરની ડોક્‍યુમેન્ટરી બનાવતી વખતે તેમને ઘેર જઈને રેકોર્ડિંગ કરેલું.

        બેગમના અવસાનના સમાચાર રાજકોટના એક વર્તમાનપત્રના સહતંત્રીએ પહેલા પાના પર લીધા. વર્તમાનપત્રના તંત્રી હરસુખ સંઘાણી આ જાણીને અકળાયા, ‘આવા ઓછા મહત્ત્વના સમાચાર પહેલા પાના પર કેમ લીધા?’. સહતંત્રીએ અકળાઈને રાજીનામું આપવાની ધમકી સાથે કહ્યું, ‘બેગમ અખ્તરના મૃત્યુના સમાચાર જેને મન મહત્ત્વના ન હોય એવા તંત્રી સાથે મારે કામ નથી કરવું!’ એ સહતંત્રીનું નામ શિવકુમાર આચાર્ય.

બેગમ અખ્તર

બેગમ અખ્તર

          આ પ્રકાશભાઈ, રસ્તે ચાલતા પણ જો બેગમનો અવાજ સાંભળવા મળે તો બસ, એમના કદમ અટકી જાય! અને એમના આ બેગમપ્રેમનો પુરાવો એટલે હર્ષાબહેન-પ્રકાશભાઈનું ઘર જે માર્ગ પર છે, તે માર્ગનું, આ યુગલના પ્રયાસોને આભારી નામકરણઃ બેગમ અખ્તર માર્ગ.

પ્રકાશભાઈના ઘરના દીવાનખાનામાં જ બેગમની મોટી તસવીર લટકે. કોઈ પૂછે, કે કોની તસવીર છે આ? તો તરત જ જવાબ આપે, ‘મારી મા, મિત્ર, માશૂકા, બહેન… જે કહો તે આ જ છે’!

          પ્રકાશભાઈની ઇચ્છા એવી, કે એમના મૃત્યુને આનંદ અને ઉલ્લાસથી ઉજવાય. શોક રાખશો નહીં. મૃત્યુ તો એક નવી સફર છે, તેનો શોક ન હોય! હા, એ છેલ્લી સફ‍રમાં બેગમ અખ્તરની ગઝલો સાંભળવા મળે તો સારું! અને સાચે જ હર્ષાબહેને સ્મશાનયાત્રા અને તેમની પ્રાર્થનાસભામાં  ચુપચાપ બેસી રહેવા કે ભજન-ધુન ગાવા-વગાડવાને બદલે એ સમયે બેગમ અખ્તરની ગઝલોની કૅસૅટ વગાડીને પ્રકાશભાઈની અંતિમ સફ‍રને બેગમમય બનાવી દીધી હતી!

          મૃત્યુ વખતે હર્ષાબહેને પ્રકાશભાઈ પાછળ કોઈ ધાર્મિક-સાંપ્રદાયિક વિધિ ન કરી! અને એક નેમ રાખી છે, કે જયારે શક્ય થાય ત્યારે, પણ એક વખત લખનૌ સ્થિત બેગમની મઝાર પર ચાદર ચડાવવા જવું છે. કોણ હિન્દુ? કોણ મુસ્લિમ? કલાપ્રેમ માણસોને કેવી કેવી રીતે માનવ બનવા પ્રેરે છે!

          આજે પણ બેગમ અખ્તરનું નામ પડે, કે એમનો અવાજ કાને પડે, અને હર્ષાબહેનની આંખના ખૂણાં પતિની યાદમાં ભીના થઈ જાય છે!!! અને આજેય એમના દીવાનખંડમાં બેગમની એ જ તસવીર ટાંગેલી છે! પ્રકાશભાઈની પણ તસવીર ત્યાં જ છે! હર્ષાબહેન કહે છે, ‘આજે પણ એમની હાજરી અનુભવું છું…’. હર્ષાબહેન કોની વાત કરી રહ્યાં છે!? પ્રકાશભાઈની, કે બેગમની!?

***

(પૂરક માહિતીઃ શ્રી હર્ષાબહેન દવે, શ્રી અરવિંદ શાહ, શ્રી બટુક દિવાનજી, શ્રી આર. સી. મહેતા)

છાતીમાં ઘૂમરાતો ખાંસી જેવો ક્યારેક,

ક્યારેક બેગમ અખ્તર જેવો માણસ છે આ !!   

-લલિત ત્રિવેદી

ઝેબુન્નિસા: દેશના અને ગઝલના ઇતિહાસનું એક વિસ્મૃત પાનું

ઉદ્દેશ સપ્ટેમ્બર ૨૦૦૮માં પ્રકાશિત                              -અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

યમુના તટે એ રમણીય બાગના ખુશનુમા વાતાવરણમાં પુષ્પોથી સુગંધીત પવનની મદમસ્ત મંદ-મંદ લહેરખીઓ વચ્ચે, બાગના પુષ્પો જેવી જ મદમસ્ત એવી એક સુંદર યુવતી ટહેલતી હતી, કંઈક વિચારતી હતી, ગણગણતી હતી. બાગની પુષ્પ-લતા અને એ યુવતીની દેહ-લતા જેવી જ સુંદર કોઈ વાત, સુંદર વિચાર તેના મનમાં આકાર લઈ રહ્યો હતો, પણ યુવતી એ સુંદર વિચારને શબ્દનું સ્વરૂપ આપી હોઠ પર લાવવા મથતી હતી.

અનાયાસ એના હોઠેથી એ વિચાર કાવ્યદેહ ધરીને પ્રગટ થયોઃ

ચહાર ચીજ જે દિલ ગમ બુરદ-કુદામ ચહાર?
શરાબ, સબ્જઃ ઓ આબે રવાં બરુએ-નિગાર.

છે ચાર ચીજ કઈ જે દૂર કરે હૃદયનું દુખ?
શરાબ, હરિયાળી, નદીનો પ્રવાહ, સુંદર મુખ.

આ પંક્તિઓ ગણગણતાં એ યુવતી, એ યુવાન કવયિત્રી, તરત જ સહેમીને આજુબાજુ જોઈ લે છે. એને ડર છે કે દિલ્હીમાં તે સમયે ફેલાયેલા રૂઢિચૂસ્ત વાતાવરણમાં કોઈ ક્યાંક તેને આમ શરાબ અને શબાબનાં ગુણગાન ગાતા સાંભળી તો નથી ગયું ને? દિવસો કપરા હતા, સ્ત્રીઓ માટે તો તો ખાસ; પછી ભલે એ ગમે તેવા આર્થિક સ્તરની કે ઉચ્ચવર્ણી સ્ત્રી કેમ ન હોય!

અને તેનો આ ભય સાવ અસ્થાને પણ ન હતો. તેનાથી થોડે જ દૂર અન્ય એક વ્યક્તિ પણ એ સમયે, તેનો અવાજ સાંભળી શકે તેટલા નજીકના અંતરે જ હાજર હતી. અને એ વ્યક્તિ યુવતીના હોઠે આવેલી પંક્તિઓનો અણસાર પામીને તેની સામે હાજર પણ થઈ ગઈ. તેને જોઈને યુવતી ચોંકી ગઈ, ભયભીત થઈને કાંપી ગઈ. કારણકે તેની સામે અચાનક આવી ચડેલ એ વ્યક્તિ તેના પિતા જ હતાં, જે પોતાના રુઢિચુસ્ત વલણ માટે કુખ્યાત હતા.

યુવતીના સદ્‌ભાગ્યે, પિતાએ તેની પંક્તિઓ બરાબર સાંભળી ન હતી. પિતાની આંખોમાં ન સમજાય એવો પ્રશ્ન જોતાં જ ચાલાક કવયિત્રીએ ત્ત્કાળ પોતાની પંક્તિઓના ભાવને પલટો આપી સામેથી જ પિતા સામે રજૂ કરી દીધોઃ

ચહાર ચીજ જે દિલ ગમ બુરદ-કુદામ ચહાર?
નમાજો રોજઃ ઓ’ તસબીહો તૌબઃ ઈસ્તગફર!

છે ચાર ચીજ કઈ જે દૂર કરે હૃદયનું દુખ?
નમાજ, રોજા, માળા, પશ્ચાત્તાપમાં છે સુખ!

‘વાહ, વારી જાઉં તારા પર…’ યુવાન પુત્રીના મોં પોતાના ધર્મ વિષેના વિચારોને પડઘાતાં સાંભળીને રુઢિચુસ્ત પિતા પુત્રીની મેધાવી પ્રતિભાથી અંજાઈને એટલા તો ખુશ થઈ ગયા કે તેણે પોતાની પુત્રીને શાયરી કરવાની છૂટ આપી દીધી! પિતા તરફ‍થી મળેલી આ સૌગાતથી ઝૂમી ઊઠેલી પુત્રી આનંદિત થઈને પોતાની મૂળ પંક્તિઓ, અલબત્ત મનમાં જ, ગણગણવા લાગી.

————-

 લાહોર નજીક નવકોટના એક બાગમાં ખંડિયેર સમો એક મકબરો છે. કબર પર એક જૂનીપુરાણી આરસની તકતી છે જેના પર કબરમાં સૂતેલ મસૃણ હૃદયની સામ્રાજ્ઞીની પોતાની જ લખેલી પંક્તિઓ કોતરેલી છેઃ

બર મઝારે માં ગરીબાં નૈ ચિરાગે, નૈ ગુલે,
નૈ પરે પરવાનઃ સોજદ, નૈ સદાએ-બુલબુલે.

મુજ ગરીબની આ મજારે ના દીપક ના છે ફૂલો,
પાંખ ના જલતી અહીં, બુલબુલ નથી ગાતા અહીં.

*

દિલ્હીના બાગમાં ખીલેલી પ્રણયની બહારો રેલાવતી પેલી યુવાન દેહ-લતા, કે પછી લાહોર પાસે સૂમસામ, અવાવરું ખંડિયેર સમી કબર નીચે દફ‍ન ગરીબ સ્ત્રીનું નામ હતું ઝેબુન્નિસા, જે પોતાના સમયની ખૂબસૂરત સ્ત્રી હોવાની સાથોસાથ મગરૂબ અને શક્તિશાળી, પણ એક મુલાયમ વ્યક્તિત્વ ધરાવતી કવયિત્રી હતી. અને અત્યંત રૂઢિચૂસ્ત અને ધર્માંધ એવા તેના પિતા, તે પોતાના સમયના મહાન મોગલ શહેનશાહ ઔરંગઝેબ હતા.

1637માં જન્મેલ ઝેબુન્નિસા ખ્યાતનામ મોગલસમ્રાટ ઔરંગઝેબ અને પર્શિયાના સફવિદ કુળની માતા દીલરાસબાનોનું ફ્‍રજંદ હતી, જેનું જીવન અને કવન પોતાના સમયમાં અત્યંત સફ‍ળ અને વિખ્યાત હોવા છતાં બહુ થોડા સમયમાં ગુમનામીના અંધકાર હેઠળ ભુલાઈ ગયું.

ઝેબુન્નિસાના જન્મ સમયે શાહજહાં ગાદી પર હતો. ઔરંગઝેબે દિલ્હીની ગાદી સંભાળી ત્યારે ઝેબુન્નિસા એકવીસ વર્ષની હતી. સૌથી પહેલું સંતાન હોવાથી ઔરંગઝેબની બહુ જ લાડકી હતી. અન્ય ચાર બહેનોમાં બીજી બે બહેનો પણ કવિતા લખતી હતી, પરંતુ ઝેબુન્નિસાની પ્રખર બુદ્ધિમત્તા અને મેધાવી પ્રતિભાને કારણે ઔરંગઝેબે તેને પોતાના દરબારમાં પડદા પાછળ સ્થાન આપ્યું હતું. રાજકાજના આટાપાટામાં ઔરંગઝેબ ઝેબુન્નિસાની સલાહ પણ લેતો અને તેનાં સૂચનો પર અમલ પણ કરતો.

ઝેબુન્નિસા ‘મખ્ફી’ ઉપનામથી શાયરી કરતી. મખ્ફી એટલે છુપાયેલું, અદૃશ્ય. ઝેબુન્નિસાના આ ઉપનામના અનેક પરિમાણો હતાં. ઉપરછલ્લું જોઈએ તો ઝેબુન્નિસા ચહેરા પર જાળીદાર બુરખો ઓઢીને પરદા પાછળથી ઔરંગઝેબના દરબારની કાર્યવાહી જોયા કરતી એટલે તેને આવું ઉપનામ મળ્યું હતું, તેમ કહેવાય છે. પરંતુ ખરી વાત તો એમ હતી કે તેને પોતાનું કવયિત્રી તરીકેનું વ્યક્તિત્વ ઔરંગઝેબથી વર્ષો સુધી ગોપિત રાખવું પડયું હતું.
અત્યંત લાડકી ઝેબુન્નિસાની કેળવણીની જવાબદારી ઔરંગઝેબે પોતાના એક વિશ્વાસુ દરબારી નૈશાપુરીની પત્ની મરિયમ હાફિઝાને સોંપી હતી. મરિયમે બહુ ટૂંકા સમયમાં જ શાહજાદી ઝેબુન્નિસાને લખવા-વાંચવામાં પારંગત કરી દીધી. અદ્‌ભુત પ્રતિભાની મલેકા ઝેબુન્નિસાએ સત્વરે સંપૂર્ણ કુરાનેશરીફ‍ કંઠસ્થ કરીને આઠ વર્ષની ઉંમરે પિતાને સંભળાવ્યું ત્યારે અત્યંત ખુશ થઈને ઔરંગઝેબે ઝેબુન્નિસાને પુર્સ્કાર સ્વરૂપે ત્રીસ હજાર અશરફીઓ ભેટમાં આપી. રાજકુમારીની આ સિદ્ધિ પર રાજધાનીમાં દિવસો સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો.

એ જમાનો તો હતો રૂઢિચુસ્તતાનો. સ્ત્રીઓ હંમેશા પર્દાનશીન, પરપુરુષોની નજરથી ઓઝલ, માત્ર ઘરમાં પુરાઈને જ રહેતી. પણ રાજકુમારીની પ્રતિભા જોઈને ઔરંગઝેબે તેને ઉચ્ચશિક્ષણ આપવાનું નક્કી કર્યું. વિદ્વાન સૈયદ મુલ્લા અશરફ્‍ને ઝેબુન્નિસાને અરબી અને ફારસી ભાષા શીખવવાની જવાબદારી સોંપવામાં આવી. ઝેબુન્નિસાએ ખૂબ લગનથી આ બન્ને ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. તે ઉપરાંત ગણિત અને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ લઈને વિવિધ વિષયોનાં અરબી અને સંસ્કૃત ભાષામાંથી ફારસી ભાષામાં અનુદિત અનેક ગ્રંથો પોતાના પુસ્તકાલયમાં વસાવ્યાં.

અને આ બધાં શોખ અને શિક્ષણ વચ્ચે કંઈક એવું થયું, કે ભાષાના લગાવ વચ્ચે ઝેબુન્નિસામાં કવિતાનું બીજ અનાયાસ રોપાઈ ગયું. શરૂઆતમાં વિવિધ ભાષાઓમાં લખાયેલી કવિતાઓનાં પુસ્તકો વાંચીને મન મનાવતી ઝેબુન્નિસાના મનના અતળ ઊંડાણમાં કવિતા પાંગરી ચૂકી હતી. ધીરે-ધીરે એ કવિતા શબ્દાકારે કાગળ પર ઊતરવા તો લાગી, પણ મજબૂરી એ હતી કે કવિતાનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવાનો કોઈ માર્ગ ન હતો. ફારસી કવિતાની જવાનીના એ કાળમાં પણ એક સ્ત્રી હોવાના નાતે અને ઔરંગઝેબની પુત્રીના નાતે કોઈને પૂછી શકાય તેમ પણ ન હતું. પિતાના કડક અને રૂઢિચૂસ્ત સ્વભાવનો તેને પરિચય હતો.

પણ કવિતા જેનું નામ, કે એ પથ્થર પણ રસ્તો કાઢી લે! ઝેબુન્નિસામાં રોપાયેલું ભાષાપ્રેમનું બીજ કવિતારૂપે બહાર આવવાનું જ હતું. સંજોગવશાત તેણે લખેલી કવિતાનાં કાગળો તેના શિક્ષક સૈયદ મુલ્લા અશરફના હાથમાં આવી ગયાં. ઝેબુન્નિસાએ શરૂઆતમાં તો ઔરંગઝેબને જાણ થવાના ભયથી વાત છુપાવવાની કોશિશ કરી જોઈ. પણ મુલ્લા અશરફે ઝેબુન્નિસાના વિચારોની પરિપકવતા અને ભાષાની પ્રવાહિતાના સંગમ સમી કૃતિઓને વખાણી, ત્યારે ઝેબુન્નિસાએ નિરૂપાય કબૂલાત કરવી પડી. ઝેબુન્નિસાની રચનાઓને મુલ્લા અશરફ‍ના આશીર્વાદ અને ઇસ્લાહ મળ્યા. સોનામાં સુગંધ ભળી.

લગભગ એ જ અરસામાં ઔરંગઝેબને પણ ઝેબુન્નિસાની શાયરીનો પરિચય પેલા બાગમાં મળ્યો. અને તે સાથે જ ઝેબુન્નિસાની કવિતાને પરવાન અને પરવાનો પણ મળી ગયા.

પરંતુ રૂઢિચૂસ્ત, પરંપરાવાદી અને રીતરિવાજોને જ પ્રાધાન્ય આપતા ચુ્સ્ત સુન્ની મુસ્લિમ પિતાથી વિપરીત ઝેબુન્નિસા એક સૂફી કવયિત્રી થવા સર્જાઈ હતી. પિતા તરફ્‍થી મળેલી છૂટને કારણે શાહજાદીનો એક કવિ-દરબાર સ્થાપિત થઈ ગયો. ઝેબુન્નિસાની ખૂબસૂરતી સાથે તેની શાયરીના ઉમદા મિશ્રણે દિલ્હીમાં એક ઉન્માદ સર્જી દીધો. નાસીરઅલી સરહિંદી, મિર્ઝા મુહમ્મદઅલી ‘સાયબ’, મુલ્લા તાહિર ‘ગની’, નેમતખાં ‘આલી’, ‘બહરોજ’ વગેરે ફારસી શાયરો ઝેબુન્નિસાના કવિ-દરબારમાં હાજરી આપવા લાગ્યા જેમણે પોતાની કેટલીયે રચનાઓ ઝેબુન્નિસાને નામ અર્પણ કરી દીધી, જેમાં સફઉદ્દિન અર્દવેલી રચિત ‘જેબુત્તફસીર’ અને આકિલખાં મીર અસ્કરી નિર્મિત ‘દીવાન’ અને ‘મસનવી’નો પણ સમાવેશ થાય છે.

ઝેબુન્નિસાને પોતાના કાકા દારા શિકોહ માટે ખૂબ જ લાગણી હતી. ઔરંગઝેબના પિતા શાહજહાં તો ઝેબુન્નિસાના લગ્ન દારાના પુત્ર સુલેમાન સાથે કરવા ધારતા હતા. સુલેમાન સાથે ઝેબુન્નિસાની સગાઈ પણ થઈ ચૂકી હતી, છતાં એ સંબંધ કોઈક કારણસર લગ્નમાં પરિણમ્યો નહીં.

એ સમયે શાહ ફારુખ નામના એક યુવાન કવિએ ઝેબુન્નિસા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેને ઝેબુન્નિસાએ અસ્વીકાર કરતાં, શાહ ફારુખે એક શેર લખી મોકલ્યોઃ

મુકર્રર કર્દઃ અમ દર દિલ અજીં દરગાહ ન ખ્વાહમ રફત,
સર ઈજા, સિજદા ઈજા, બંદગી ઈજા, કરાર ઈજા.

મેં નિશ્ચય કરી લીધો છે કે આ દરબાર છોડીને ક્યાંય નહીં જાઉં,
કારણ કે નમન, બંદગી અને સુખનું આ એક જ સ્થાન છે.

પણ માનુની ઝેબુન્નિસાએ યુવાન કવિના આકર્ષણે ખેંચાઈ જવાનું પસંદ કરવાને બદલે તેને જવાબ પાઠવતા શેર લખ્યોઃ

ચે આસાં દીદઈ આશિક! તરીકઃ ઇશ્કબાજી રા;
તપ ઈજા, આતિશ ઈજા અખગર ઈજા ઔર શરર ઈજા.

ઓ પ્રેમી! પ્રેમના માર્ગને તેં બહુ સરળ સમજી લીધો છે,
આ પથ પર તપન છે, આગ છે, ચિનગારી છે, જવાળા છે.

આમ ઝેબુન્નિસાની કવિતા અને તેના બેનમૂન રૂપની જવાળામાં હોમાવા અનેક પરવાનાઓએ પ્રયત્ન કરી જોયા હતા, પણ ઝેબુન્નિસાનું દિલ તો કોઈ અન્ય જગ્યાએ રીઝેલું હતું.

ઝેબુન્નિસાના દરબારમાં મોભાનું અને મોખરાનું સ્થાન જાળવનાર આકિલખાં અને ઝેબુન્નિસા વચ્ચેના પરસ્પર અનુરાગની અનેક વાતો પ્રચલિત છે, પરંતુ ઝેબુન્નિસાની શાયરીમાં આ સંબંધના ઉલ્લેખની ગેરહાજરી આશ્ચર્યજનક રીતે સૂચક છે. શાયરીના સંદર્ભે આથી વિરુદ્ધ ઉલ્લેખો અવશ્ય જોવા મળે છે. આકિલખાં એક વખત લાહોરમાં હતા ત્યારે ઔરંગઝેબ કાશ્મીરથી પાછા વળતાં લાહોરમાં વિરામ કરવા રોકાયા હતા. સાથે હંમેશની જેમ ઝેબુન્નિસા પણ મોજૂદ હતી. સૂર્યાસ્ત સમયે બાગમાં ટહેલતા આકિલખાંની નજર છત પર ઊભેલી ડૂબતા સૂર્યને જોવામાં તલ્લીન એવી ઝેબુન્નિસા પર પડી. આકિલખાંએ ઝેબુન્નિસાને સંબોધીને એક મિસરો કહ્યોઃ

સુર્ખ પોશે બલબે બામ નજર મી આયદ,
લાલ વસ્ત્રે એ મને છતને કિનારે છે મળી.

આકિલખાંના મનના ભાવોને પારખીને, બીજો મિસરો કહી શેર પૂરો કરવાને બહાને શાહજાદીએ આકિલખાંને પ્રત્યુત્તર પાઠવ્યો,

ન બજારી, ન બજોરો, ન નજર મી આયદ.
ના મળે આંસુ વહાવ્યે, ના બળે, ના ધન થકી

પણ આકિલખાંના દિલો-દિમાગ પર સવાર આશકી એમ ઝેબુન્નિસાનો પીછો છોડે તેમ ન હતી. બીજે દિવસ આકિલખાં ચોપાટ રમતી શાહજાદીના ઝરૂખા નીચે સાધારણ મજૂર વેશે પહોંચી ગયા અને શાહજાદીની નજર તેમના પર પડતાં જ કહ્યું,

મન દર તલબત દિર્દે જહાં ભી ગર્દમ
ખોજમાં તારી પૂરો સંસાર હું ઘૂમી વળ્યો

ચતુર શાહજાદી છદ્મવેષે આવેલા આકિલખાંને ઓળખી લીધા અને તરત જ જવાબ પાઠવીને શેર પૂરો કર્યો,

ગર બાદ શવી બર સરે જુલ્ફ‍મ‌ ન રસી
હવા બન્યો પણ કેશ મારા તોય ના પામી શક્યો

શાહજાદીના તિરસ્કાર છતાં આકિલખાંએ પોતાના પ્રયત્નોમાં ઓટ આવવા ન દીધી. છેવટે ઔરંગઝેબના દરબારમાં દરોગા તરીકે ગોઠવાઈને પરદાનશીન ઝેબુન્નિસાની નજર સમક્ષ આવતાં રહીને છેવટે તેના કવિ-દરબારમાં સ્થાન મેળવી લીધું. એ પછી આકિલખાં માટે શાહજાદીના દિલ સુધીનો માર્ગ ખાસ કઠિન ન રહ્યો.
એમના પ્રણયની વાત આમ તો જગજાહેર ન થઈ હોત, પરંતુ કવિ-દરબારમાં મોજૂદ ઝેબુન્નિસાના રૂપના દીવાના અને તેની શાયરી પર મુગ્ધ, પણ તેને પામવામાં નાકામિયાબ કોઈ પરવાના શાયરે ઔરંગઝેબના કાને ઝેબુન્નિસા અને આકિલખાંના વધતા જતા સંપર્કોની ચાડી ફૂંકી દીધી.

ઝેબુન્નિસા અને આકિલખાંના પ્રણયની આગ રૂઢિચૂસ્ત ઔરંગઝેબને દઝાડી ગઈ. તેણે આકિલ ખાંને દરબારમાં પ્રવેશબંધી ફ્‍રમાવી દીધી અને અફ‍વાઓની ખરાઈ કરવા માટે તેણે ઝેબુન્નિસાને કેટલીક તસવીરો બતાવીને તેમાંથી પોતાના માટે પસંદગીનો વર શોધવા આદેશ આપ્યો. એ તસવીરોમાં આકિલ ખાંની પણ તસવીર અચૂક સામેલ હતી.

ઔરંગઝેબના બદઇરાદાઓથી નાવાકેફ્‍ ઝેબુન્નિસાએ ભોળા ભાવે આકિલ ખાંની તસવીર સહર્ષ પસંદ કરીને ઔરંગઝેબને આપી. ખલાસ! ઝેબુન્નિસા અને આકિલ ખાં વચ્ચેના નાજુક સંબંધોનો પુરાવો ઔરંગઝેબને મળી ગયો હતો. લગ્ન કરી આપવાના બહાને તેણે આકિલ ખાંને આમંત્રણ પાઠવ્યું, પણ આકિલ ખાંના સદ્‌ભાગ્યે અંદરની વાત જાણતા દરબારી મિત્રોએ આપેલી ચેતવણીને કારણે આકિલ ખાંને ઔરંગઝેબના કાવતરાની ગંધ આવી ગઈ. આકિલ ખાં ચેતી ગયા. મગરૂર આકિલ ખાંએ લગ્નનું આમંત્રણ સન્માનપૂર્વક પાછું ઠેલ્યું અને ઔરંગઝેબના દરબારમાંથી પણ રાજીનામું આપી દીધું!

ઔરંગઝેબ અને આકિલ ખાં વચ્ચેના આ બનાવે ઝેબુન્નિસાના સપનાં પર વજ્રાઘાત થયો. આકિલ ખાંએ ધીરે-ધીરે પણ મજબૂતાઈથી ઝેબુન્નિસાના દિલ પર મજબૂત આસન-શાસન જમાવી દીધું હતું. તેનું સપનું ઔરંગઝેબે ચકનાચૂર કરી દીધું હતું. આકિલ ખાંની જુદાઈનો ઘાવ ભરાવો સહેલો ન હતો.

અહીં ઝેબુન્નિસાની કવિતાનો ઇતિહાસ એક જબરજસ્ત વળાંક લે છે! એક સમયે આકિલ ખાંની પ્રેમ-અરજને ઝેબુન્નિસાએ ઠુકરાવી હતી. હવે પરિસ્થિતિ એ જ રહી હોવા છતાં પાત્રો પોતાની જગ્યા બદલે છે!

નિરાશ ઝેબુન્નિસાએ મોકો મળતાં આકિલ ખાંને એક મિસરો લખીને મોકલે છે,

શુનીદમ તર્ક-ખિદમત કર્દ આકિલ ખાં બ નાદાની;
(ન જાણે કેમ આકિલ આમ નાદાની કરી બેઠા)

અહીં આકિલ શબ્દનો સંદર્ભ અક્કલવાળા સાથે છે.

અક્કલવાળા આકિલ ખાંએ પ્રત્યુત્તર વાળતાં લખ્યું,

ચેરા કારે કુનદ આકિલ કિ બાજ આયદ પશેમાની.
(કરી પસ્તાય એવું કામ ના આકિલ કદી બેઠા)

આકિલ ખાં સાથેના ઝેબુન્નિસા સાથેના સંબંધોનો આમ અકાળે દુઃખદ અંત આવ્‍યો. પરંતુ જીવનના આ વળાંકે ઝેબુન્નિસાની શાયરીને સૂફી અંદાઝ આપ્યો. તેની શાયરી હવે કવિ-દરબારની સીમાઓને વળોટીને આમ જનતામાં, સૂફી શાયરીઓ લલકારતા ફ‍કીરો સુધી પહોંચી ગઈ હતી. તેની વધતી જતી ખ્યાતિ અને લોકપ્રિયતા ઔરંગઝેબને અકળાવતાં હતાં, પણ ઝેબુન્નિસા આખરે તેની પુત્રી હતી અને શાયરી કરતાં રોકી ન શકાય તેવી તેની લોકપ્રિયતા થઈ ચૂકી હતી.
અકળાયેલા ઔરંગઝેબે મશહૂર ફરસી શાયર નાસિર અલી સામે ઝેબુન્નિસાનો મુકાબલો ગોઠવ્યો. શરત એ હતી કે અલીના મિસરાનો સર્વ-સ્વીકૃત જવાબ ઝેબુન્નિસા ત્રણ દિવસમાં ન આપી શકે, તો તેણે શાયરીને કાયમ માટે રુખસદ આપવી.

શરત આકરી હતી. એક તરફ્‍ મશહૂર શાયર અલી હોય, સામે નાજુક હૃદયની મલેકા ઝેબુન્નિસા હોય. ઝેબુન્નિસા હારે તો શાયરીને રુખસદ અને જીતે તો? જીતે તો કંઈ નહિ! અલીના પક્ષે તો કંઈ ગુમાવવાનું હતું જ નહીં!
અને છતાં ઝેબુન્નિસા માટે આ આકરી શરત એ આખરી તક પણ હતી. શક્તિશાળી ઔરંગઝેબ સામે એ પોતાની લોકપ્રિયતા સિવાયની કોઈ મૂડી વાપરી શકે તેમ ન હતી અને વધુ એક વખત લોકપ્રિયતા, પ્રસિદ્ધિ હાસિલ કરવા આ મોકો હતો.

ઝેબુન્નિસાએ મુકાબલો કબૂલ રાખ્યો.

નાસિરઅલીએ ઔરંગઝેબની સૂચના મુજબ અઘરો અને અટપટો મિસરો તૈયાર રાખ્યો હતો.

દુર્રે અબલક કસે કમ દીદા મોજૂદ
(શ્વેત શ્યામ મોતીનું મળવું છે દુષ્કર)

અનેક શાયરીઓની રચયિતા કવયિત્રી, નાસિર અલીના આ મિસરામાં ગૂંચવાઈ ગઈ. ત્રણ દિવસની અગાધ મહેનત અને અનેક પ્રયાસો પછી પણ, નબળી પાદપૂર્તિ કરવી કે મુકાબલામાંથી ખસી જવું, બંને માર્ગે શાયરીને તો તિલાંજલિ જ આપવી પડે તેમ હતું. અને નામોશી મળે એ ઝેબુન્નિસાને મંજૂર ન હતું.

ત્રીજા દિવસે થાકી-હારીને ઝેબુન્નિસાએ પોતાની પ્રિય દાસી મીંયાબાઈને બોલાવીને હૈયાવરાળ કાઢી. શાયરી વગરનું જીવન કે નામોશીભરી જિંદગીને બદલે તેણે હીરો ચાટીને જાન આપવાની તૈયારી કરી લીધી. મીંયાબાઈ ઝેબુન્નિસાની દાસી જ નહીં, પણ ખૂબ જ અંતરંગ સખી પણ હતી. આ વાત સાંભળીને એ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી. રડતી મીંયાબાઈને છાની રાખતાં ઝેબુન્નિસા એને વળગી પડી. મીંયાબાઈની આંખોમાંથી વહેતાં ચોધાર આંસુઓને જોઈને સ્વભાવાનુસાર ઝેબુન્નિસાના મનમાં પંક્તિઓ આકાર લેવા માંડી, જે અનાયાસ નાસિર અલીના પ્રથમ મિસરા સાથે અદ્દલ મેળ ખાતી હતી.

હવે કોઈ ફિકર રહી ન હતી! હવે મીયાંબાઈએ આંસુ વહાવવાની કે ઝેબુન્નિસાએ હીરો ચાટવાની જરૂર ન હતી! સાંજ પડવાની રાહમાં બંને સખીઓ ગોષ્ઠીમાં સરી ગઈ.

સાંજે ભરાયેલા દરબારમાં ઝેબુન્નિસાએ શેર પૂરો કરતાં કહ્યું,

દુર્રે અબલક કસે કમ દીદા મોજૂદ,
બાજુદ અશ્‍કે બુતાને સુરમાં આબુદ.
(શ્વેત શ્યામ મોતીનું મળવું છે દુષ્કર,
સુરમો જયાં જઈ મળે આંસુ ભીતર.)

આખો દરબાર ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ક્ષણભરમાં દરેક કવિએ, શાયરે ભાષાના ખેરખાંઓએ, ઝેબુન્નિસાએ કરેલી પાદપૂર્તિને એક અવાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.

ઔરંગઝેબ આખરી પ્રયાસ પણ હારી ગયો. ઝેબુન્નિસા ફરી એક વખત મશહૂર થઈ ગઈ. શાયરીના મુકાબલામાં જે સખીના આંસુઓને કારણે ઝેબુન્નિસા જીતી ગઈ તે મીંયાબાઈની કદર રૂપે લાહોરમાં 1664માં લાહોરમાં બંધાયેલો ચૌબુરજી બાગ મીંયાબાઈને અર્પણ કરવાની સાથોસાથ પોતાની એક શાયરી પણ આરસપહાણમાં કોતરાવીને ચૌબુરજી બાગના દરવાજે ચણાવી દીધી જે આજે પણ મોજૂદ છે. તકતીમાં લખ્યું છે,

રૂપ અને યૌવનની મહારાણી ઝેબુન્નિસા તરફથી…
સ્વર્ગ સમો આ બાગ રચાયો છે,
મીંયાબાઈને ભેટ અપાયો છે.

પ્રખ્યાત શાહજહાંનામામાં પણ આ ચૌબુરજી બાગ અને મીંયાબાઈની કહાણી સવિસ્તાર આલેખાઈ છે.

ઝેબુન્નિસા સામે હારી ગયેલા ઔરંગઝેબે ન છૂટકે શાયરી કરવાની સંપૂર્ણ છૂટ આપવી પડી. શાયર નાસિર અલી ખુદ પણ આ બનાવ પછી ઝેબુન્નિસાથી અંજાઈને તેના પ્રેમમાં પડી ગયા. આકિલ ખાંના ગમમાં ડૂબેલી ઝેબુન્નિસાના યૌવન અને કવનને નાસિર અલીના પ્રેમનો સાથ મળ્‍યો. તેમના પ્રેમની વાતો ફરીથી વહેતી થઈ અને ફરીથી ઔરંગઝેબનો કહેર ઝેબુન્નિસા પર વિંઝાયો. નાસિર અલીની કતલ સાથે ફરીથી ઝેબુન્નિસાની એક ઓર પ્રેમકહાણીનો કરુણ અંજામ આવ્યો.

કાલાંતરે ઔરંગઝેબની ક્રૂરતાનો શિકાર તેની એક સમયની લાડકી આ દીકરી અને દરબારમાંની સલાહકાર એવી ઝેબુન્નિસાને પણ બનવું પડયું. વાત એમ બની કે ઔરંગઝેબની સેના એક ખૂંખાર યુદ્ધમાં રાજપૂતો સામે લડી રહી હતી ત્યારે તેના પુત્ર અકબરે રાજપૂતો સાથે ભળી જઈને બળવો કર્યો, પણ ઔરંગઝેબની અપાર સેના સામે તેની કોઈ ચાલ ચાલી નહીં. વાત ખૂલી ગઈ અને અકબરે ઈરાન તરફ્‍ ભાગવું પડયું. બબ્બે વખત પ્રેમભંગ થયેલી ઝેબુન્નિસા ભ્રાતૃપ્રેમવશ ભાઈ તરફ‍ ઢળીને અકબરને પત્રો લખતી રહી. અકબરના ઝેબુન્નિસા પરના પત્રો ઔરંગઝેબના હાથે ઝડપાઈ ગયા!

શાયરીના મુકાબલામાં મળેલી હારની નામોશીથી અકળાઈ રહેલા ઔરંગઝેબે આ તક જતી ન કરી. બાગી અકબરને પત્રો લખવાના દેશદ્રોહના ગુના બદલ ઔરંગઝેબે ઝેબુન્નિસાને સલીમગઢના કિલ્લામાં કૈદ કરી લીધી. ગગનમાં વિહરતું પંખી આખરે સૈયાદની કૈદમાં પુરાઈ ગયું. પરંતુ કૈદમાં પણ બુલબુલે ગાવાનું ન છોડયું! પોતાને મળેલી કૈદનો ઉલ્લેખ કરતાં ઝેબુન્નિસાએ શાયરીમાં લખ્યું,

તામરા જંજીર દર પાએ-દિલે દીવાનઃ શુદ,
દોસ્ત શુદ દુશ્મન મરા હર આશનઃ બેગાનઃ શુદ.

ઝંઝીરો પગમાં પડી તો દીલનાં ટુકડા થઇ ગયા,
દોસ્તત, દુશ્મન ને પરિચિતો ય જુદા થઇ ગયા.

દર્દા કિજે કૈદે-સિતમ આઝાદ ન ગશ્તમ‌,
યક લહજઃ જેગમહાય જહાં શાદ ન ગશ્તમ‌.

હું હાયે સિતમ-કેદથી ના મુક્ત થઇ કદી,
આ દુખ ભર્યા જગે ન સુખી થઇ શકી કદી.

1689માં લાહોર ખાતે (અને બીજા એક મત મુજબ 1702માં દિલ્હી ખાતે) કૈદમાં જ ઝેબુન્નિસા મૃત્યુ પામી. તેના મૃત્યુ વખતે ઔરંગઝેબ દક્ષિણનાં રાજયોને હરાવી પોતાના ધર્મ અને રાજયનો ફેલાવો કરવામાં વ્યસ્ત હતો. પણ તેની પડતીના દિવસો બહુ દૂર ન હતા. ઝેબુન્નિસાના મૃત્યુનાં પાંચેક વર્ષ બાદ ઔરંગઝેબનું પણ મૃત્યુ થયું.

ઝેબુન્નિસાના મૃત્યુ પછી તેના ઉપનામ ‘મખ્ફી’થી લખાયેલી કવિતાઓ તેના સમકાલીનોમાં ફરતી થઈ ત્યારે છેક બધાને તેના સૂફી અંદાઝનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો. ધીરે-ધીરે તેની લોકપ્રિયતા બુલંદ થઈ અને છેવટે તેના મૃત્યુનાં બાવીસ વર્ષ બાદ ‘દીવાન-એ-મખ્ફી’ નામે તેની કવિતા ફારસી ભાષામાં પ્રગટ કરાઈ. દીવાન-એ-મખ્ફીમાં લગભગ ચારસો ગઝલો અને પાંચ હજાર શેર સમાવિષ્ટ હતાં.

શાયરી ઉપરાંત ઝેબુન્નિસાએ કેટલાક નિબંધો પણ લખ્યા છે. તેના અન્ય પુસ્તકોમાં ‘મોનીસ-ઉલ-રોહ’, ‘ઝેબ-ઉલ-મોન્શા’ અને ‘ઝેબ-ઉલ-તફસિર’નો સમાવેશ થાય છે.

Magazine-Ul-Ghara’eb પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ઝેબુન્નિસાએ લગભગ પંદરેક હજાર શેર લખ્યા છે.
દિલ્હીમાં તેના કવિતાનાં પુસ્તકોનું પ્રકાશન 1929માં અને તહેરાનમાં 2001માં થયું હતું. ઝેબુન્નિસાની હસ્તપ્રતો ‘નેશનલ લાઇબ્રેરી ઑફ્‍ પૅરીસ’, ‘લાઇબ્રેરી ઑફ્‍ બ્રિટિશ મ્યુઝિયમ’, જર્મનીની ‘લાઇબ્રેરી ઑફ્‍ તુબ્બીજન યુનિવર્સિટી’ અને ભારતની ‘મોતા લાઇબ્રેરી’માં સચવાયેલી છે. સરોજિની નાયડુએ પણ ઝેબુન્નિસાનાં એક મિસરા પરથી અંગ્રેજીમાં કવિતા પણ કરી છે.

કાલની ગર્તમાં ખોવાઈ ગયેલી આ ખૂબસૂરત કવયિત્રી અંગે આધુનિક યુગને શ્રી રઝા રૂમી દ્વારા Friday Times માં પ્રસિદ્ધ થયેલા Lady of the Age લેખને કારણે જાણકારી મળી. તે પછી ઝેબુન્નિસાની કેટલીક કવિતાઓનું “Wisdom of the East” શ્રેણી અંતર્ગત અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે ઝેબુન્નિસાના કાવ્યોમાં રહેલાં પ્રબળ હૃદયપક્ષની યુરોપીય જગતને જાણ થઈ. તાજેતરમાં 2007માં પ્રકાશિત થયેલ પુસ્તક Captive Princess Zeb-Un-Nissa: Daughter of Emperor Aurangzeb માં ઝેબુન્નિસાના જીવન અને કવનને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

*

ઉત્તમ રાષ્ટ્રગીત

-અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા                                                   ઉદ્દેશ – ઓગસ્ટ ૨૦૦૮

આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા પણ આ દેશના એક કવિએ પોતાની માતૃભૂમિનું સુંદર પ્રભાત નિહાળ્યું હતું, અને એમના કંઠેથી આ શબ્દો ફૂટ્યા’તા…

‘માતૃભૂમિઃ પુત્રોઙહં પૃથિવ્યાં’

અર્થાત્‌, ધરતી મારી માતા છે, અને હું એનો પુત્ર છું. અથર્વવેદમાં ધરતીની વંદનાના ખૂબ સુંદર મંત્રો છે. આ બધા મંત્રો ‘પૃથ્વી-સૂક્ત’ નામથી પ્રખ્યાત છે. ઉપરોક્ત પંક્તિ પણ પૃથ્વી-સૂક્તની જ છે.

માતૃભૂમિનું સૌંદર્ય નિહાળીને એ કવિની જેમ જ રવીંદ્રનાથના હૃદયમાંથી પણ વંદનાના છંદ ફૂટ્યા…

ડિસૅમ્બરનું એક સ્વર્ણપ્રભાત.

કવિવર ટાગોર પૂર્વાકાશ પર છવાયેલા સુંદર વાદળો અને એ વાદળો વચ્ચેથી ડોકિયું કરતા બાલરવિને મુગ્ધતાથી નિહાળતા’તા. જાણે એક પછી એક સુંદર પડદા ખસતા જતા’તા અને પ્રભાત હર ઘડી નવું તેજ, નવા આકાર ધરીને ઊગી રહ્યું હતું. બગીચામાં ચોતરફ સુંદર ફૂલો પોતાની મહેંક પ્રસરાવતા ખીલી રહ્યાં હતાં, ‘ને કવિનું મુગ્ધ મન પ્રકૃતિના આ અસીમ ચિત્ર-સાગરમાં રહી-રહીને ખોવાઈ જતું’તું.

ખોવાઈ ગયાની એ પળોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના એક મહાપ્રદેશનો નકશો એમના માનસપટ પર ઊપસી આવ્યો. માન સરોવર, કૈલાસ, બદ્રીનાથ, ગંગા, યમુના, કાશી, પ્રયાગ, બ્રહ્મપુત્રા, વિંધ્યાચલ, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, પુરી, પંચવટી, રામેશ્વર… એમનાં મનોચક્ષુ સુંદરતા, પવિત્રતા તેમજ મહિમાથી સજેલી માતૃભૂમિના એક-એક અંગનો જાણે સાક્ષાત્કાર પામ્યાં.

હાથ જોડીને એમણે પોતાના વિશાળ, મહિમામય સ્વદેશને પ્રણામ કર્યા.

અને શ્રદ્ધાનો અર્ઘ્ય અર્પણ કર્યો એ જગતપિતાને જેણે આ પૃ્થ્વી પર આવા પ્રદેશની રચના કરી.

જનગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા

આ ગીત સૌ પ્રથમ 27 ડિસૅમ્‍બર, 1911ના દિવસે કોં‍ગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું. એનું સ્વરાંકન પણ કવિએ પોતે જ કર્યું હતું. ‘ભારત વિધાતા’ શીર્ષક હેઠળ આ ગીત, સૌ પ્રથમ 1912માં ‘તત્વબોધિની’ સામયિકના જાન્‍યુઆરી અંકમાં છપાયું હતું. આ સામયિકના સંપાદક ટાગોર પોતે જ હતા. એ જ અંકમાં મૂળ ગીતની સાથે સાથે એ પ્રભાતનું વર્ણન પણ હતું, જેના થકી કવિને આ ગીત લખવાની પ્રેરણા મળી. ટાગોરનું ગીત તો પાંચ ભાગનું છે. રાષ્ટ્રગીત તરીકે આપણે માત્ર પહેલો ભાગ જ અપનાવ્યો છે.

આ આખુંય ગીત, એ વિરાટ વિશ્વાત્માની સ્તુતિ છે, જે સર્વનો સર્જનહાર છે, પાલનહાર છે અને ભાગ્યનિયંતા છે. ગીતની શરૂઆતથી અંત સુધી સમસ્ત સંસાર માટે મંગલકામના છે. એક તરફ‍ ઈશ્વરનો મહિમા ગાયો છે, બીજી તરફ સંસારના બધા રાષ્ટ્રો, બધા લોકોને પ્રેમના સૂત્રમાં પરોવાવાનું આહ્વાન છે.

પહેલી પંક્તિ -‘જનગણ મન અધિનાયક જય હે’ થી ગીતની શરૂઆત થાય છે. આ પંક્તિમાં એવા પરમાત્માની વંદના છે, જે નથી કોઈ દેશવિશેષનો, નથી કોઈ જાતિવિશેષનો કે નથી કોઈ ધર્મવિશેષનો. એ તો ધરતી પર વસતા દરેક મનુષ્યનો ઈશ્વર છે, અંતર્યામી છે, પ્રેરક છે. ગીતની આ પંક્તિ આપણી સંસ્કૃતિની મૂળ ભાવનાને પ્રગટ કરે છે. આપણા પૂર્વજોએ સમસ્ત વિશ્વને ઈશ્વરનું રૂપ માન્યું છે. ‘વાસુદેવઃ સર્વમિદમ્‌’. તુલસીદાસજીએ પણ રામચરીતમાનસ લખતી વખતે આમ જ વંદના કરી છે.

સિયારામમય સબ જગ જાનિ

કરહું પ્રનામ જોરિ જુગ પાનિ

આપણા રાષ્ટ્રગીતની પ્રથમ પંક્તિ દેશપ્રેમને કૂપમંડુકતામાંથી બહાર લાવીને વિશ્વપ્રેમના મહાસાગરનું રૂપ આપે છે.

પદની અંતિમ પંક્તિ -‘જનગણ મંગલદાયક જય હૈ’ – પ્રથમ પંક્તિની જ પૂરક છે. પ્રથમ પંક્તિનો ‘જનગણમન અધિનાયક’ – મનુષ્યમાત્રના હૃદયનો શાસક – અંતિમ પંક્તિમાં ‘જનગણ મંગલદાયક’ – સંસારના બધા જ માનવોનું મંગળ કરવાવાળો છે.

ગાંધીજીએ કહ્યું હતું, ‘‘… આ કરોડો મનુષ્યોના હૃદયમાં જે ઈશ્વર વસે છે, એ સિવાયના બીજા કોઈ ઈશ્વર પર મારી આસ્થા નથી… મારી તો અચળ શ્રદ્ધા છે કે આ કરોડો મનુષ્યોની સેવા દ્વારા જ હું એ ઈશ્વરને પ્રસન્ન કરી શકીશ.’’

આમ, આ ગીત કેવળ કવિની મધુર કલ્પના નથી. એ આપણી સંસ્કૃતિ, સહસ્ત્રાબ્દિઓથી અખંડપણે સચવાયેલી આપણી શ્રદ્ધા – આપણી સાધનાનું પ્રાણસંગીત છે, વિશ્વાત્મા માટેનો આપણો પ્રેમરાગ છે. પોતાના શરીરમાં રહેલ આત્મા ઉપરાંત બીજાના આત્માને પોતાના ગણીને હૃદયથી ચાહવાનું કહે છે.

સંસારના કોઈ દેશનું રાષ્ટ્રગીત આવી ભાવના વ્યક્ત કરતું નથી. બ્રિટનના રાષ્ટ્રગીતમાં શત્રુ-દમન કરનારા ઈશ્વરને પોતાના શાસકને ચિરંજીવી બનાવવાની પ્રાર્થના છે. ફ્રાન્સના રાષ્ટ્રગીતમાં અજેય ફ્રાન્સના એકચક્રી શાસન તળે સંસારને સુખી કરવાની પ્રતિજ્ઞા છે. જર્મનીએ તો અત્યાર સુધીમાં ચાર વખત પોતાનું રાષ્ટ્રગીત બદલ્યું છે. અમૅરિકાનું લાંબુ રાષ્ટ્રગીત લગભગ બધી જ પંક્તિઓમાં પોતાનું યુદ્ધખોર માનસ છતું કરે છે. સૉવિયેત રાષ્ટ્રગીત પોતાની માતૃભૂમિનું જ જયગાન કરે છે. આપણા એશિયાઇ પડોશીઓનાં રાષ્ટ્રગીતો પણ મોટાભાગે આવાં જ છે.

ચીનનું રાષ્ટ્રગીતઃ

કોટિ કોટિ હૃદયોમાં, હો ધડકન એક સમાન,

ભલે દુશ્મનની તોપ વરસાવે આગ,

છતાં, ન થંભો, કદમ ધરો આગળ,

છાતી પર ઝીલતા ઘાવ,

આગળ ધપો, આગળ ધપો.

અર્થ સ્પષ્ટ છે. આ યુદ્ધગાન છે, રણભેરીનો ઘોષ છે, વિનાશનું તાંડવ છે, શત્રુના નાશનો સંકલ્પ છે.

જાપાનનું રાષ્ટ્રગીત ત્યાંના સમ્રાટના દીર્ઘજીવન માટેની પ્રાર્થના છે. એ સંસ્કૃતિ અને સભ્યતાનો સૂત્રધાર સમ્રાટ જ છે. એ ગીત —

હે પ્રભુ

અમ સમ્રાટને તું જીવન આપ એટલા વર્ષોનું

કે જેટલા વર્ષોમાં,

રેતીનો એક નાનકડો કણ,

બની જાય વિશાળ પર્વત.

પોતાના રાષ્ટ્રના કલ્યાણથી આગળ વધીને આમાં કોઈ બીજી વાત નથી. સમ્રાટ પ્રસન્ન રહે, સમ્રાટ પ્રજાનું કલ્યાણ કરે, સુખ આપે… શરૂઆતથી અંત સુધી આ જ કામના છે. માતૃભૂમિની પૂજાને સ્થાને જાપાનની પ્રજાના હૃદયમાં વ્યક્તિપૂજાનો ભાવ વધારે પ્રબળ છે.

એશિયાના અન્‍ય દેશોમાં ફ્‍ક્ત મ્યાનમાર (બર્મા)નું જ રાષ્ટ્રગીત એવું છે, જે વિશ્વકલ્યાણની ભાવનાને મહત્ત્વ આપે છે. ગીત ઘણું પ્રભાવશાળી અને ઊંચા વિચારોવાળું છે. કેટલીક પંક્તિઓ —

આ છે આપણી પોતાની જનની-જન્મભૂમિ,

જે રચાયેલી છે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના શુભ સંકલ્પો પર,

જે કરે છે સ્થાપના દિવ્ય, પવિત્ર, વિશ્વશાંતિની.

પરંતુ, આ ગીતનો હૃદયપક્ષ ઘણો નિર્બળ છે. વિચાર કે બુદ્ધિપક્ષના ઊંડાણમાં કોઈ કસર નથી; પણ ભાવનાની એ તરલતા, એ વિપુલતા, પ્રેમનું એ આહ્વાન અને આગ્રહ, આ ગીતમાં નથી, જે જન-જનને એક-મન, એક-પ્રાણ કરી દે. ત્‍યારે ભારતના રાષ્ટ્રગીતની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ જ છે, કે એ કોઈ ભૂમિખંડ, રાજા, શાસક કે સિદ્ધાંતોની નહીં, પરંતુ એ મંગળમય ભગવાનની સ્તુતિ છે, જે પોતાના અપાર માંગલ્ય અને પ્રેમ થકી ઘટ-ઘટનો અંતર્યામી છે.