Archive for the ‘હાસ્ય’ Category

હાથ ભાંગ્યો

અશ્વિન ચંદારાણા

હમણાં અમારાં સૌનાં સદ્‌નસીબે અમારો હાથ ભાંગ્યો.

કોઈને એમ તો જરૂર થાય, કે હાથ ભાંગવા માટે વળી સદ્‍નસીબની શું જરૂર પડી આને વળી? પણ એવું છે ને કે મારા જેવા નસીબના બળિયાને કંઈક ખોટું કે ખરાબ થવા માટે પણ સદ્‍નસીબની જરૂર પડે!

આમ તો અમારી નોકરી બહુ સારી. પણ સવારે આઠ વાગ્યે નોકરીએ જઈને સાંજે પાંચ વાગ્યે ઘેર આવવાની તૈયારી કરતા હોઈએ ત્યાં જ બોસ કામના ને નક્કામા કાગળોની થોકડી લઈને અમારા ટેબલ ઉપર (!) ઊભા રહી જાય!

અમસ્તાં વળી દિવસ આખો કામ હોય તો ટેલિફોન રણકાવીને અમને એમની ઑફિસમાં તેડું મોકલનાર બોસ સાંજે અચૂક ટેબલ પર જાત્તે આવીને ઊભા રહી જાય, અમે ક્યાંક છટકી ન જઈએ એ ડરથી!!

એમને વળી એમના બોસ તેડું મોકલતા હશે બરાબર સાંજ પડ્યે! તે એ એમના બૉસની કૅબિનમાં જતા પહેલાં અમારા રસ્તામાં રોડાં વેરતા જાય! ‘જરા આ જોઈ લેજોને, સાંજે સાહેબ સાથે મિટિંગ છે. એમાં આ એક્સ્પ્લેઇન કરવા તમને બોલાવીશ’ પત્યું? સાંજ એમની, સાહેબ એમના, મિટિંગ એમની, ને પત્તર આપણી રગડાય!

એમણે આપેલાં કાગળો જોઈને જવાબ આપવા એમની કૅબિનમાં ડોકિયું કરું ત્યારે ખબર પડે કે બાપુ તો ક્યારનાય છૂ થઈ ગયા છે કૅબિનમાંથી!

એ…યને એ તો ફરતા ફરતા છેક સાતેક વાગ્યે પાછા ફરશે, ને કહેશે કે ‘જવા દો’ને, આજની મિટિંગ કૅન્સલ થઈ ગઈ. હવે કાલે જઈશું સાહેબ પાસે…’

એલા કૅન્સલ થ્યું’તું, તો ફોન કરીને કહી ન દેવાય? હું ઘરભેગો તો થઈ જાઉં!! પણ તો પછી ઑફિસને તાળું મારવાની જવાબદારી… સમજ્યા કે નહી? સાંજ એમની, સાહેબ એમના, મિટિંગ એમની, ને પત્તર આપણી રગડાય!

એમાં અમે મકાનનું જરા રીનોવેશન શરુ કરવાનું વિચાર્યું. જરા એટલે… બાથરૂમ પાસે એકાદ વોશબેઝિન મૂકાવવાના વિચારથી શરુ થાય તે બેંક બેલેન્સમાંથી એક દોકડોય ન બચે ત્યાં સુધીની સાફસૂફી કરવાની જ વાત હોય!

એમાં કામ શરુ કરતા પહેલાના આંટાઓ એટલે બાપ રે… ને એમાં વળી આપણે પાછા ટેકનિકલ, એટલે ટાઇલ્સ ચકાસીએ એટલી જ ચીકણાશ ઈંટમાંયે કરીએ. આમાં બેહિસાબ ટાઈમ વપરાય, ને મારો બોસ સાંજે ટાઈમસર ઘેર આવવા જ ન દે!

અમારે ઘરેથી સતત કહ્યા કરે, ‘આ બાજુવાળા શાહભાઈ જુઓ, કામ શરુ કર્યું ત્યારથી રોજ કામ પર નજર રાખવા નાઈટશિફ્ટ કરે છે, તમેય તે…’

હવે એને કેમ સમજાવું, કે બાજુવાળા શાહભાઈનું નવું વોશબેઝિન જોવા ગયાં એમાં તો અહીં સુધી લાંબા થઈ ગયાં!  હવે એમની વાદે ચડાય એટલી હિંમત અમારામાં રહી ન હતી! ને મારા બોસ આટલી રજાઓ મંજૂર કરે એવાં કોઈ લક્ષણો એ દેખાડતા ન હતા.

એટલે અમે છેવટે પત્ની સામે ગૂગલી નાખવાની હિંમત કરી. ‘જુઓ, તમે મારા કરતાં વધારે ભણેલાં! એમાંય તમે પાછા મેથ્સ ગ્રૅજ્યુએટ. મકાનના કામમાં છેવટે થોડું મેથ્સ તો આવે જ. તમે બૅન્કના કેશિયરની નોકરી મૂકી દીધે ઘણાં વર્ષો થયાં, માન્યું. પણ શીખેલું એમ કંઈ ભૂલી થોડું જવાય કે? તમે ભણેલાં-ગણેલાં… ભણેલ-ગણેલ પત્ની હોવાનો અમને થોડો તો ફાયદો થવો જોઈએને!!!

હવે સંજોગો જ એવા હતા કે અમે બચી ગયા. બાકી ગમે એવા ગૂગલીને ચોક્કા-છગ્ગામાં ફેરવી નાખવાની આ લોકોમાં આવડત હોય જ!

પણ થયું એવું કે તોયે સાજે સાત વાગ્યે ઘેર પાછા ફર્યા પછીયે ટાઇલ્સવાળાની મુલાકાત લેવી જ પડે! કોઈ ને કોઈ કારણસર આંટાફેરા રહ્યા જ કરે. આજે ટાઇલ્સ, ને કાલે નળ, ને પરમદી વળી બીજું જ કંઈ હોય!

એમાં અમારા સૌનાં સદ્‍નસીબે અમારો હાથ ભાંગ્યો.

હવે બદ્ધું કીલિયર?

પડ્યા ત્યારે તો આટલું બધું નીકળશે એવું નો’તું લાગ્યું, પણ હાથના એક્સ-રેમાં દેખાતી આડી-અવળી લીટીઓમાંની એક લીટી બતાવીને ડોક્ટરે જ્યારે કહી દીધું કે ”આને ક્રેક કહેવાય, ને એને જોડવા માટે પ્લાસ્ટર લગાવવું પડશે એકવીસ દિવસનું”, ત્યારે આપણે તો એકવીસ દિવસના પ્લાસ્ટરના ભારથી પહેલેથી જ ઝૂકી ગયા.

‘પેલો સાદો પાટો નહી ચાલે?’ અમારા મનનો ભય ડોક્ટર પાસે રજૂ કરતાંવેંત એ ભડક્યા, ‘ભલા માણસ, પાડ માનોને ડાબો લાવ્યા છો. જમણો ભાંગીને આવ્યા હોત તો શું કરત?’

હવે કેમ જાણે ડાબાને બદલે જમણો કે જમણાને બદલે ડાબો હાથ ભાંગવાની અમને એ સ્પ્લિટ સેકન્ડમાં તક મળી હોય! અને અમે જમણાને બદલે ડાબી બાજુ ઉપર ભાર દેવાનું મુનાસિબ માનીને ડાબા હાથનો ભોગ આપવો ઉચિત માન્યું હોય! ત્યારે તો હેલ્મેટ આમ, બૂટ આમ, ઘડિયાળ આમ અને મોબાઈલ આમ… બધું જ ચારે બાજું ઊડી ગયું હતું જેને એકઠું કરવાની ભાન કોને હતી?

ત્યારે તો… રસ્તાની કોરે એક કાચું-પાકું મકાન હતું એમાંથી એક બાપા ને એક માડી ને બે જુવાનિયાઓ દોડતા આવ્યા’તા. એકે બાઈક ઊભી કરી’તી, બીજાએ વેરવિખેર સામાન વીણી દીધો’તો. હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવેલા માડીનો કકળાટ હવે સમજાતો હતો, ‘હું તો રોજ કહું છું કે આ કુતરાંવને પેડો ખવડાવીને મારી નાખો. માળાંવ રોજ કો’કને ને કો’કને પછાડે છે…’

દુખતા હાથ-પગની પીડા વચ્ચેય અમારે કહેવું પડેલું, ‘ના માડી ના. આમાં એમનોય શું વાંક? રોજ અમે બાઇકુવાળાવ આમ મારફાડ જતાં હોઈએ, ત્યારે ઠંડી-તાપ-વરસાદ-પાણી જેવી કુદરતી પરિસ્થિતિઓ સામે સાવ લાચાર, સુમસામ રસ્તો ભાળી આડા પડ્યાં હોય એવા આ પશુઓને ટેં…ટેં… કરીને આડા જ આવીએ છીએને!

પેલું કૂતરું જે અમને આડું ઊતર્યું હતું એને પણ બીચારાને ક્યાં કોઈ ચોઈસ મળી હતી…!

એક્સ-રેવાળાની દુકાનેય તે વળી એ જ રામાયણ…

“હાથ જરાક સીધો કરો… ફોટો પાડવાનો છે…”

“તે ખબર છે ફોટો પાડવાનો છે તે… એટલે તો આંયાં ગુડાણાં છીએ… અને હાથ સીધો નથી થાતો, એટલે તો ફોટો પડાવવાનો થ્યો છે. સીધો થાતો હોત તો થોડા આમ લંગડાતા-લંગડાતા તારી દુકાનના ઓટલા ભાંગવા…

હવે ભાંગલા હાથની ઉપાધીયે કાંઈ ઓછી હોય છે?

પહેલી તો શરુ થાય ફોનની વણઝાર… બદ્ધાંને એકની એક વાત સમજાવવાની! “પે’લાં આમ થ્યું, ‘ને પછી આમ થ્યું!”થી શરુ થયેલ ફોન, “સારું ત્યારે, આવી જઈશ એક-બે દી’માં ટાઈમ મઇલે…”થી જ પૂરો થવાનો હોય એ બેય પાર્ટીને ખબર હોય.

પછી મુલાકાતીઓ ચાલુ થાય! ‘ને આંયાં બહુ જ મજા પડે.

ફોનમાં આપણે જેને-જેને સારો રિસ્પૉન્સ આપ્યો હોય એ બધાં આવે જ આવે? ‘ને આવે એટલે પેલી ફોનવાળી આપણી રેકડ જ આપણે તો ફરીથી ચડાવવાની હોય! ફસાઈ જાય પેલો સામેવાળો! આપણે તો આમાંથી પસાર થઈ ગ્યા હોય એટલે આપણને કાંય નવેસરથી દુખવાનું તો હોય નહીં, એટલે આપણે તો એ…યને મલાવી-મલાવીને… આમેય તે નવરાધુપ બેસી-બેસીને કંટાળી ગયેલા આપણને માંડ કોઈ સાંભળવાવાળું મળ્યું હોય!

બાકી ઘરનાઓને તો ફરી-ફરીને રેકડ સંભળાવવા બેસીએ તો તો પાછી એમની રેકડ સામેથી ફરી-ફરીથી સાંભળવી પડે… “કાં… અમે નો’તા કે’તા? કે ધીમે હાંકો, ધીમે હાંકો… પણ અમારું તો ક્યાં કોઈ માનતા જ ‘તા… લ્યો લેતા જાવ હવે… પંદર દી’નો ખાટલો થ્યો ત્યારે હવે શું આમ પાંયજો ઊંચો કરીને બતાવતા ફરો છો બધાયને…’

એટલે… આ પાંયજો ઊંચો કરીને છોલાયેલો પગ બતાવવાનો સીન અમારે મુલાકાતીઓ પૂરતો સીમિત રાખવો પડે. પણ એમાંયે પાછો કોઈ દોઢડાહ્યો મિત્ર આવી ચડે, તો પાછો એ જ સીન ભજવાઈ જાય…

“એ ભાભી…. આ તમે અમારા ભાઈબંધનું ધ્યાન રાખો હોં જરીક. આમ ને આમ ક્યારેક…”

“એં… હું તો કે’દી’ની કઉં છું, પણ મારું તો માને કોણ આ ઘરમાં… એનું જોઈને તો આ છોડીએ ચગી’તી બાઈક ફેરવવાના રવાડે… નો’તી માનતી એ…ય. ‘ને એય તે ટાંટિયો છોલીને ઘરમાં સંતાતી-સંતાતી આયવી તે દી’થી એનેય બાઈક છોડાવી દીધી’તી એમ આનેય બાઈક છોડાવવી પડશે… ઘરમાં ગાડી છે તોય આ ઉંમરે બાઈક છૂટતી નથી આ વરણાગિયાથી… ‘ને આ ગાડીએ ભઈશાબ… પેટ્રોલ ક્યાં પોસાય…”

એ… આપણી ઘાત ગઈ પેટ્રોલના ભાવ ઉપર… એટલે હવે બાઈક તો લઈ જવાશે! પેટ્રોલના ભાવ તો સાલા… બાકી આ ઉંમરે આપણે કાંઈ…

તો… વાત-વાતમાં મુલાકાતીઓને વળી પાંયજો ઊંચો કરીને ઢીંચણ બતાવતા જવાનું. આપણને તો ખબર જ હોય, કે પારકા ઘાની  કોઈને તે વળી શું પડી હોય!? આપણને પડી’તી કોઈના ઘાની કોઈ દી’? પણ શું છે કે… મજા આવે, નહીં?

‘ને સામેવાળોયે પાછો કાંય ગાંજ્યો જાય એમ ન હોય!  એય તે પાછો… ‘અરે… તમને તો કાંય નથી વાયગું… મારો એક ભાઈબંધ હતોને… એની હાયરે બસમાં જાતો’તોને… તે એં, બસમાં બારી પાંહે બેઠા’તાને… તે એં, સામી બીજી એક બસ આયવીને… તે એં… ફચ્ચા…ક… હાથના છોડિયા ઊડી ગ્યા’તા… કાંડેથી હાથ છૂટ્ટો જ થઈ ગ્યો’તો… તે છેક આણંદથી નડિયાદ સુધી ખોળામાં એક નાડીથી લટકી રીયેલો હાથ લઈને બેઠા રીયા’તા…”

એલા… આંયાં ખબર કાઢવા આયવો છો કે ખબર લઈ નાખવા…! છોલાયેલા ઢીંચણને બે શબ્દ આશ્વાસનના કહેવાને બદલે આમ રંધો લઈને મંડી પડ્યો છે તે…

જોકે… આવા હોરર સીનને તો રસોડા તરફથી જ ઝટ-ઝટ કટ મળી જાય, “એ બસ હવે, બવ બિવડાવો મા એને હવે… પાછો બાઈક ફેરવવાનું બંધ કરી દેશે બહુ બી જાશે તો… લ્યો ચા પીવો…”

આમ કવિ કલાપી અવળા કામે આવતા… જે મારતું તે પોષતું…

પ…ણ, શું છે કે… મજા પડે!

અને એમાંયે નવરાત્રી જેવો તહેવાર હોય, અને આપણા ભાંગેલા હાથ અને છોલાયેલા પગને કારણે આખા ઘરને ઘરમાં રહેવાની સજા થઈ હોય એવા ટાણે પણ, આપણું દુખ ઓછું કરવાના ઇરાદે રોજેરોજના નોરતાને “આજે લંગડાત્રીજ છે…” કે પછી “આજે લંગડાષ્ટમીનો હવન થવાનો છે” જેવી ઉક્તિ બોલી-બોલીને આપણને પ્રસન્ન રાખવાના રોજના પ્રયત્નો જોવા મળતા હોય ત્યારે… મજા તો આવે હો!!!

***